તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

‘ઈ કરી’ને વજુભાઈ રાજકોટ આવશે:PM મોદી માટે રાજકોટની સીટ ખાલી કરનાર વજુભાઈનો રાજ્યપાલનો કાર્યકાળ પૂર્ણ, મિત્રને ફોનમાં કહ્યું- નાટકો જોઈશું, ડાયરા કરીશું

રાજકોટ20 દિવસ પહેલા
વજુભાઈ સાથે ગુણુભાઈ ડેલાવાળા.
  • 1985માં પહેલીવાર ધારાસભ્ય બન્યા અને 2012માં વિધાનસભા અધ્યક્ષ
  • 8 વાર વિધાનસભા ચૂંટણી જીત્યા, 18 વાર ગુજરાતનું બજેટ રજૂ કર્યું

આજે ભારત દેશમાં 8 રાજ્યોના રાજ્યપાલને બદલાવવામાં આવ્યા છે. જેમાં મૂળ રાજકોટના અને કર્ણાટકના રાજ્યપાલ તરીકે ફરજ બજાવી કાર્યકાળ પૂરો કરનાર વજુભાઇ વાળાનો પણ સમાવેશ થાય છે. વજુભાઇ વાળાએ કર્ણાટકના રાજ્યપાલ તરીકે પોતાનો કાર્યકાળ પૂર્ણ કર્યો છે. ત્યારે હવે વજુભાઇ વાળા ‘ઇ કરીને’ (તેમનો તકીયાકલામ) ફરી રાજકોટ આવશે. જેની તેમના મિત્રો હોંશભેર રાહ જોઇ રહ્યા છે. ગુણુભાઈ ડેલાવાળા વજુભાઈના ખાસ મિત્ર છે અને તેઓને ફોન કરીને વજુભાઈએ કહ્યું કે, હું રાજકોટ આવી રહ્યો છું અને ફરી નાટકો જોઇશું, ડાયરા કરીશું અને આનંદ માણીશું. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે તેઓએ 2001માં રાજકોટની બેઠક ખાલી કરી દીધી હતી.

1 સપ્ટેમ્બર 2014ના રોજ વજુભાઈએ રાજ્યપાલ તરીકે ચાર્જ સાંભળ્યો હતો
વર્ષોથી ભાજપની વિચારધારા સાથે જોડાયેલા અને ગુજરાતમાં સૌથી વધુ વિધાનસભામાં બજેટ રજૂ કરનાર મૂળ રાજકોટના વજુભાઇ વાળાએ કર્ણાટક રાજ્યના 18માં રાજ્યપાલ તરીકે 1 સપ્ટેમ્બર 2014ના રોજ વિધિવત ચાર્જ સાંભળ્યો હતો અને આજે તેમનો કાર્યકાળ પૂર્ણ થતાં 6 જુલાઇ 2021ના રોજ તેમની જગ્યાએ નવા રાજ્યપાલ થાવરચંદ ગેહલોતની નિમણૂક કરવામાં આવી છે. આ સમાચાર મળતાની સાથે જ રાજકોટના તેમના મિત્ર ગુણુભાઇ ડેલાવાળાએ તેમની સાથે તુરંત ટેલિફોનિક વાતચીત કરી હતી અને સાહેબ રાજકોટ આવો છો ને તેમ સીધો સવાલ કર્યો હતો.

વજુભાઈ વાળા મિત્રો સાથે સરગમ ક્લબમાં નાટકો સાથે જોતા હતા.
વજુભાઈ વાળા મિત્રો સાથે સરગમ ક્લબમાં નાટકો સાથે જોતા હતા.

7 વર્ષથી દૂર હોવાથી તેઓ સરગમ ક્લબમાં હાજરી આપી શકતા નહોતા
ગુણુભાઇ ડેલાવાળાએ જણાવ્યું હતું કે, સમાચાર મળતાની સાથે ફોન કરતા તેમને જણાવ્યું હતું કે, તેઓ રાજકોટ પરત આવી રહ્યા છે. જેમાં વાત કરતા સમયે વજુભાઇએ જણાવ્યું હતું કે, ફરી હેમુગઢવી હોલમાં નાટકો જોઈશું, ડાયરા કરશું અને આનંદ માણીશું. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, વજુભાઇ સરગમ ક્લબના ચેરમેન છે અને છેલ્લા 7 વર્ષથી રાજકોટથી દૂર હોવાથી તેઓ સરગમ ક્લબના કાર્યક્રમમાં હાજરી આપી શકતા ન હતા. પરંતુ હવે ફરી રાજકોટ આવે છે ત્યારે સરગમ ક્લબના તમામ લોકો ખુશ છે. વજુભાઇ વ્યક્તિત્વ એવું છે કે એને ક્યારે કોઇ ભૂલી શકતું નથી અને તેઓ એકદમ રમુજી સ્વભાવના માણસ છે.

