હળવું હેત:ઉપલેટા, પાનેલી 3 અને ગોંડલ, જેતપુર, ધોરાજી 2 ઇંચ વર્ષાથી ભીંજાયા

ટીમ ભાસ્કર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ધોરાજીનું આરોગ્ય કેન્દ્ર પાણીમાં - Divya Bhaskar
ધોરાજીનું આરોગ્ય કેન્દ્ર પાણીમાં
  • મોરબી જિલ્લામાં પણ 24 કલાકમાં 32 મીમી સુધીનો વરસાદ થતાં ઠંડક પ્રસરી
  • કાચા​​​​​​​ સોના સમા વરસતા વરસાદથી ખેડૂતોમાં રાહત સાથે ખુશી

રાજ્યભરમાં ઠેર ઠેર પડી રહેલા વરસાદી કહેર વચ્ચે રાજકોટ અને મોરબી જિલ્લામાં મેઘરાજા ધીમી ધારે હળવું હેત વરસાવી રહ્યા છે. જિલ્લામાં બુધવારથી શરૂ થયેલી મેઘમહેર શુક્રવારે પણ ઝાપટા સ્વરૂપમાં યથાવત રહી હતી. રાજકોટ જિલ્લાના જામકંડોરણામાં ગુરુવારે આઠ ઇંચ પાણી પડી ગયા બાદ શુક્રવારે પણ દોઢ ઇંચ સુધીનો વરસાદ પડી જતાં ચોમેર પાણી પથરાઇ ગયા હતા.

જેતપુરમાં માર્ગો પર નદીઓ વહી
જેતપુરમાં માર્ગો પર નદીઓ વહી

ગોંડલ, જેતપુર, ધોરાજી અને ઉપલેટામાં પણ બે થી ત્રણ ઇંચ પાણી વરસી જતાં માહોલ ઠંડો બની ગયો છે અને નદી, નાળાં તેમજ ચેકડેમમાં વિશાળ જળજથ્થો સંગ્રહાયો છે. ધોરાજી જામકંડોરણા નજીકના ફોફળ ડેમને નુકસાન થતાં ધારાસભ્ય સહિતના આગેવાનો દોડી ગયા હતા અને સ્થળ નિરિક્ષણ કર્યું હતું તેમજ સંબંધિત તંત્રને રસ્તો પૂર્વવત કરવા તાકીદ કરી હતી.

ઉપલેટામાં બાળકોને પડી ગઇ મોજ
ઉપલેટામાં બાળકોને પડી ગઇ મોજ

જેતપુર નજીકના કાગવડ, વીરપુર, ખારચિયા, સરધારપુર સહિતના ગ્રામ્યપંથકમાં મેઘવર્ષા અવીરત રહી હતી અને કાચું સોનું વરસતાં ખેડૂતો હોંશે હોંશે ખેતીમાં જોતરાયા હતા તો બીજી તરફ નવાગઢ નગર પાલિકાની પ્રોમોન્સુન કામગીરીનીપોલ વરસાદે ખોલી નાખી હતી તેમજ મુખ્ય માર્કેટમાં પાણી ભરાઇ જતાં લોકોને હાલાકી પડી હતી.

ગોંડલનો ગ્રામ્ય પંથક તરબતર
ગોંડલનો ગ્રામ્ય પંથક તરબતર

બીજી તરફ મોરબી જિલ્લામાં 5 મીમીથી 32 મીમી સુધીનો વરસાદ પડી ગયો હતો. સાંજે 6થી સવારે 6 સુધી ટંકારામાં 04 મીમી, માળીયામાં 21, મોરબીમાં 28 મીમી વરસાદ પડ્યો હતો, તો વાંકાનેર અને હળવદમાં ઝાપટા રૂપે ક્રમશ: 02 અને 05 એમ વરસાદ થયો હતો, તો શુક્રવારે સવારે 6 થી સાંજે 6 સુધીમાં ટંકારામાં 17 મીમી, મોરબીમાં 15 મીમી વરસાદ થયો હતો.

મોટી પાનેલીમાં ધીંગી મેઘવર્ષા
મોટી પાનેલીમાં ધીંગી મેઘવર્ષા

માળિયા મિયાણામાં 5 મીમી વરસાદ થયો હતો. જો કે વાંકાનેર અને હળવદમાં માત્ર છૂટા-છવાયા ઝાપટાં વરસ્યા હતા. મોરબી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદની આંકડાકીય વિગત જોઈએ તો ટંકારામાં 21 મીમી, માળીયામાં 26 મીમી, મોરબીમાં 32, વાંકાનેર 02 અને હળવદ 05 મીમી. વરસાદ નોંધાયો હતો.

મોરબી જિલ્લાનાં 5 ડેમમાં નવાં નીરની આવક
મોરબી જિલ્લામાં છેલ્લા 4 દિવસથી મોરબી તેમજ આસપાસના જિલ્લામાં વરસાદ થવાના કારણે વરસાદ થવાના કારણે અલગ અલગ જળાશયમાં નવા નીર આવ્યા છે. મોરબી તાલુકાના મચ્છુ 3 ડેમમાં .066 ફૂટની જ્યારે ઘોડાધ્રોઇ ડેમમાં 6.23 ફૂટ પાણીની આવક થઈ છે. આ ઉપરાંત ડેમી 1માં 0.43 ફૂટ,ડેમી 2માં 0.49 ફૂટ અને બંગાવડીમાં 0.66 ફૂટની આવક થઈ છે. જયારે હળવદની બ્રાહ્મણી 2 ડેમમાં 0.49 ફૂટ ની આવક થઈ હતી.

મેવાસાના કોઝ વે ઉપર બેશુમાર પાણી ફરી વળ્યા
જેતપુરમાં વ્યાપક વરસાદના કારણે હરીપર,મેવાસા, ઉમરાળી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં સાંજ સુધીમાં 3:30 ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો હતો. ધોધમાર વરસાદના કારણે નદીના પાણી ગામ સુધી પહોંચ્યા હતાં. જેથી મેવાસા, ઉમરાળી ગામમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું હતું. ઉપરાંત મેવાસા ગામના કોઝવે પર પાણી ફરી વળતા ગ્રામજનો સંપર્ક વિહોણા થયા હતા તેમજ વાહન વ્યવહાર ખોરવાયો હતો.

ધોરાજીના આરોગ્ય કેન્દ્રમાં પાણી ભરાયાં
​​​​​​​ધોરાજીમાં સતત બે દિવસથી નોંધપાત્ર વરસાદ પડવાને લીધે શહેર અને ગ્રામ્ય પંથક તરબતર બની ગયા છે અને શુક્રવારે તો શહેરના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના પરિસરમાં પાણી ભરાઇ જતાં તે તલાવડું બની ગયું હતું અને દર્દીઓને ઇમારત સુધી પહોંચવામાં ભારે હાલાકી સહેવી પડી હતી. જો કે વરસાદ ધીમો પડી જતાં ધીમે ધીમે પાણી અોસર્યા હતા અને દર્દીઓને સારવાર મળવા પામી હતી.

અન્ય સમાચારો પણ છે...