• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Utkarsh Group Continues To Be Investigated For Second Day In A Row, New Transactions Opened: Tax Evasion Figure Likely To Rise

આકરી કાર્યવાહી:ઉત્કર્ષ ગ્રૂપને ત્યાં સતત બીજા દિવસે તપાસ ચાલુ રહી, નવા વ્યવહારો ખુલ્યા : ટેક્સચોરીનો આંક હજુ વધવાની શક્યતા

રાજકોટ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કુલ રૂ. 32 કરોડની ટેક્સચોરી ખૂલી, શંકાસ્પદ સાહિત્ય- દસ્તાવેજ કબજે કરાયા

ભાવનગરમાં બોગસ બિલિંગ કૌભાંડના અનુસંધાને રાજકોટમાં ઉત્કર્ષ ગ્રૂપ પર એસજીએસટીની ટીમે દરોડા પાડ્યા હતા. જેમાં બે દિવસની તપાસમાં રૂ. 32 કરોડની ટેક્સચોરી પકડાઈ છે. ઉત્કર્ષ ગ્રૂપના માલિકની ઓફિસ અને રહેણાક બન્ને સ્થળે તપાસ કરવામાં આવી હતી. સોમવારે આ તપાસ ચાલુ રહી હતી. તપાસ દરમિયાન મોટા પ્રમાણમાં શંકાસ્પદ સાહિત્યો- દસ્તાવેજો મળી આવ્યા છે.

જે કબજે લેવામાં આવ્યા છે. સૂત્રોમાંથી મળતી વિગત મુજબ હજુ ટેક્સચોરીનો આંક વધવાની શક્યતા છે. સ્થળ પરની તપાસ દરમિયાન નવા નામો અને ટેક્સચોરીના નવા વ્યવહારો ખુલ્યા છે.જેમને ત્યાં આગામી દિવસોમાં તપાસ કરવામાં આવે તેવી સંભાવના છે.

આ અંગેની જાણવા મળતી વિગત મુજબ તાજેતરમાં સ્ટેટ જીએસટીના રાજ્યવ્યાપી દરોડા દરમિયાન અફઝલ સાદિલ અલી સજવાણી, મીનાબેન રંગસિંગ ઝાલા( રાઠોડ), મોહંમદ અબ્બાસ રફિકઅલી મેઘાણી, કીર્તિરાજ પંકજભાઈ સુતરિયા તથા અન્ય ઈસમોની બોગસ પેઢીઓ ઊભી કરી માલની ખરેખર રવાનગી વિના ફકત બિલો આપી વેરાશાખ પાસઓન કરવાના ગુના સબબ ધરપકડ કરવામાં આવેલ. આ ઉપરાંત શંકાસ્પદ જણાતી પેઢીઓના સ્થળે રૂબરૂ મુલાકાત લીધી હતી.

ઈસમોને ત્યાંથી જપ્ત કરવામાં આવેલ સાહિત્યની ચકાસણીમાં તેમજ રિમાન્ડ દરમિયાન મેળવવામાં આવેલ નિવેદનોના આધારે માલૂમ પડ્યું કે, માધવ કોપર લિમિટેડ ભાવનગર, ઉત્કર્ષ ઈસ્પાત એલ.એલ.પી. રાજકોટ બામણબોર, આર્યા મેટાકાસ્ટ પ્રા.લિ. તથા અન્ય પેઢીઓએ પણ ખોટી વેરાશાખ લીધી હોવાનું ધ્યાને આવ્યું હતું. જેના આધારે માધવ કોપર લિમિટેડ ભાવનગરમાં દરોડા પાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત શુક્રવારથી ઉત્કર્ષ ગ્રૂપની પેઢી તેમજ કંપનીના ડિરેક્ટર, સીએ હિમાંશુ ચંદ્રેશ ચોમલના રહેણાક સ્થળે તપાસ કરવામાં આવેલ હતી.

હાલ આ તપાસ ચાલુ છે. તેમજ અત્યાર સુધીની તપાસમાં મોટા પ્રમાણમાં બિનહિસાબી સાહિત્ય જપ્ત કરવામાં આવેલ છે. જેની ચકાસણી ચાલુ છે. તપાસ પૂરી થયા બાદ મોટા પ્રમાણમાં બેનામી વ્યવહારો મળી આવે તેવી સંભાવના છે. ઉત્કર્ષ ઈસ્પાત એલ.એલ.પી. દ્વારા અંદાજે રૂ. 30 કરોડની અને આર્યા મેટાકાસ્ટ પ્રા.લિ. દ્વારા રૂ. 2 કરોડ જેટલી રકમની ખોટી વેરાશાખ લીધી હોવાનું ધ્યાને આવ્યું છે. રાજકોટ ઉપરાંત અમદાવાદના યુનિટ અને રહેણાક સ્થળે તપાસ કરવામાં આવી હતી. જેમાં રહેણાક સ્થળની તપાસ પૂરી થઈ ગઇ છે અને ઓફિસમાં અને કંપનીમાં હજુ તપાસ ચાલુ છે.

અન્ય સમાચારો પણ છે...