કોરોના રાજકોટ LIVE:આજે વેક્સિનેશનની કામગીરી બંધ, શેરી ગરબામાં વેક્સિનેશન ફરજિયાત કરવું કે કેમ તે અંગે મનપા અવઢવમાં

રાજકોટ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • શહેરમાં અત્યાર સુધીમાં પોઝિટિલ કેસની સંખ્યા 42824 પર પહોંચી

રાજકોટમાં આજે બપોર સુધીમાં એક પણ કેસ નોંધાયો નથી. કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 42824 પર પહોંચી છે. આજ સુધીમાં રિકવરી રેટ 98.91 ટકા નોંધાયો છે. અત્યાર સુધીમાં 14,03,969 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. આજે રવિવારે શહેરમાં વેક્સિનેશનની કામગીરી બંધ રાખવામાં આવી છે. તેમજ નવરાત્રિ સમયે શેરી ગરબામાં જોવા આવનાર અને ખેલૈયાઓ માટે વેક્સિનેશન ફરજિયાત કરવું કે કેમ તે અંગે મનપાના અધિકારીઓ તેમજ પદાધિકારીઓ અવઢવમાં છે.

જાહેર સ્થળ પર ફરજિયાત વેક્સિન સર્ટિફિકેટનો કોઇ નિર્ણય લેવાયો નથી
રાજ્યના મહાનગરો અને જિલ્લાઓ પૈકી અમુક સત્તાવાહકોએ સિટીબસ, જાહેર સ્થળો તેમજ કચેરીઓમાં પ્રવેશ માટે વેક્સિન સર્ટિફિકેટ બતાવવું ફરજિયાત બનાવાયું છે. આ પાછળ તર્ક અપાયો છે કે, આ કારણે વધુમાં વધુ લોકો રસી લેવા માટે પ્રેરાશે અને રસીકરણ વધતા ત્રીજી લહેરનો ખતરો ટળી જશે. જોકે હજુ સુધી રાજકોટ શહેરમાં આવો કોઈ નિર્ણય લેવાયો નથી. આ અંગે મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા તેમજ મેયર પ્રદીપ ડવને પ્રશ્ન કરાતા તેઓએ પણ વેક્સિન સર્ટિ. વગર પ્રવેશ પ્રતિબંધ અંગે વિચારણા ન હોવાનું જણાવ્યું હતું.

એક સપ્તાહમાં સૌથી વધુ રસીકરણ મે માસમાં નોંધાયું
સપ્ટેમ્બર માસમાં મહા વેક્સિનેશન કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં એક જ દિવસમાં 46000 ડોઝ અપાયા હતા જે અત્યાર સુધીમાં એક દિવસમાં થયેલું સૌથી વધુ રસીકરણ છે. જોકે ત્યારબાદ રસીની અછત સર્જાઈ હતી તેથી સાતત્યતા જળવાઈ ન હતી. જ્યારે આ પહેલા મે મહિનામાં રસીનો દૈનિક જથ્થો પૂરતો મળતો હોવાથી દરરોજ એક જ ગતિએ વેક્સિનેશન થઈ રહ્યું હતું. આ જ કારણે મહાવેક્સિનેશનના દિવસે પૂરા થતા સપ્તાહમાં 81000 ડોઝ સાત દિવસમાં અપાયા હતા જ્યારે 22થી 28 મે દરમિયાન 1.10 લાખ તેમજ તેના પછીના સપ્તાહમાં પણ 96300 ડોઝ અપાયા હતા.

અન્ય સમાચારો પણ છે...