તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર સ્ટિંગ:રાજકોટના મેયરે જે આરોગ્ય કેન્દ્રમાં સરપ્રાઇઝ વિઝિટ કરી ત્યાં જ તેમની પીઠ પાછળ 100 રૂપિયામાં વેક્સિનના ટોકન વેચાતા હતા

રાજકોટ2 મહિનો પહેલાલેખક: મહેન્દ્રસિંહ જાડેજા
  • કૉપી લિંક
ચોકીદારે બે ટોકનના રૂ.200 લીધા - Divya Bhaskar
ચોકીદારે બે ટોકનના રૂ.200 લીધા
  • રાજકોટમાં રસી લેવા કતારમાં ઊભા નહીં રહેવા માટે બોગસ ટોકન બનતા હોવાની વાતો વચ્ચે દિવ્ય ભાસ્કરે કર્યો સાચી હકીકતનો પર્દાફાશ

કોરોના સામેની લડાઇમાં વેક્સિન જ એક માત્ર હથિયાર છે, લોકો વેક્સિન લે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર કરોડો રૂપિયા ખર્ચીને જાહેરાતો કરી રહી છે, લોકોને અપીલ કરી રહી છે, કોરોનાથી ભયભીત લોકો વેક્સિન લેવા માટે આરોગ્ય કેન્દ્ર સુધી પહોંચે છે, પરંતુ ત્યાં પણ 45થી વધુ વયના વેક્સિન લેવા ઇચ્છુક લોકોને વેક્સિન લેતા પહેલા ટોકન લેવું પડે છે અને આવા ટોકન આરોગ્ય કેન્દ્રમાં રૂ.100-100માં વેચાઇ રહ્યાનો દિવ્ય ભાસ્કરના સ્ટિંગ ઓપરેશનમાં ધડાકો થયો છે. કમનસીબી તો એ છેકે રાજકોટના મેયર ટોકનમાં કોઇ ગોલમાલ થાય નહીં તે માટે આરોગ્ય કેન્દ્રમાં રૂબરૂ ગયા હતા અને આરોગ્ય કેન્દ્રના સ્ટાફને સૂચનાઓ આપી રહ્યા હતા ત્યારે તેમની પીઠ પાછળ જ ટોકન રૂ.100માં વેચાતા હતા અને મેયરને તેની ગંધસુદ્ધા આવી નહોતી.

ચોકીદાર ટોકન વહેંચતો હતો
રાજકોટ શહેરમાં આરોગ્ય કેન્દ્રમાં ટોકન મેળવવા માટે કતારમાં ઊભું રહેવું પડે નહીં તે માટે લોકો બોગસ ટોકન બનાવી રહ્યાની વાતો બે દિવસથી શરૂ થઇ હતી, આ અંગેની સત્યતા તપાસમાં ગોકુલધામ પાસે આવેલા આંબેડકરભવન આરોગ્ય કેન્દ્રમાં બુધવારે બપોરે 12 વાગ્યે ભાસ્કરની ટીમ પહોંચી ત્યારે ત્યાં ટોકન બાટવાનું કામ સંભાળતા ચોકીદારે ટોકન વિતરણ થઇ ગયાનું અને આવતીકાલે સવારે લાઇનમાં ઊભા રહી જજો તેમ કહી દીધું હતું, ભાસ્કરની ટીમે કતારમાં ઊભું રહેવું નથી તેમ કહેતા ચોકીદારની લાલચ જાગૃત થઇ હતી અને તેણે કેટલા ટોકન જોઇ છે તેવો સવાલ કર્યો હતો, ભાસ્કરે બે ટોકનનું કહેતા આવતીકાલે લઇ જજો, હું ખિસ્સામાં રાખી દઇશ, બીજા દિવસે ગુરુવારે 11.10 વાગ્યે ભાસ્કરની ટીમ ફરી પહોંચી હતી ત્યારે ટીમને જોતા જ ચોકીદાર આરોગ્ય કેન્દ્રની બહાર આવ્યો હતો અને ખિસ્સામાંથી બે ટોકન કાઢીને આપી દીધા હતા, અને રૂ.200 વસૂલ્યા હતા.

