માવઠાને કારણે પાકને નુકસાની થઇ હોવાની જસદણ પંથકમાંથી વધુ પ્રમાણમાં ફરિયાદો મળી રહી છે. જેને લઈને જસદણ પંથકમાં સરવેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જોકે રાજકોટ જિલ્લામાં 95 ટકા પાકની લણણી થઇ ચૂકી હોય નુકસાનીનો આંક ઓછો હોવાનું ખેતીવાડી શાખામાંથી જાણવા મળી રહ્યું છે.
સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં સતત બે દિવસથી માવઠું થયું છે. ગાજવીજ સાથે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં કરા પણ પડ્યા હતા ત્યારે ખેતરમાં ઊભા પાકને નુકસાન થયું હોવાનું ખેડૂતો કહી રહ્યા છે. ત્યારે ગઈકાલે પડેલા વરસાદને કારણે ખેતરમાં રહેલા ઘઉંના ઊભા પાકને નુકસાની થઇ હોવાની ખેડૂતો ફરિયાદ કરી રહ્યા છે.
આ અંગે જિલ્લા ખેતીવાડી અધિકારી અશોક સોજીત્રાએ જણાવ્યું હતું કે, કમોસમી વરસાદને કારણે નુકસાનીનો અંદાજ ખૂબ ઓછો છે કારણ કે, રાજકોટ જિલ્લાની ખેતીલાયક જમીનમાં 95 ટકા પાકની લણણી થઇ ચૂકી છે. કેટલાક તાલુકામાં ઊભા પાકને નુકસાન થયું હોવાનું જાણવા મળે છે. જેમાં અત્યાર સુધીમાં જસદણ તાલુકામાં નુકસાની અંગેની સૌથી વધારે ફરિયાદો આવી છે.
હાલ જિલ્લામાં માત્ર 5 ટકા જેટલો પાક ખેતરમાં ઊભો હોવાની શક્યતા છે જેને નુકસાન થયું હોવાનું ખેતીવાડી અધિકારીએ જણાવ્યું હતું. માવઠાને કારણે નુકસાની અંગેની પડધરી, લોધિકા, ગોંડલ તાલુકામાંથી કેટલીક ફરિયાદો આવી છે, પરંતુ મોટા પ્રમાણમાં હજુ ફરિયાદો આવી નથી. માવઠાને કારણે પાકના ઉત્પાદનમાં કોઈ તફાવત નહીં પરંતુ ગુણવત્તામાં ચોક્કસ અસર દેખાશે.
ત્રંબામાં વીજળી પડતાં ખેડૂતનું મોત
રાજકોટના ત્રંબામાં ત્રિવેણી નદી નજીક વાડી ધરાવતાં અને વાડીના મકાનમાં જ રહેતા કમલેશભાઇ ભીખાભાઇ ટીંબડિયા (ઉ.વ.44) સોમવારે સાંજે છ વાગ્યે ઘરે હતા ત્યારે અચાનક જ ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો, વાડીમાં ઘઉં વાઢી લેવાયા હતા,
વધેલા પારાને વરસાદથી બચાવવા તાલપત્રી લઇને કમલેશભાઇ દોડ્યા હતા અને પારાને તાલપત્રી ઢાંકી રહ્યા હતા તે વખતે જ તેમના પર વીજળી પડી હતી. વીજળી પડતાં જ કમલેશભાઇ બેભાન થઇને ઢળી પડ્યા હતા. નજર સામે જ કમલેશભાઇ વીજળી પડવાથી બેભાન થઇ જતાં ટીંબડિયા પરિવાર સ્તબ્ધ થઇ ગયો હતો અને કમલેશભાઇને બેભાન હાલતમાં રાજકોટ હોસ્પિટલમાં ખસેડ્યા હતા પરંતુ તેમનું મૃત્યુ થયું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.