રાજકોટના લોધીકાના હરિપર ગામે વાડીમાં રહી મજૂરી કરતાં ગોધરાના શ્રમિક પરિવારની એક મહિનાની બાળકી વાડીમાં માતા સાથે ખુલ્લામાં સુતી હતી. ત્યારે એક શ્વાન તેને માથાના ભાગેથી ઉઠાવીને ભાગતાં પરિવારજનો જાગી જતાં બાળકીને બચાવી લીધી હતી. માથામાં બાળકીને શ્વાનના દાંત બેસી જતા ગંભીર ઇજા પહોંચી હતી. આથી બાળકીને રાજકોટ સારવાર માટે ખસેડાતાં સિવિલના કે.ટી. ચિલ્ડ્રન વિભાગમાં દાખલ કરવામાં આવી છે.
બાળકીને લોહીલૂહાણ હાલતમાં રાજકોટ ખસેડાઇ
મૂળ ગોધરાના વતની અને હાલ હરિપર ગામે ખેતમજૂરી કરી રહેલા નરપત બારૈયા પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. નરપત બારૈયા પરિવાર સાથે વાડીએ જ રહે છે. નરપતને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે. જેમાં એક માસની દૂકરી પુનમ રાતે માતા સાથે વાડીની ઓરડી બહાર સુતી હતી. ત્યારે શ્વાને માથાના ભાગેથી મોઢામાં દબાવી દોટ મુકતાં બાળકીની ચીંસ સાંભળી માતા-પિતા સહિતના જાગી જતાં બાળકીને બચાવી લેવામાં આવી હતી. બાળકીને માથામાં દાંત બેસી ગયા હોય લોહીલૂહાણ હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. સિવિલના કે.ટી. ચિલ્ડ્રન વિભાગમાં દાખલ કરવામાં આવતાં હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂએ લોધીકા પોલીસને જાણ કરી હતી.
બે વર્ષ પહેલા રાજકોટમાં 5 વર્ષના બાળકને ત્રણ શ્વાન ઢસડી ગયા હતા
બે વર્ષ પહેલા રાજકોટના પ્રતિલોક પાર્ટી પ્લોટમાં એક વિચિત્ર ઘટના બની હતી. માતા પાર્ટીપ્લોટમાં દાંડિયારાસના ક્લાસ ચાલી રહ્યા હતા ત્યારે અચાનક ત્રણ શ્વાન આવી ચડ્યા હતા અને પાંચ વર્ષના બાળકને ઢસડી જઈ બચકા ભરવા લાગ્યા હતા. જોકે બે યુવકનું ધ્યાન પડતા તેઓ દોડી ગયા હતા અને શ્વાનોના મોઢામાંથી બાળકને છોડાવ્યું હતું. બાદમાં ઈજાગ્રસ્ત બાળકને હોસ્પિટલ ખસેડાયું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.