મેયર બીજીબાજુ ગરબડ ન થાય તેની સૂચના આપતા હતા
ચોકીદારે રૂ.200માં બે ટોકન ભાસ્કરની ટીમને વેચ્યા હતા તે સમયે જ રાજકોટના મેયર પ્રદીપ ડવ પોતાની કારમાં આ આરોગ્ય કેન્દ્ર પર પહોંચ્યા હતા અને ડોક્ટરને મળી ટોકનમાં કોઇ ગોલમાલ થાય નહીં તેવી સૂચના આપી જતા રહ્યા હતા, મેયરની પીઠ પાછળ ટોકનનું વેચાણ ચાલુ હતું પરંતુ મેયરને ગંધસુદ્ધા આવી નહોતી, મેયર 11.45 વાગ્યે ત્યાંથી જતા રહ્યા હતા એ ટોકન પર વેક્સિનેશન પણ થયું હતું.

અન્ય કર્મીઓની ભૂમિકા પણ તપાસવી જોઇએ
ફરજ પરના કર્મચારીએ તમારા ટોકનનો ક્રમ તો જતો રહ્યો છે, ડોક્ટર પાસે સહી કરાવો તેમ કહેતા અમે ડોક્ટર પાસે પહોંચ્યા ત્યારે ચોકીદાર સાથે આવ્યો હતો અને તેણે આ ભાઇ ટોકન લઇને જતા રહ્યા હતા, સવારે લાઇનમાં ઊભા હતા તેમને સહી કરી આપો તેવી આદેશાત્મક રીતે વાત કરે છે, એક ચોકીદાર આવા વટ સાથે કેવી રીતે વાત કરી શકે?, તપાસ જરૂરી.

કેન્દ્ર પર મેયર પહોંચે છે અને કંઇ ખોટું ન થાય તેની સૂચના આપે છે
કેન્દ્ર પર મેયર પહોંચે છે અને કંઇ ખોટું ન થાય તેની સૂચના આપે છે

કોરોનામાં લેભાગુ તત્ત્વોએ જ્યાં મોકો મળ્યો ત્યાં લોકોને લૂંટ્યા
કોરોનાની આફતને કેટલાક લેભાગુ તત્ત્વોએ અવસર સમજીને દર્દી અને તેના સંબંધીને લૂંટાય ત્યાં લૂંટી લેવા તે રીતે ખેલ પાડ્યા છે. સેમ્પલ લીધા વગર કોરોના નેગેટિવ રિપોર્ટ આપવામાં આવતા હતા અને આ માટે વધુ રકમ વસૂલાતી હોવાનો અગાઉ દિવ્ય ભાસ્કરે પર્દાફાશ કર્યો હતો.

રેમડેસિવિર, ટોસિલિઝુમેબ ઇન્જેક્શનના કાળાબજાર થયા, ઓક્સિજનના બાટલા અને તેના પરનું રેગ્યુલેટર સહિતની વસ્તુઓ ઊંચા ભાવે વેચાઇ, કેટલીક ખાનગી હોસ્પિટલે બેડ હાઉસફુલના પાટિયા લગાવ્યા અને માલેતુજારોને વેન્ટિલેટરવાળા બેડ પણ ગણતરીની મિનિટોમાં આપી દીધા.

