રસીપ્રચૂર:16 કલાકમાં 45556ને રસી, દર સવા સેકન્ડે એક ડોઝ અપાયો, આંક વધારવા રાત્રે પંડાલમાં પડાવ

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મનપાએ નિર્ણય કર્યો હતો કે, શુક્રવારે એક દિવસમાં 50 હજાર લોકોનું વેક્સિનેશન કરવું. તેના ભાગરૂપે જ્યાં જનરલ બોર્ડ મળે છે તે હોલમાં કર્મચારી અને અધિકારીઓને પ્રથમ ડોઝ લેનાર લોકોના નામ અને મોબાઈલ નંબર સાથેનું લિસ્ટ આપી તમામને બીજો ડોઝ લેવા ફોન કર્યા હતા. - Divya Bhaskar
મનપાએ નિર્ણય કર્યો હતો કે, શુક્રવારે એક દિવસમાં 50 હજાર લોકોનું વેક્સિનેશન કરવું. તેના ભાગરૂપે જ્યાં જનરલ બોર્ડ મળે છે તે હોલમાં કર્મચારી અને અધિકારીઓને પ્રથમ ડોઝ લેનાર લોકોના નામ અને મોબાઈલ નંબર સાથેનું લિસ્ટ આપી તમામને બીજો ડોઝ લેવા ફોન કર્યા હતા.
  • મનપાનો સભાખંડ: આ જનરલ બોર્ડમાં બેઠેલા કોર્પોરેટરો નથી પરંતુ વધુ વેક્સિનેશન થાય તે માટે લોકોને ફોન કરી રહેલા મનપાના કર્મચારીઓ છે
  • દૈનિક 31 સાઈટ ચાલતી હતી પણ શુક્રવારે 129 કેન્દ્ર ઊભા કર્યા, 80થી વધુ મોબાઈલ વેક્સિનવાન દોડાવી : 6 રસીકરણ કેન્દ્રો પર 1000થી વધુ લોકો આવ્યા

રાજકોટ શહેરને 17મીના વેક્સિનેશન મેગા કેમ્પ માટે 49500 ડોઝનો ટાર્ગેટ અપાયો છે. આ માટે મનપાએ ગુરૂવાર રાત્રીથી જ કામગીરી ચાલુ કરી હતી અને રેસકોર્સ તેમજ બસ સ્ટેન્ડમાં રાતે 11 વાગ્યે આરોગ્ય કર્મચારીઓ ગોઠવી સ્થળ પર જ વેક્સિન અપાઈ હતી. જેને લઈને શુક્રવાર રાત્રીના 11 વાગ્યા સુધીમાં જ 45556ને રસી અપાઈ હતી. જે માટે મનપાએ ઘણી યુક્તિપ્રયુક્તિ પણ કરી હતી.

સૌથી વધુ વેક્સિનેશન વેસ્ટ ઝોનમાં થાય છે. નાનામવા આરોગ્ય કેન્દ્રમાં વધુ ભીડ રહે છે અને આજે ત્યાં રેકોર્ડબ્રેક 1800ને રસી અપાઈ હતી. વેસ્ટ ઝોન ઓફિસ કે જ્યા સેકન્ડ ડોઝ જ અપાય છે પણ 17મી માટે બંને ડોઝ ચાલુ કરાયા હતા. સ્થળ પર અવ્યવસ્થા ન થાય તે માટે બેસવા માટે ખુરશીઓની કતાર લાંબી કરાઈ હતી તેમજ સ્ટાફની સંખ્યા વધારી દેવાઈ હતી.

