કોરોનાથી બચવા માટે રસીકરણ એ જ શ્રેષ્ઠ ઉપાય છે. ત્યારે રાજકોટ જિલ્લાના આરોગ્ય તંત્ર દ્વારા 45થી વધુ ઉંમરના તમામ લોકોને વેક્સિન આપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. છેલ્લા કેટલાક સમયથી વેક્સિનેશનનું કાર્ય મંદ ગતિએ ચાલી રહ્યું હતું. હવે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. હવે ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્યનો સ્ટાફ ઘરે ઘરે જઈ પરિવારને સમજાવે અને હા પાડે એટલે વેક્સિન આપી રહ્યો છે. ગ્રામ્ય વિસ્તારના 54 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, નગરપાલિકા વિસ્તારના 7 અર્બન હેલ્થ સેન્ટર અને 12 સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને 5 સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ ખાતે તેમજ દરેક પેટા આરોગ્ય કેન્દ્ર ખાતે પણ વિનામૂલ્યે વેક્સિન આપવામાં આવી રહી છે. જેના પરિણામરૂપે રાજકોટના ત્રંબા સહિત અનેક ગામ કોરોનામુક્ત બન્યા છે.
ગામડામાં લોકોને વેક્સિનના ફાયદા જણાવી ઘરે વેક્સિન અપાય છે
રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપત બોદરે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મારૂ ગામ કોરોનામુક્ત ગામ અભિયાન શરૂ કર્યું છે. જેના ભાગરૂપે રાજકોટ જિલ્લામાં કોરોનાના કેસની સંખ્યા ઘટી રહી છે. હાલ રાજકોટ જિલ્લો કોરોનામુક્ત થવા જઇ રહ્યો છે. અમારી આરોગ્ય ટીમના અધિકારીઓ ગામડે ગામડે અને ઘરે ઘરે જઇ પરિવારને સમજાવે છે કે વેક્સિન લેવાથી શું થાય, વેક્સિન લેવાથી કેટલો ફાયદો થાય તે અંગે માહિતગાર કરે છે. બાદમાં પરિવારના બે સભ્ય પણ હા પાડે તો તેમના ઘરે જ વેક્સિન આપી દેવામાં આવે છે. આ યોજના અમે બે-ત્રણ દિવસથી ચાલુ કરી છે.
ત્રંબામાં બીજી લહેરમાં 35 લોકોના જીવ ગયા
સતત ઘટતા કોવિડ કેસોની સાથે ગામડાંઓ પણ કોરોનામુક્ત બની રહ્યાં છે. ત્યારે રાજકોટ તાલુકાના ત્રંબા ગામે કોરોનાને મહાત આપી છે. આ અંગે ગામના સરપંચે કહ્યું હતું કે, છેલ્લા 20 દિવસથી એક પણ વ્યક્તિને પોઝિટિવ કેસ આવ્યો નથી. જેના માટે ગામ લોકોની જાગૃતતા સૌથી વધુ અસરકર્તા સાબિત થઇ છે. લોકોએ ગાઈડલાઈનનું પણ ચુસ્તપણે પાલન કર્યું છે. રસીકરણ જે સમયે શરૂ થયું હતું તે દરમિયાન રસી પ્રત્યે લોકોની અજ્ઞાનતા જોવા મળી હતી. ત્યારે ગામને કોવિડ સંક્રમણથી બચાવા માટે અનેક પ્રયત્નો કર્યા હતા, તેમ છતાં . આ ગંભીરતાને ધ્યાને લઇ ગામના સરપંચ સહિત અન્ય યુગલો ગામની મુલાકાત લઇ લોકોને રસીકરણ માટે જાગૃત કર્યા હતા.
આ ઝુંબેશ હાથ ધરતા ગામમાં 70 ટકા રસીકરણ થઇ ચૂક્યું છે
7 હજારની વસ્તી ધરાવતા ત્રંબા ગામમાં પહેલી લહેરમાં 3 લોકોનાં મોત થયા હતા. તકેદારીના ભાગરૂપે ગામમાં એક માસનું લોકડાઉન લાદવામાં આવ્યું હતું. જેમાં બહારથી આવતા ફેરિયાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. સરપંચે વધુમાં કહ્યું કે, તે અને તેમના પરિવારે રસી લીધા બાદ તેમના મિત્રોને પણ રસી લેવડાવી હતી. આ ઝુંબેશ હાથ ધરતા ગામમાં 70 ટકા રસીકરણ થઇ ચૂક્યું છે. બીજી તરફ જે દર્દીઓને કોવિડ આવેલો હતો, તેમને સમયસર સારવાર આપવામાં આવી હતી અને ખૂટતી તમામ વસ્તુઓ ગણતરીની મિનિટોમાં જ આપવામાં આવતી હતી. ગામમાં ઉકાળા, ફરજિયાત માસ્ક, સેનિટાઈઝર અને સામાજિક અંતરનું પૂર્ણપણે પાલન કરવામાં આવ્યું હતું.
લોકોમાં સહેજ પણ અસર દેખાય એટલે આરોગ્યની ટીમ ટેસ્ટિંગ માટે પહોંચી જતી
માત્ર એટલું જ નહિ, ગામમાં જે લોકોને સહેજ પણ તાવ, ઉધરસ જેવી તકલીફ હોવાની માહિતી મળે તે સમયે જ આરોગ્યની ટીમ તે સ્થળ પર પહોંચી તેનું ટેસ્ટિંગ કરવામાં આવતું અને જરૂરિયાત મુજબની દવાઓ પણ આપવામાં આવતી. આ તમામ પગલાંઓ થકી ત્રંબા ગામ કોરોનામુક્ત બન્યું હતું.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.