રાજકોટ શહેર ભાજપ દ્વારા છેલ્લાં 15 વર્ષથી ગણેશોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. છેલ્લાં બે વર્ષથી કોરોનાની સ્થિતિને કારણે શહેરના તમામ આયોજકોએ સાદગીથી ગણપતિ પૂજન કર્યું હતું. આ વર્ષે રાજકોટ શહેર ભાજપ દ્વારા પરંપરાગત રીતે ભવ્ય આયોજન કરવાને બદલે શહેર ભાજપ કાર્યાલય ખાતે વાજતેગાજતે ગણેશ સ્થાપન કરવામાં આવ્યું છે. કોરોનાથી સાવચેતીનું બહાનું આગળ ધરવામાં આવ્યું છે, પરંતુ સત્તાનું કેન્દ્રસ્થાન બદલાયા બાદ વધેલા જૂથવાદને કારણે ભાજપે સાદાઈથી ગણેશોત્સવનું આયોજન કર્યાનો ગણગણાટ શરૂ થયો હતો. ગણેશ સ્થાપન વખતે રાજકોટ દક્ષિણના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલે જણાવ્યું હતું કે પાર્ટી જે નિર્ણય કરશે એ માન્ય છે, ટિકિટ આપશે તો ચૂંટણી લડીશ.
પાર્ટી જે નિર્ણય કરશે એ માન્ય
ભાજપ દ્વારા ઢોલ-નગારાંના તાલે ગણપતિ બાપાનું કાર્યાલય ખાતે સ્થાપન કરાયું છે, જેમાં બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ, શહેર ભાજપ-પ્રમુખ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ઢોલ-નગારાંના તાલે અને બાળકોની કારમાં ગણેશજીની મૂર્તિને ભાજપ કાર્યાલય ખાતે લાવવામાં આવી હતી. આ સમયે ગોવિંદ પટેલે નો રિપીટને લઈને નિવેદન આપતાં જણાવ્યું હતું કે ચૂંટણીમાં ટિકિટ આપવાનો નિર્ણય પાર્ટી કરશે, પાર્ટી જે નિર્ણય કરશે એ માન્ય છે. ટિકિટ આપશે તો ચૂંટણી લડીશું.
પાર્ટી જે જવાબદારી આપશે એ નિભાવીશ
રાજકોટ શહેર શહેર ભાજપ-પ્રમુખ કમલેશ મીરાણી વિધાનસભા 69 બેઠક પર ટિકિટના દાવેદાર છે. તેમણે જણાવ્યું હતું કે પાર્ટી જે જવાબદારી આપશે એ નિભાવીશ. પાર્ટીએ બે ટર્મથી પ્રમુખની જવાબદારી આપી છે. રાજકોટની ચારેય બેઠક પર ઉમેદવાર જાહેર થશે તેને જિતાડવાની જવાબદારી નિભાવીશ. 150 પ્લસ બેઠક ભાજપ ગુજરાતમાં મેળવે એ લક્ષ્યાંક સાથે ચૂંટણી લડીશું.
ભાજપ વિશાળ આયોજન કરશે એવો કાર્યકરોને અંદાજ હતો
શહેર ભાજપ દર વર્ષે ગણેશોત્સવનું ભવ્ય આયોજન કરતો હતો અને એમાં વિવિધ કમિટીની રચના કરી તમામ કાર્યકરોને એમાં સમાવેશ પણ કરવામાં આવતો હતો, ધાર્મિક કાર્યક્રમમાં સંગઠનનું પણ પરોક્ષ રીતે કામ થતું હતું અને એમાં શહેરના તમામ નેતાઓ હોશભેર ભાગ લેતા હતા. કોરોનાનાં બે વર્ષના પ્રતિબંધ બાદ આ વર્ષે રાજ્યભરમાં ગણેશોત્સવનાં ભવ્ય આયોજન થયાં છે, ચૂંટણીના ઢોલ પણ ઢબૂકવા લાગ્યા છે, ત્યારે આ વખતે શહેર ભાજપ વિશાળ આયોજન કરશે એવો કાર્યકરોને અંદાજ હતો, પરંતુ ચિત્ર કંઈક જુદું જ બહાર આવ્યું હતું.
કાર્યકર્તાઓમાં પણ નિરાશાનો માહોલ
સત્તાનું કેન્દ્ર સ્થાન બદલાયા બાદ શહેર ભાજપના સંગઠનની કાર્યપદ્ધતિમાં જડમૂળથી બદલાવ આવ્યો છે. અગાઉ જે રીતે વિવિધ કાર્યક્રમોનું આયોજન થતું એને બદલે હવે ઉપરથી જે કંઈ સૂચના આવે એનું પાલન કરી કાર્યક્રમ યોજાઈ ગયાનો સંતોષ માત્ર માનવામાં આવે છે. શહેર ભાજપના કાર્યકર્તાઓમાં પણ નિરાશાનો માહોલ જોવા મળી રહ્યો છે અને આ કારણે જ ચૂંટણીનો સમય નજીક હોવા છતાં વિશાળ આયોજન કરવાને બદલે કોરોનાનું બહાનું આગળ ધરી ગણેશોત્સવને સાદગીથી પૂર્ણ કરવાનો પ્લાન ઘડાયાની ચર્ચા ભાજપમાં જ શરૂ થઈ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.