સોમવારથી 15થી 18 વર્ષની ઉંમરના બાળકોને કોરોના સામેની કોવેક્સિન વેક્સિન આપવાની શરૂઆત કરવામાં આવશે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર વેક્સિનનો પ્રથમ ડોઝ લેવાથી બાળકોમાં કોરોના થવાની શક્યતા ઓછી થઇ જશે. ઉપરાંત ઓમિક્રોન વધતા દહેશત સામે પણ રક્ષણ મળી રહેશે.
18 વર્ષથી વધારે ઉંમરના લોકો માટે વેક્સિન આપવાની જાહેરાત થતાં જ લોકોએ રાહતના શ્વાસ લીધા હતા અને ત્યારબાદ કોરોના અંગેના કેસમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ 18 વર્ષથી નીચેના એટલે કે બાળકો માટે વેક્સિન ન હોવાથી બાળકો કોરોના સંક્રમિત થવાની શક્યતા વર્તતા ત્રીજી લહેર જો આવે તો તેમાં બાળકો પર વધુ ખતરો હોવાનું નિષ્ણાતો દ્વારા અનુમાન કરવામાં આવ્યું હતું, પરંતુ આખરે બાળકો માટે પણ કોરોના સામેની વેક્સિન આવી જતા લોકોએ ફરી રાહતનો શ્વાસ લીધો છે.
ત્યારે આજથી એટલે કે સોમવારથી 15થી 18 વર્ષની ઉંમરના બાળકોને કોરોના સામેની કોવેક્સિન વેક્સિનનો પ્રથમ ડોઝ આપવાની શરૂઆત કરવામાં આવશે. બાળકોના નિષ્ણાત ડો. જય ધીરવાણીના જણાવ્યા અનુસાર બાળકોને વેક્સિનનો પ્રથમ ડોઝ મળવાથી તે પ્રાઇમિંગ કરે છે અને જેથી કોરોના થવાની શક્યતા 70% ઓછી થઇ શકે છે. જ્યારે ઓમિક્રોન માઈલ્ડ વેરિયન્ટ હોવાથી વધતા કેસ સામે વેક્સિનનો બૂસ્ટર મળી રહેતા સંક્રમિત થવાની શક્યતા પ્રાથમિક રિપોર્ટ અનુસાર પણ 50થી 70% ઘટી જવાની આશા સેવાઈ રહી છે.
સામાન્ય તાવની શક્યતા : ડો. જય ધીરવાણી
સામાન્ય રીતે કોઈ પણ વેક્સિન લેવામાં આવે તો સામાન્ય બીમારી થતી હોઇ છે. તેવી જ રીતે બાળકોના નિષ્ણાત ડોક્ટર ડો. જય ધીરવાણીના જણાવ્યા અનુસાર બાળકોને પણ કોરોના સામેની કોવેક્સિન વેક્સિન મળતા સામાન્ય તાવ કે શરીરમાં દુખાવો થઇ શકે છે. અપવાદરૂપ કિસ્સામાં જો કોઈ સમસ્યા થાય તો તબીબનો સંપર્ક કરવો જોઈએ.
વેક્સિન બાદ પણ સાવચેતી જરૂરી
વેક્સિન મળી રહેતા ઘણા લોકો કોરોના અંગેના નિયમોનું પાલન કરવાનું છોડી દે છે. વેક્સિન બાદ શરીરમાં ઇમ્યુનિટી વધી જતા કોરોના થવાની શક્યતા ઓછી જરૂર થઇ જાય છે, પરંતુ જો નિયમોનું પાલન ન કરવામાં આવે તો સંક્રમિત થઇ શકે છે. જેથી બાળકો માટે પણ કોરોના અંગેના નિયમોનું ખાસ પાલન કરી માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ જાળવવું ખૂબ જ જરૂરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.