PM નરેન્દ્ર મોદી દ્વારા 15થી 18 વર્ષના બાળકોનું રસીકરણ કરવાની જાહેરાત કર્યા બાદ આજથી ગુજરાત સહિત સમગ્ર દેશમાં બાળકોનું વેક્સિનેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. જ્યાં રાજકોટમાં પણ આજે શહેરની 800 પૈકી ની 71 શાળામાં વેક્સિનેશનની શરૂઆત કરવામાં આવી છે. જ્યાં વેક્સિન લેવા વિદ્યાર્થીઓની લાઈન લાગી હતી. તો બે વાલીઓ તરફથી શાળાના દરેક બાળકોને બોલપેન આપી પ્રોત્સાહિત કરાયા હતા.
વિરાણી હાઈસ્કૂલમાં 1056 વિદ્યાર્થીઓ વેક્સિન લેશે
આજે જ્યારે રાજકોટ શહેરની શાળાઓમાં વેક્સિનેશન કરવામાં આવી રહ્યું છે ત્યારે રાજકોટમાં ટાગોર રોડ પર આવેલ એસ.વી.વિરાણી હાઈસ્કૂલ કે જ્યાં સૌથી વધુ વિદ્યાર્થીઓ વેક્સિન લેવાના છે. વિરાણી હાઈસ્કૂલમાં કુલ 1056 વિદ્યાર્થીઓ છે કે જેમની ઉંમર 15થી 18 વર્ષની છે. આજે મોટાભાગના વિદ્યાર્થીઓએ વેક્સિન લેવા માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન કર્યું છે અને જેમને બાકી હોય તેનું શાળા દ્વારા ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે.
ગેરહાજર વિદ્યાર્થીઓ માટે ફરી વેક્સિનેશન કેમ્પ યોજાશે
આ અંગે વિરાણી હાઈસ્કૂલના આચાર્ય હરેન્દ્રસિંહ ડોડીયાએ જણાવ્યું હતું કે, આજથી વેક્સિનેશન શરૂ થયું છે વિરાણી હાઈસ્કૂલના 1056 વિદ્યર્થિઓ વેક્સીન લેવા એલિજિબલ છે ત્યારે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પ્રથમ તો આરોગ્ય વિભાગનું સન્માન કરવામાં આવ્યું ત્યારબાદ દરેક ના વેક્સિનેશનની શરૂઆત કરવામાં આવી છે. આ ઉપરાંત દરેક વર્ગખંડમાં જે વિદ્યાર્થીઓને હાલ કોઈ વાયરલ ઇન્ફેક્શન હોય અથવા ગેરહાજર હોય તો તેમના માટે આગામી 7 તારીખના રોજ ફરી વેક્સિનેશન કરાવવા માટે આયોજન કરવામાં આવ્યું છે. વિરાણી હાઇસ્કૂલની વાત કરવામાં આવે તો 1056 વિદ્યાર્થીઓમાંથી હાલ મોટા ભાગે એટલે કે 900થી વધુ વિદ્યાર્થીઓએ વેક્સીન લેવા માટે સહમતી દાખવી છે જયારે બાકીના વિદ્યર્થીઓનું કાઉન્સેલિંગ તેમજ યોગ્ય માર્ગદર્શન આપવામાં આવશે અને વેક્સિન લેવા પ્રોત્સાહિત કરવામાં આવશે.
રાજકોટ શહેરની 71 શાળામાં રસી અપાશે
કેન્દ્ર સરકારની બાળકોનું વેક્સિનેશન કરવા અંગે જાહેરાત થયા બાદ રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા સરકાર પાસે માંગ કરવામાં આવી હતી કે શાળાના માધ્યમથી વેક્સિનેશન કરવામાં આવે જે રજુઆત માન્ય રાખી આજથી એક સપ્તાહ સુધી મેગા વેક્સિનેશનનું આયોજન કરવામાં આવ્યું છે. શાળા સંચાલક મંડળનું કહેવું છે કે શાળાના માધ્યમથી વેક્સિનેશન કરવાથી માસ વેક્સિનેશન, ઇઝી વેક્સિનેશન અને 100% વેક્સિનેશન કરી શકાશે. આજથી રાજકોટ મનપા દ્વારા શાળા સંચાલકો સાથે મળી વેક્સિનેશનનું આયોજન કરવામાં આવ્યું છે આજે પ્રથમ દિવસે રાજકોટ શહેરની 71 શાળામાં આરોગ્ય વિભાગ દ્વારા બાળકો માટે વેક્સિનેશનની શરૂઆત કરવામાં આવી છે.
બાળકોનું વેક્સિનેશન કરાવી સરકારને મદદરૂપ બનીશું
રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી.વી. મહેતાએ જણાવ્યું હતું કે, આજથી બાળકો માટે વેક્સિનેશન શરૂ થયું છે ખુબ જ ખુશીનો અને મહત્વનો દિવસ છે. અમારી રજુઆતને સાંભળી સરકાર દ્વારા અમારા ઉપર ભરોસો મૂકી જવાબદારી સોંપવામાં આવી છે. દરેક શાળા સંચાલકોને પણ અપીલ કરું છું કે વધુ ને વધુ બાળકોનું વેક્સિનેશન કરાવી આપણે સરકારને મદદરૂપ બનીશું. આ સાથે કોઈ પણ જગ્યાએ વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ કરવા જરૂર જણાય તો કાઉન્સેલિંગ કરી માર્ગદર્શન પૂરું પાડી વેક્સિનેશનના આ મહાઅભિયાન ને સફળ બનાવીશું. અને તમામ વિદ્યાર્થીઓનું 100 % વેક્સિનેશન થાય માટે શાળા સંચાલક, આચાર્ય, શિક્ષક તેમજ શાળાના અન્ય સ્ટાફ મેમ્બર જહેમત ઉઠાવી કટિબધ્ધ બને તેવી અપીલ છે.
વિદ્યાર્થીઓને વેક્સિન લેવા બદલ સન્માનિત કરાયા
વાલીઓ અને વિદ્યાર્થીઓમાં વેક્સિનેશનને લઇ ઉત્સાહ જરૂર જોવા મળી રહ્યો છે. વિદ્યાર્થીઓ પણ સરકારના નિર્ણયને આવકારી ત્રીજી સંભવિત લહેરના ખતરા પહેલા વેક્સિન આપવા બદલ સરકારનો આભાર માની અન્ય લોકોને વેક્સીન લેવા અપીલ કરી રહ્યા છે. એટલું જ નહિ વિદ્યાર્થીઓ વેક્સીન લેવા બદલ એક વાલી દ્વારા તેમના દીકરાની સાથે અભ્યાસ કરતા તેમના વર્ગખંડના અન્ય વિદ્યાર્થીઓને બોલપેન આપી સન્માન કરવામાં આવ્યું હતું જયારે બીજા એકે વાલીએ વિદ્યાર્થીઓને સારો પૌષ્ટિક નાસ્તો કરાવવામાં આવ્યો હતો
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.