સરકારના ભરોસે ન રહ્યા:ઉપલેટાની ગૌશાળાની અનેકવાર રજૂઆત છતાં લમ્પી વાયરસની વેક્સિન ન મળી, અંતે સ્વખર્ચે ખરીદી 800 ગાયને આપી

રાજકોટ19 દિવસ પહેલા
ઉપલેટામાં ગૌશાળામાં સ્વખર્ચે ખરીદી ગાયોને વેક્સિન અપાઇ.

હાલ પશુઓમાં ફેલાય રહેલા લમ્પી વાયરસને લઈને રાજકોટની ઉપલેટા વડચોક ગૌશાળા તત્કાલ એક્શનમાં આવી છે. જેમાં તંત્ર પાસેથી વેક્સિનની વ્યવસ્થા ન હોવાનું માલુમ પડતા પોતે પોતાના સ્વખર્ચે વેક્સિનની વ્યવસ્થા કરીને વેક્સિન આપવાની કામગીરી શરૂ કરી સતર્કતા દાખવી છે. ગૌશાળાની 800 ગાયને આ વેક્સિન આપી પણ દીધી છે. ઉપલેટામાં હાલ લમ્પી વાયરસના 52 કેસ સામે આવતા તંત્ર અને પશુઓની સંસ્થાઓ સતર્ક બની છે. લમ્પી વાયરસને કારણે પશુપાલકોમાં ખૂબ જ ચિંતાનો માહોલ છે. જેમાં ખાસ કરીને ગાય અને ગૌવંશમાં આ રોગનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે.

10 લોકોએ રૂપિયા એકત્ર કરી વેક્સિન ખરીદી
ઉપલેટામાં વડચોક ગૌ શાળા દ્વારા લમ્પી વાયરસનો વધુ ફેલાવો ન થાય તે માટે સરકાર સમક્ષ પશુ ચિકિત્સામાંથી પશુઓ માટે રસીની માગણી કરી હતી. પરંતુ તંત્ર દ્વારા કોઈ વ્યવસ્થા ન હોવાનું માલુમ પડતા ખુદ વડચોક ગૌ સેવા સમાજ દ્વારા સ્વખર્ચે હજારો રૂપિયા ખર્ચીને 800 જેટલી ગાયમાં રસી અપાવી છે. જ્યારે હજુ પણ 400 જેટલી ગાયને રસી આપવામાં આવશે તેવું જણાવ્યું છે. ઉપલેટામાં લમ્પી વાયરસનો વધુ ફેલાવો ન થાય માટે 10 વ્યક્તિઓ દ્વારા વડચોક ગૌ શાળા તેમજ ઉપલેટા નગરપાલિકા સંચાલિત એનિમલ હોસ્ટેલમાં પશુઓને વેક્સિન આપવાની કામગીરી હાથ ધરી છે. ત્યારે આવી ગંભીર બીમારી બાબતે સરકાર પૂરતી વ્યવસ્થા હોવાના દાવા કરે છે. પરંતુ ઉપલેટામાં વેક્સિનની અછત હોવાનું પણ સામે આવ્યું છે.

ગૌશાળાની 800 ગાયને વેક્સિન આપી દેવામાં આવી.
ગૌશાળાની 800 ગાયને વેક્સિન આપી દેવામાં આવી.

ઉપલેટામાં 52 પશુમાં લમ્પી વાયરસ
આ અંગે ઉપલેટા પશુ વિભાગના તબીબ ડો.અર્જુન કસુંદરાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, રાજકોટના ઉપલેટામાં હાલ 52 કેસ સામે આવ્યા છે. ત્યારે ઉપલેટાના પશુ વિભાગ દ્વારા જે જગ્યાઓ પર સંક્રમણ ફેલાયું છે તે જગ્યાઓ પર સરકાર દ્વારા આપવામાં આવી રહેલી વેક્સિન આપવાની કામગીરી શરૂ કરી છે. સરકાર દ્વારા ફાળવાયેલ વેક્સિનમાંથી અત્યારસુધીમાં 400 જેટલા પશુઓને વેક્સિન આપી દેવામાં આવી છે. જેની સાથે સાથે ઉપલેટામાં શહેરમાં વડચોક ગૌ સેવા સમાજ દ્વારા વેક્સિન બાબતે માગણી કરવામાં આવી હતી. પરંતુ તંત્ર પાસે પૂરતો જથ્થો ઉપલબ્ધ ન હોવાથી પશુપાલકોએ સ્વખર્ચે વેક્સિન લઇને તબીબોને આપતા તબીબો દ્વારા વેક્સિન આપવામાં આવી છે અને હજુ પણ સ્વખર્ચે વેક્સિન લઇ આપશે તો સરકારી ટીમ સ્થળ પર જઇ વેક્સિન આપી દેશે.

10 લોકોએ રૂપિયા એકત્ર કરી વેક્સિનનો જથ્થો ખરીદ્યો.
10 લોકોએ રૂપિયા એકત્ર કરી વેક્સિનનો જથ્થો ખરીદ્યો.

લમ્પી વાયરસનું સંક્રમણ વધે એ પહેલા વેક્સિન આપવાની માગ
ઉપલેટા નગરપાલિકા સંચાલિત એનિમલ હોસ્ટેલના પ્રમુખ પીયુશભાઇ માંકડીયાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ઉપલેટામાં હાલ 50 કરતા વધારે કેસ સામે આવ્યા છે ત્યારે સરકારી તંત્ર પાસે સતર્કતાના ભાગરૂપે વેક્સિન અંગેની માગણી કરી હતી. પરંતુ અપૂરતો જથ્થો હોવાનું સામે આવતા સ્વખર્ચે વેક્સિન આપવાની કામગીરી શરૂ કરી છે અને સરકારમાં પણ વિનંતી કરી છે કે તાત્કાલિક અસરથી પૂરતો જથ્થો ફાળવી અને ઉપલેટામાં વધુ લમ્પી વાયરસ કહેર મચાવે તે પહેલા જથ્થો ફાળવે તેવી માગ કરી છે.

રાજકોટ જિલ્લામાં 1 લાખ પશુમાં રસીકરણ થયું
રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં હાલ લમ્પી વાયરસનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટ શહેર તેમજ જિલ્લામાં અત્યારસુધીમાં 1970 જેટલા પશુઓ સંક્રમિત થયા હોવાનું સામે આવ્યું છે. સાથે જ રાજકોટ જિલ્લાના 280 ગામમાં વાયરસનો પગ પેસરો થયો હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ અત્યારસુધીમાં એક લાખથી પણ વધુ પશુઓનું રસીકરણ કર્યું હોવાનું પણ સામે આવ્યું છે. જિલ્લા પંચાયતના પશુ વિભાગ દ્વારા અત્યાર સુધીમાં વાયરસના કારણે મૃત્યુ પામેલા પશુઓની સંખ્યા 24 જાહેર કરવામાં આવી છે.