રાજકોટ શહેર અને જિલ્લામાં 18 પ્લસની જનસંખ્યામાં 90 ટકા કરતા વધુ લોકોએ રસીનો પહેલો ડોઝ લઈ લીધો છે. ત્રીજી લહેરમાં બાળકોની સૌથી વધુ ચિંતા હતી તેવામાં 2થી 18 વર્ષના બાળકો માટે રસીની મંજૂરી આપી દેવાઈ છે. વહેલીતકે આ રસી પણ આવી જશે તો રાજકોટ મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્રની તૈયારી અંગે જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, નાયબ મ્યુનિસિપલ કમિશનર આશિષકુમાર સાથે ચર્ચા કરતા તેઓએ શાળા અને કોલેજમાં જ વેક્સિનેશન સેન્ટર ઊભા કરાશે તેવી યોજના જણાવી છે.
જ્યારે જિલ્લા કલેક્ટર કે જેઓએ જિલ્લા વિકાસ અધિકારી તરીકે અમદાવાદમાં બાળકોના સરવેની પહેલ કરી હતી અને બાદમાં રાજકોટમાં પણ આ સરવે કરાવ્યો હતો તે ડેટાના આધારે જે બાળકો કો-મોર્બિડ છે અથવા તો બીજા કોઇ જોખમ છે તેવા બાળકોને પ્રાથમિકતા અપાશે. તંત્રના જણાવ્યા અનુસાર શાળા અને કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ઘરેથી શાળા, શાળાથી ઘરે ઉપરાંત ટ્યૂશન ક્લાસ તેમજ મિત્રો સાથે રમવા સહિતની પ્રવૃત્તિ કરતા હોય છે તેથી તે વિદ્યાર્થીઓને રસી આપવી જરૂરી છે.
આ તમામને એક સાથે જ રસી અપાય તે માટે જે રીતે ચૂંટણી વખતે શાળાઓમાં પોલિંગ બૂથ ઊભા થાય છે તે રીતે રસીકરણ કેન્દ્રો ઊભા કરાશે. વાલીઓને અને શિક્ષકોને સાથે રાખીને મેગા કેમ્પ કરાશે તેથી શાળામાં એકસાથે વિદ્યાર્થીઓને રસી આપીને ઝડપથી રસીકરણ કરી દેવાશે કોલેજમાં પણ આ મુજબ જ વેક્સિનેશન કરાશે. આ ઉપરાંત આંગણવાડીઓ મારફત 2 વર્ષથી મોટા બાળકોને રસી આપવાની ડ્રાઈવ કરાશે આ માટે હાલ આંગણવાડી અને આશાવર્કરની ટીમ જે પહેલાથી જ ડોર ટુ ડોર સરવે કરી રહી છે તે ડેટા આધારે રસીકરણ કરાશે.
શાળાના શિક્ષકોને સાથે રાખીને થશે કામગીરી, તંત્ર પાસે ડેટા તૈયાર જ છે
જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુના જણાવ્યા મુજબ બાળકોમાં જે સરવે કરાયો હતો તે ડેટા વેક્સિનેશનમાં પ્રાયોરિટી નક્કી કરવા માટે મહત્ત્વનો સાબિત થશે. આ ઉપરાંત તંત્ર પાસે આરસીએચ ડેટા, શાળા આરોગ્ય ચકાસણી અને એએનસી મધર્સનો ડેટા છે આ કારણે કેટલા લાભાર્થી છે તેનો સચોટ આંક મેળવીને ત્યાં સુધી પહોંચી રસીકરણ થશે. શાળાઓમાં રસીકરણ કેન્દ્ર શરૂ કરવાની વાત કરાઈ છે આ કારણે વેક્સિનેશનને ઝડપ મળશે પણ જ્યારે સરકારમાંથી સ્પષ્ટ ગાઈડલાઈન આવે તે મુજબ આયોજન ઘડીને કામગીરી આરંભી દેવાશે.
ગાઈડલાઈનની રાહ: સૂચના આવે એટલે તુરંત જ રસીકરણ ચાલુ
અધિકારીઓના જણાવ્યા અનુસાર બાળકોમાં રસીકરણને લઈને હજુ સુધી કોઇ ગાઈડલાઈન આવી નથી પણ જ્યારે આવશે ત્યારથી તુરંત જ કામગીરી ચાલુ કરી દેવાશે. આ માટે પહેલાથી જ આખું માળખું તૈયાર જ છે ફક્ત તેમાં થોડા ફેરફાર કરીને ઝડપથી રસીકરણ થશે.
એક વર્ષથી નાના માટે ન્યુમોક્કલ વેક્સિનનો પણ થશે પ્રોગ્રામ
ભારતના યુનિવર્સલ ઈમ્યુનાઈઝેશન પ્રોગ્રામમાં 3 વર્ષ પહેલા બેક્ટેરિયા વિરોધી ન્યુમોક્કલ વેક્સિન સમાવી લેવાઈ હતી અને ફેઝ મુજબ રાજ્યોમાં વિતરણ કરાય છે. ચાલુ વર્ષે તેમાં ગુજરાતનો સમાવેશ થયો છે અને જે તે જિલ્લાઓને ન્યુમોક્કલ રસીનો પ્રથમ જથ્થો ફાળવી દેવાયો છે ટૂંક સમયમાં તે રસી પણ અપાશે જોકે તે 1 વર્ષથી નાના બાળકોને આપવાની છે તેનાથી મોટા બાળકો માટે હવે કોરોના વિરોધી રસી પણ આવી રહી છે તેથી બાળકોના વેક્સિનેશનનું મોટું આયોજન થવા જઈ રહ્યું છે આ માટે ફરીથી સ્ટાફની અછતનો પ્રશ્ન તંત્ર સામે આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.