કોરોના સામે રક્ષણ આપવામાં કારગર નિવડતી વેક્સિનનો ત્રીજો ડોઝ ફક્ત વૃદ્ધો અને કોરોના વોરિયર્સને ફ્રીમાં અપાતો હતો પણ આઝાદીના અમૃત મહોત્સવને લઈને આગામી 15 દિવસ સુધી બધાને મફત અપાશે તેવી જાહેરાત કરાઈ હતી પણ બે દિવસ રસી આપ્યા બાદ સોમવારે જ તંત્ર હાંફી ગયું હતું અને રાજ્યભરમાં રસીની અછત સર્જાઈ છે. સૌરાષ્ટ્રમાં તો રસીકરણ જ બંધ કરી દેવાયું હતું અને શહેરોમાં મંગળવારે પણ સેશન થવાના નથી.
રાજકોટ શહેરમાં 8 લાખ લોકોને પ્રિકોશન ડોઝ લેવાનો બાકી છે. પ્રથમ દિવસે 5100એ ડોઝ લીધો બીજા દિવસે શનિવારે 4130 હતા રવિવારે રજા હતી અને સોમવારે ફક્ત 1050નો જથ્થો મળ્યો હતો જેથી પહેલી કલાકમાં જ વેક્સિનેશન થઈ ગયું પછી લોકો આવતા ના પાડવી પડી હતી અને આરોગ્ય કેન્દ્રના દરવાજાઓ પર વેક્સિનેશન બંધ કર્યાના બોર્ડ લગાવ્યા હતા.
શહેરમાં 8 લાખ લોકો પ્રિકોશન ડોઝ લેવામાં બાકી છે બધાને રસી આપવાની વાતો વચ્ચે 10,000માં જ તંત્ર હાંફી ગયું હતું. આવી સ્થિતિ સમગ્ર રાજ્યમાં જોવા મળી છે જેને લઈને આરોગ્ય વિભાગમાં દોડાદોડી થઈ હતી અને છેલ્લે કેન્દ્ર સરકાર પાસે સ્ટોક મગાયો છે તેવી દરેક સેન્ટરમાં માહિતી અપાઈ હતી જેથી એ સ્પષ્ટ થયું છે કે, હજુ બે ત્રણ દિવસ સુધી સ્ટોક આવવાની કોઈ શક્યતા નથી.
રાજ્યમાં શુક્રવારે 2.31 લાખ, સોમવારે ફક્ત 71569ને પ્રિકોશન ડોઝ!
સમગ્ર રાજ્યના વેક્સિનેશન પર નજર કરીએ તો ગુરુવારે કુલ 45000ને ડોઝ અપાયા હતા ત્યારે વૃદ્ધો અને કોરોના વોરિયર્સ સિવાય બધા પાસે ચાર્જ લેવાયો હતો. શુક્રવારે ફ્રી પ્રિકોશન ડોઝ શરૂ કરતા આંક 2,31,093 લોકોએ ડોઝ લીધો હતો. શનિવારે આંક 1,34,562 થયો હતો અને સોમવારે રસીના સ્ટોકની કટોકટી થઈ ત્યારે ફક્ત 71569 પ્રિકોશન ડોઝ અપાયા હતા.
આયોજનનો અભાવ - જિલ્લામાં પણ રસી ખૂટી પડતાં લોકોને થયા ધરમધક્કા
રાજકોટ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના આરએચસીઓ ડો.મિતેષ ભંડેરીએ જણાવ્યું હતું કે, ‘રાજકોટ જિલ્લામાં ફ્રીમાં પ્રિકોશન ડોઝ આપવાનું શરૂ થયું ત્યારથી રસી લેનારાઓની સંખ્યા ખૂબ જ વધી ગઇ છે. 15મીએ શુક્રવારે પ્રથમ દિવસે 100 કેન્દ્ર પર 8,000 થી વધુ ડોઝ, શનિવારે સાંજ સુધીમાં 52 કેન્દ્ર પર 2,449 ડોઝ અપાયા ત્યારે 3,500 ડોઝનો સ્ટોક બચ્યો હતો. દરમિયાન સોમવારે તે સ્ટોક પણ ખાલી થવાને આરે પહોંચતા બપોર સુધીમાં અંદાજે 395 વ્યક્તિમાં વેક્સિનેશન થઇ શક્યું હતું. હાલ સૌથી વધુ કોવિશિલ્ડની અછત છે. સોમવારે રસીનો સ્ટોક આવી જવાનો હતો, પરંતુ આવ્યો નથી. કંઇક મિસકેલ્ક્યૂલેટ થયું હોય તેવું લાગે છે’ બીજી તરફ રસી લેવા ગયા હોય અને ધક્કા થયા હોય તેવા લોકોમાં એવો રોષ જોવા મળી રહ્યો હતો કે, સરકારે સ્ટોકને લઇને અગાઉથી આયોજન કરવું જોઇએ ને?
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.