આરોગ્ય કર્મચારીઓને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે અહીં દૈનિક 300 ડોઝ અપાય છે પણ આજે સાંજ સુધીમાં જ 500 ડોઝ અપાઈ ચૂક્યા હતા. બધા કેન્દ્રો પર આવી વ્યવસ્થા ન હતી, એરપોર્ટ રોડ પરની સરકારી શાળામાં લોકોની લાંબી કતારો લાગી હતી અને ત્યાં કોઇ ખુરશીઓ ન હતી તેથી લોકો ઊભા રહ્યા હતા. આ સિવાય યુનિવર્સિટી રોડ પાસે આવેલી શિવશક્તિ સ્કૂલમાં પણ લોકોને બેસવાની જગ્યા મળી ન હતી અને ઉભા રહેવું પડ્યું હતું. આ દરમિયાન બપોરે સર્વર ડાઉન થતા રજિસ્ટ્રેશન થતું ન હતું તેથી તેમાં વધુ સમય બગડ્યો હતો સાંજે 5 વાગ્યા સુધી આવી સ્થિતિ રહેતા કામગીરી ધીમી પડી હતી.

બપોર સુધીમાં ટાર્ગેટના 50 ટકા ન પહોંચતા અધિકારીઓએ વાન પર ધ્યાન કેન્દ્રીત કર્યુ હતું અને જ્યાં જ્યા બાંધકામની સાઈટ ચાલે છે ત્યાં વાન મોકલીને મજૂરોને વેક્સિન અપાવવા બિલ્ડર તેમજ કોન્ટ્રાક્ટરને કહ્યું હતું. આ ઉપરાંત જે લોકોને રસીનો બીજો ડોઝ લેવાનો બાકી છે તેમને ફોન કરવાના ચાલુ કર્યા હતા જો કે તમામ સુધી આ ફોન પહોંચ્યા નથી.

તંત્રને આશા હતી કે જેને બીજો ડોઝ બાકી છે તેવા 1.5 લાખ લોકો આગળ આવતા સાંજ સુધીમાં ટાર્ગેટ પૂરો થઈ જશે પણ તેવું બન્યું નથી એટલે મોડીરાત સુધી રસીકરણ ચાલુ રાખવા નિર્ણય લેવાયો હતો. રાત્રે 9 વાગ્યા સુધીમાં 43900ને રસી અપાઈ હતી. ટાર્ગેટ સુધી પહોંચવા મનપાની ટીમ જુદા-જુદા ગણેશ પંડાલમાં પહોંચી હતી અને દર્શનાર્થીઓને વેક્સિન આપતા આંક 45556 સુધી પહોંચ્યો હતો.

સવારે 7 વાગ્યાથી સ્ટાફને કામે લગાડી દીધો, બસ સ્ટેન્ડ પર અગાઉથી નજર
શુક્રવાર રાત્રે 11 વાગ્યાથી 1 વાગ્યા સુધી રેસકોર્સમાં મોબાઈલ વેક્સિનવાન ગોઠવી દેવાઈ હતી અને બસ સ્ટેન્ડ પર રાત્રે 3 વાગ્યા સુધી સ્ટાફ તૈનાત હતો અને જે કોઇ પણ નીકળે તેમને રસી માટે કહેવાતું હતું. 17મીએ સવારે 7 વાગ્યાથી બધા આરોગ્ય કેન્દ્રો પર સ્ટાફને સ્ટેન્ડ ટુ રહેવા માટે આદેશ આપી દેવાયો હતો. અચાનક જ રસીકરણ કેન્દ્રોની સંખ્યા વધારી દેવાઈ હતી જેથી ઘણા સ્થળોએ લાઈન લાગશે તો શું કરવું તેની પણ તૈયારી ન કરાતા લોકોને ખુલ્લામાં ઊભા રહેવું પડ્યું હતું.

રસીકરણ અભિયાન દરરોજ કરો, એક જ દિવસ શું કામ : વિપક્ષ
મનપાએ વેક્સિનેશન વધારવા માટે એડીચોટીનું જોર લગાવતા વિપક્ષી નેતા ભાનુબેન સોરાણીએ કહ્યું હતું કે પ્રધાનમંત્રીના જન્મદિવસ નિમિત્તે વેક્સિનેશન અભિયાન યોજવામાં આવ્યો તેવી જ રીતે મનપા ગંભીરતા દાખવે તો એક જ માસમાં 100 ટકા રસીકરણ થઈ જાય. પહેલાથી જ જો અગાઉથી જ આ રીતે કામ કર્યું હોત તો આ તાયફાની જરૂર ન હતી.

અન્ય સમાચારો પણ છે...