રાજકોટમાં આજે મનપા દ્વારા રસીકરણનો ટાર્ગેટ પૂરો કરવા વેક્સિનેશન મેગા ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં આજે 20 હજાર લોકોને રસીનો બીજા ડોઝ આપવાનું લક્ષ્ય મનપાએ નિર્ધારિત કર્યું છે. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં શુક્રવારે બે મહત્ત્વની ઘટના બની છે. જેમાં 4 મહિના બાદ પ્રથમ મોત નોંધાયું છે તેમજ જયપુરથી આવેલા પૈકીમાં વધુ એક કેસ પોઝિટિવ આવ્યો છે. ત્યારે ઓમિક્રોનની દહેશત વચ્ચે રસીનો ટાર્ગેટ પૂરો કરવા તંત્ર ઊંધા માથે થયું છે.
લોકો માટે અલગ અલગ ઇનામની જાહેરાત
આ અંગે મ્યુનિ.કમિશનર અમિત અરોરાએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેરમાં તહેવારો બાદ દરરોજ એક-બે કેસ કોરોનાના સામે આવી રહ્યા છે. ઓમીર્કોનની દહેશત અને કોરોનાના વધતા જતા કેસને લઈને મનપા દ્વારા વેક્સિનેશન વધાર્યું છે અને તે માટે લોકો માટે અલગ અલગ ઇનામની જાહેરાત અને કેમ્પ કરવામાં આવી રહ્યા છે. ત્યારેઆજે રાજકોટમાં મેગા વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
બપોરના 2 વાગ્યાથી સાંજના 9 વાગ્યા સુધી મેગા ડ્રાઇવ
વધુમાં મ્યુનિ.કમિશનરે જણાવ્યું હતું કે,શહેરના 22 આરોગ્ય કેન્દ્રો ખાતે સવારે 9 વાગ્યાથી સાંજના 9 વાગ્યા સુધી તેમજ પી.ડી.યુ. મેડીકલ કોલેજ, પદ્મકુંવરબા હોસ્પિટલ-ગુંદાવાડી, રેલ્વે હોસ્પિટલ અને ઇએસઆઇએસ હોસ્પિટલ ખાતે સવારે 9 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી અને મહાનગરપાલિકા સંચાલિત તમામ દિન દયાળ ઔષધાલયમાં બપોરના 2 વાગ્યાથી સાંજના 9 વાગ્યા સુધી તેમજ મોલ, માર્કેટ, હોકર્સ ઝોન, ક્ધસ્ટ્રકશન સાઈટ, સ્લમ વિસ્તાર, સોસાયટી વિસ્તારમાં 70 મોબાઈલ મેડીકલ ટીમ દ્વારા કોરોના વેક્સિનેશનની કામગીરી કરવામાં આવી રહી છે.
1 લાખ 85 હજાર લોકો બીજા ડોઝથી વંચીત
ઉલ્લેખનીય છે કે પ્રથમ ડોઝમાં 100 ટકા વેક્સિનેશન પૂર્ણ થયાનો મનપા દાવો કરી રહી છે ત્યારે બીજા ડોઝમાં પણ 100 ટકા ટાર્ગેટ પૂર્ણ કરવા મનપા ઉંધા માથે કામગીરી કરી રહી છે. અત્યાર સુધી રાજકોટમાં 85 ટકા લોકોએ વેક્સિનનો બીજો ડોઝ લઇ લીધો છે. છતાંય 1 લાખ 85 હજાર જેટલા લોકોએ હજુ પણ વેક્સીનનો બીજો ડોઝ લીધો નથી. ત્યારે મનપા દ્વારા હવે વેક્સિનેશન વધારવા કામગીરી કરવામાં આવી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.