વજુભાઈ મિત્રો સાથે જૂના દિવસોની જૂની યાદો વાગોળશે
વજુભાઇ વાળા વ્યક્તિગત જીવનમાં નાટક, ફિલ્મો, સંગીત અને ડાયરાનો આંનદ માણવાનો શોખ ધરાવે છે. ત્યારે ફરી રાજકોટ આવી તેઓ પોતાના મિત્રો સાથે જૂના દિવસોની જૂની યાદો વાગોળવા એકઠા થશે અને તેના માટે તેમના મિત્રો તેમની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે.

થોડા દિવસ પહેલા રાજકોટના મિત્રો કર્ણાટક વજુભાઈને મળવા ગયા હતા.
થોડા દિવસ પહેલા રાજકોટના મિત્રો કર્ણાટક વજુભાઈને મળવા ગયા હતા.

2001માં મોદી માટે રાજકોટની બેઠક ખાલી કરી આપી હતી
પાકટ અને મુત્સદ્દી રાજકારણી ઉપરાંત તેઓ તેમની રમૂજવૃત્તિ માટે પણ જાણિતા છે. તેમના માટે અનોખી વાત એ છે કે, નરેન્દ્ર મોદીને જ્યારે 2001માં રાજ્યના મુખ્યમંત્રી તરીકે પસંદ કરવામાં આવ્યા ત્યારે તેમને ધારાસભ્ય બનવા વજુભાઈ વાળાએ પોતાની રાજકોટની બેઠક ખાલી કરી આપી હતી. જેના પગલે તેઓ રાજ્યના મોદી મંત્રીમંડળમાં સતત ઉધ્ર્વગતિ પામતા રહ્યાં.

1985માં પહેલીવાર ધારાસભ્ય બન્યા
રાજકોટના મેયરપદ બાદ 1985માં તેઓ રાજકોટ(પશ્ચિમ) બેઠક ચૂંટણી જીતી વિધાનસભામાં પ્રવેશ કર્યો, ત્યારપછી આ બેઠક ભાજપનો ‘અજય ગઢ’ રહી છે. 2001માં નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી બન્યા ત્યારે તેઓ સૌથી સલામત વિધાનસભાની બેઠકની શોધમાં હતા. આ સમયે વજુભાઈએ તેમની રાજકોટ બેઠક ખાલી કરી આપી હતી અને આ બેઠક પરથી નરેન્દ્ર મોદી પહેલી વખત વિધાનસભામાં ચૂંટાયને આવ્યા હતા.

સગરમ ક્લબમાં ફરી જૂના મિત્રો સાથે વજુભાઈ જૂની યાદો વાગોળશે.
સગરમ ક્લબમાં ફરી જૂના મિત્રો સાથે વજુભાઈ જૂની યાદો વાગોળશે.

8 વાર વિધાનસભા ચૂંટણી જીત્યા, 18 વાર ગુજરાતનું બજેટ રજૂ કર્યું
1995થી 2012 સુધી તેઓ ભાજપની સરકારમાં નાણાંમંત્રી પદે રહ્યા હતા. તેમણે 18 વાર ગુજરાતનું બજેટ રજૂ કરી વિક્રમ સ્થાપિત કર્યો. જોકે 2012ની વિધાનસભા ચૂંટણીમાં વજુભાઈ ચૂંટાય તો આવ્યાં, પરંતુ એ સમયે મોદીએ તેમને મંત્રીમંડળમાં સમાવવાની જગ્યાએ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ બનાવવાનો નિર્ણય કર્યો. આમ 1985થી 2012 સુધી 8 વખત વિધાનસભામાં ચૂંટાય આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...