રસીકરણ:રસી લેવાથી નપુંસકતા આવે તેવી ધોરાજીમાં હજુ પણ અફવા, 20 હજારને પ્રથમ ડોઝ બાકી

રાજકોટ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • જિલ્લા કલેક્ટરે સ્થાનિક આગેવાનો, પૂર્વ પ્રમુખોને સમજાવી રસી લેવડાવી
  • મંગળવારે​​​​​​​ મેગા કેમ્પ, તમામ અધિકારીઓ જોર લગાવશે કારણ કે, ટાર્ગેટ પૂરો નથી થતો

ધોરાજીમાં રસી લેવાથી નપુંસકતા આવે તેવી હજુ પણ અફવા લોકોમાં છે. જિલ્લા કલેક્ટરે સ્થાનિક આગેવાનો, પૂર્વ પ્રમુખોને સમજાવી શુક્રવારે રસી લેવડાવી હતી. તેમજ મંગળવારે ધોરાજીમાં મેગા કેમ્પનું પણ આયોજન કર્યું છે. જેમાં તમામ અધિકારીઓ ટાર્ગેટ પૂર્ણ કરવા માટે જોર લગાવશે. રાજકોટ જિલ્લામાં ગ્રામ્ય લોકોમાં આજે પણ અલગ-અલગ ગેરમાન્યતા જોવા મળી રહી છે. જેના કારણે તંત્ર દ્વારા પ્રથમ ડોઝનું રસીકરણનો ટાર્ગેટ પૂર્ણ કરી શકાતો નથી.

રસી લેવાથી નપુંસકતા આવે તેવી ધોરાજીમાં અફવા ફેલાઈ હતી. જેના કારણે સ્થાનિક લોકો કોરોનાની રસી લેવાથી દૂર રહ્યા હતા. ત્યારે શુક્રવારે કલેક્ટર, ડીડીઓ સહિતના અધિકારી ધોરાજી જઈ લોકોને અફવાથી દૂર રહેવા અને કોરોના સામે રસી રામબાણ ઈલાજ ગણાવી રસી લેવા માટે જાગૃત કર્યા હતા. તે સમયે સ્થળ પર સ્થાનિક આગેવાનો, પૂર્વ પ્રમુખોને સમજાવી રસી લેવડાવી હતી. અને આગામી મંગળવારના રોજ મેગા કેમ્પનું આયોજન પણ તંત્રએ કર્યું છે.

જેમાં રસી લેવામાં બાકી રહેલા તમામ લોકોને રસી આપવામાં આવશે. આજે ધોરાજી તાલુકામાં સવારથી સાંજ સુધી બારસો જેટલા લોકોને રસી અપાઈ હતી. શનિવારે રાજકોટ શહેર કરતા રાજકોટ જિલ્લામાં બમણું રસીકરણ થયું હતું. રાજકોટ શહેરમાં 6009 લોકોને રસી અપાઈ જ્યારે રાજકોટ જિલ્લામાં 12187 લોકોને રસી આપવામાં આવી હતી. જિલ્લામાં કુલ 323 ટીમને રસી માટે કામે લગાડવામાં આવી હતી. આ ઉપરાંત જિલ્લા પંચાયતના વર્ગ એકના અધિકારીઓને પણ અલગ-અલગ ગામમાં જઈ સ્થાનિક આગેવાનોને સાથે રાખી લોકોને રસી લેવા માટેની ઝુંબેશ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...