મર્ડર:રાજકોટના વાજડી ગામે રાત્રે ખાટલામાં સૂતા બિહારી યુવાનના માથામાં અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરી

રાજકોટએક વર્ષ પહેલા
રાજકોટ પોલીસ ઘટનાસ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી અને ઇન્સેટમાં મૃતક મોહમ્મદની ફાઈલ તસવીર - Divya Bhaskar
રાજકોટ પોલીસ ઘટનાસ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી અને ઇન્સેટમાં મૃતક મોહમ્મદની ફાઈલ તસવીર
  • પંચર સાંધવાની કેબીન ધરાવતા બિહારી યુવાનની હત્યા કોણે કરી તે અંગે રહસ્ય
  • કેબીનના છાપરામાં રાતે ખાટલો ઢાળીને સુતો હતો, સવારે મૃતદેહ પડ્યો હતો
  • માથામાં ત્રણ જેટલા તીક્ષ્ણ હથિયારના ઘા જોવા મળ્યા, પોલીસે તપાસ હાથ ધરી

રાજકોટના કાલાવડ રોડ પર વિરડા વાજડી ગામમાં રહેતાં મૂળ બિહારના યુવાન મોહમ્મદ જશીમ શાહ (ઉં.વ.27)નો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. મોહમ્મદ પંચર સાંધવાનું કામ કરતો હતો. ગત રાત્રે તે કેબિન નજીક ઢાળિયામાં ખાટલો નાંખી સૂતો હતો ત્યારે અજાણ્યા શખ્સોએ તેના માથામાં તીક્ષ્ણ હથિયારના ઘા મારી પતાવી દીધો હતો. માથામાં ઇજાઓ સાથે તેની ઓરડી નજીક આવેલી પંચર સાંધવાની કેબીન પાસેથી જ તેનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતા જ યુનિવર્સિટી પોલીસ દોડી ગઈ હતી અને મોહમ્મદના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો.

FSLની ટીમ પણ ઘટનાસ્થળે દોડી ગઈ હતી
મળતી માહિતી મુજબ વાજડીમાં રહેતો અને ઓરડી નજીક જ પંચર સાંધવાની કેબીન ધરાવતા મોહમ્મદનો મૃતદેહ તેના ઘર નજીક આવેલી પંચરની કેબીન પાસે લોહીલૂહાણ હાલતમાં પડ્યો હતો. આથી 108ના EMT અરવિંદભાઇ અને પાઇલોટ રહિમભાઇએ યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી. આ ઉપરાંત DCP મનોહરસિંહ જાડેજા, ACP પી. કે. દિયોરા સહિતના અધિકારીઓ પણ પહોંચ્યા હતાં. FSLના અધિકારીને પણ સ્થળ પર બોલાવાયા હતાં.

મૃતકને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી
મૃત્યુ પામનાર મોહમ્મદના માથામાં ગંભીર ઇજા હતી. કોઇ બોથડ પદાર્થના ઘા ફટકારાયા હોય તેવી ઇજા હતી. જો કે મૃતકને કોઇ સાથે માથાકૂટ થઈ ન હોવાનું તેના પરિવારજનોએ કહ્યું હતું. મૃત્યુ પામનાર ચાર ભાઇ અને બે બહેનમાં ત્રીજો હતો. આઠેક વર્ષથી બિહારથી અહીં સ્થાયી થયો હતો. તેના માતા-પિતા બિહાર રહે છે. તેની પત્નીનું નામ રોઝીનાખાતુન છે અને સંતાનમાં એક પુત્રી ગુડીયા (ઉં.વ.4) તથા પુત્ર ભોલુ (ઉં.વ.8) છે. રાતે આ યુવાન પોતાની પંચર સાંધવાની કેબીન નજીક જ ખાટલો ઢાળીને સૂતો હતો. સવારે મોહમ્મદની દિકરી પંચરની કેબીન પાસે આવી ત્યારે તેણે પિતાને લોહીલુહાણ જોતાં દેકારો મચાવી મુકયો હતો. જેના કારણે બીજા લોકોને જાણ થઇ હતી.

12 દિવસ પહેલા રાજકોટમાં સ્ટોન કિલરની હત્યા થઈ હતી
રાજકોટના મવડી પ્લોટના નવરંગપરામાં 12 દિવસ પહેલા હત્યાનો બનાવ બન્યો હતો. 2009ના વર્ષમાં પથ્થરના ઘા મારી 3 ભિક્ષુકોને પથ્થરથી મોતને ઘાટ ઉતારી દેનાર સ્ટોન કિલર મહેશ ઉર્ફે હરેશનો પથ્થરના ઘા મારી માથુ છૂંદાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસને દુબઈ નામના શખ્સનો કંટ્રોલ રૂમમાં ફોન આવ્યો હતો અને તેણે ફોનમાં કહ્યું હતું કે દુકાનની અગાસી પર લાશ પડી છે, શોધી લેજો. બાદમાં પોલીસે સ્ટોન કિલરની હત્યા કરનાર ત્રણ શખ્સોની ધરપકડ કરી હતી. જેમાં સ્ટોન કિલરના ધર્મના માનેલા પુત્ર અજીતે જ તેની હત્યા કર્યાનું ખુલ્યું હતું. ત્રણેય આરોપી હાલ જેલ હવાલે છે.