ટોકન લીધા બાદ રસીકરણ કરાયું
ટોકન લીધા બાદ રસીકરણ કરાયું

જેટલા જોઇતા હોય તેટલા આપીશ એકના રૂ.100 લેખે આપવાના રહેશે
12:00 બુધવારે બપોરના સંવાદો
રિપોર્ટર: વેક્સિન માટે આવ્યા છીએ.
ચોકીદાર:
ટોકન તો ક્યારના અપાઇ ગયા, કાલે સવારથી લાઇનમાં ઊભા રહી જાજો, દરરોજના 200 ટોકન આપી છી, 400 લોકો લાઇનમાં હોય છે, કાલે લાઇનમાં ઊભા રહી જજો.
રિપોર્ટર: ઓહો લાઇનમાં તો બહુ વાર લાગે, વચ્ચેથી કંઇ થઇ શકે?
ચોકીદાર:
કેટલા લોકો છે
રિપોર્ટર: બે લોકોને વેક્સિન આપવાનું છે
ચોકીદાર:
કાલે આવજો હું બે ટોકન ખિસ્સામાં રાખી મૂકીશ, અનુકૂળતાએ આવી જજો.
રિપોર્ટર: શું આપવાનું?
ચોકીદાર:
કાલે આવજોને સમજી લેશું.
રિપોર્ટર: ટોકન મળી તો જશે ને ?
ચોકીદાર:
હા... મારે જ દેવાના હોય છે.

ડોક્ટરની સહીવાળા બે ટોકન
ડોક્ટરની સહીવાળા બે ટોકન

11:10 ગુરુવારે સવારના સંવાદો
રિપોર્ટર: આવી ગયા, ટોકન છે ને?
ચોકીદાર: કાલે આવ્યા હતા તે જ છો ને?
રિપોર્ટર: હા... લાવો અમારા ટોકન.
ચોકીદાર:
સવારે ટોકન આપતી વખતે તમારા ટોકન ખિસ્સામાં જ રાખ્યા હતા, લ્યો આ બે ટોકન
રિપોર્ટર: 100 આપું કે 200 રૂપિયા.
ચોકીદાર:
એક ટોકનના રૂ.100 નક્કી જ છે, બેના રૂ.200 આપોને.
રિપોર્ટર: લ્યો આ રૂ.200ની નોટ, (ચોકીદાર રૂ.200ની નોટ લઇને ચાલતી પકડે છે)
રિપોર્ટર: બીજા જાણીતા લોકો માટે ટોકન જોઇતા હોય તો?
ચોકીદાર:
કેટલા જોઇ છે?
રિપોર્ટર: પાંચ લોકો માટે
ચોકીદાર
: બપોરે આવજો હું વ્યવસ્થા કરી રાખીશ

વાસ્તવિકતા: શું છે આખી પ્રક્રિયા
45 થી વધુ વયના લોકોને વેક્સિનેશન માટે ઓનલાઇન રજિસ્ટર કરાવવાનું નથી, દરેક આરોગ્ય કેન્દ્રમાં દરરોજના 200 વેક્સિન ફાળવવામાં આવે છે, મહાનગરપાલિકા દ્વારા આરોગ્ય કેન્દ્રમાં ટોકન સિસ્ટમ શરૂ કરવામાં આવી છે, સવારે વહેલા તે પહેલાના ધોરણે ટોકન આપવામાં આવે છે, ટોકન મેળવવા વહેલી સવારથી લાંબી કતાર લાગે છે, 200 ટોકન આપી દેવામાં આવે એટલે લાઇનમાં ઊભેલા લોકોને નિરાશ થઇને પરત ફરવું પડે છે.

અહીં ખામી:...પરંતુ શું થતું હતું
પરંતુ કેટલાક આરોગ્ય કેન્દ્રમાં આ પદ્ધતિનો ગેરલાભ ઉઠાવવામાં આવે છે, વહેલી સવારે આરોગ્ય કેન્દ્રનો કર્મચારી ટોકન ફાળવવાનું શરૂ કરે છે, પોતાની પાસે 200 ટોકનનું બંચ હોય છે પરંતુ તેમાંથી 180 કે 190 જેટલા ટોકન કતારમાં ઊભેલા લોકોને આપે છે, અન્ય 10 કે તેથી વધુ ટોકન તે વ્યક્તિ પોતાના ખિસ્સામાં રાખી મૂકે છે અને કતારમાં ઊભા નહીં રહેવા ઇચ્છુક વ્યક્તિ તેનો સંપર્ક કરે ત્યારે તે કર્મચારી રૂ.100-100માં ટોકન વેચી દે છે.

અન્ય સમાચારો પણ છે...