શુભસ્ય વિલંબમ્:યુનિવર્સિટીમાં ટીચિંગની ભરતી 3 વર્ષથી ટલ્લે, સેનેટની ચૂંટણી, નોન ટીચિંગ અને રજિસ્ટ્રારની નિમણૂકમાં વિલંબ

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • રાજકારણમાં જ રચ્યાપચ્યા રહેતા સત્તાધીશો શૈક્ષણિક અને વહીવટી હિતમાં નક્કર કાર્યવાહી કરવામાં નિષ્ફળ

શુભ કાર્યોમાં વિલંબ ન કરવો તે હંમેશા ઝડપથી પૂર્ણ કરી દેવા તેવું કહેવામાં આવે છે, પરંતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કેટલાક કાર્યો જે વિદ્યાર્થીઓ, શૈક્ષણિક અને વહીવટી હિતમાં શુભ છે પરંતુ યુનિવર્સિટીના સત્તાધીશોની ઢીલી નીતિને કારણે તેમાં અતિ વિલંબ થઇ રહ્યો છે.

યુનિવર્સિટીમાં મે માસમાં મુદત પૂર્ણ થઇ ગઈ હોવા છતાં અત્યાર સુધી સેનેટની ચૂંટણી ન થઇ, ટીચિંગની ભરતીમાં 2019માં બહાર પાડેલી જાહેરાતના આધારે ભરતી કરવાની હતી તે પણ થઇ નથી, નોન ટીચિંગમાં પણ જાહેરાત બહાર પાડી પરીક્ષાની તારીખ જાહેર થઇ પરંતુ હજુ સુધી પ્રક્રિયા નથી થઇ. એવી જ રીતે યુનિવર્સિટીના રજિસ્ટ્રારના ઈન્ટરવ્યૂ લેવાયા અને નામ પણ ફાઈનલ થઇ ગયા બાદ હજુ સુધી નવા રજિસ્ટ્રાર મુકાયા નથી.

સેનેટ ચૂંટણી; મે-22માં સેનેટની મુદત પૂરી છતાં જાહેરનામું પ્રસિદ્ધ ન કર્યું
​​​​​​​મે-22માં પૂર્ણ થતી સેનેટના 49 દિવસ પહેલા ચૂંટણી જાહેરનામું પ્રસિદ્ધ કરવાનું હોય છે, અને તેના અગાઉ સેનેટની ચૂંટણીની મતદાર યાદી પ્રસિદ્ધ કરવાની હોય છે, પરંતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશોએ ઈરાદાપૂર્વક સેનેટની ચૂંટણી ન થવા દીધી, મતદાર યાદી પ્રસિદ્ધ ન કરી, હજુ સુધી મતદાર યાદીમાં સુધારણા ચાલી રહ્યા છે. યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિએ સેનેટની ચૂંટણીમાં વિલંબ કરીને 6 જેટલા સિન્ડિકેટ સભ્યોએ પોતાનું પદ ગુમાવ્યું. હાલ કાયદાકીય પ્રક્રિયા માટે મતદાર યાદી થઇ રહી છે.

ટીચિંગ ભરતી; કાયમી પ્રોફેસરોની 2019માં જાહેરાત, ભરતી 3 વર્ષથી ટલ્લે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કાયમી પ્રોફેસરોની ભરતી છેલ્લા ત્રણ વર્ષથી ટલ્લે ચડી છે. ત્રણ વર્ષ પહેલા વર્ષ 2019માં યુનિવર્સિટીમાં કાયમી પ્રોફેસરોની 52થી વધુ જગ્યા માટે અરજીઓ મગાવવામાં આવી હતી પરંતુ યુનિવર્સિટીના સત્તાધીશોએ ત્રણ વર્ષ સુધી આ બાબતે કોઈ કાર્યવાહી ન કરી. વર્ષ 2022 સુધી યુનિવર્સિટીનું મહેકમ વિભાગ માત્ર પ્રોફેસરોની ભરતી માટેની આવેલી અરજીઓ ચકાસતું રહ્યું, સ્ક્રૂટિની કરી પરંતુ આજદિન સુધી ઈન્ટરવ્યૂ પ્રક્રિયા હજુ સુધી કરી શક્યું નથી.

નોન ટીચિંગ ભરતી; 54 જગ્યા માટે ફોર્મ મગાવ્યા, પરીક્ષા નક્કી કરી પણ લીધી નહીં
17 જૂન-2022ના રોજ નોન ટીચિંગની 22 પોસ્ટની 54 જગ્યા માટે જાહેરાત પ્રસિદ્ધ કરી. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 7 જુલાઈ-22 હતી. લેખિત પરીક્ષા તારીખ 27 ઓગસ્ટ-22થી ત્રણ દિવસ લેવાની હતી. જેમાં 15 હજારથી વધુ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. યુનિવર્સિટીએ પરીક્ષા લેવાનો કોન્ટ્રાક્ટ પણ લાગતા વળગતાની એજન્સીને બારોબાર આપી દેવાતા વિવાદ થયો હતો ત્યારબાદ આજદિન સુધી નોન ટીચિંગની ન પરીક્ષા લેવાઈ કે ન ભરતી થઇ. નવી તારીખ હજુ જાહેર કરાઇ નથી.

રજિસ્ટ્રારની નિમણૂક; કાયમી રજિસ્ટ્રારના ઓર્ડરનું મુહૂર્ત હજુ પણ નથી મળતું
20 જૂન-2022ના રોજ રજિસ્ટ્રારની ભરતીના ઇન્ટરવ્યૂ થયા જેમાં માત્ર બે જ ઉમેદવાર હાજર હતા. ઈન્ટરવ્યૂ પેનલમાં રાજ્યપાલના પ્રતિનિધિ સહિતના એક્સપર્ટ ઉપસ્થિત હતા. બન્ને ઉમેદવારોના 45-45 મિનિટ સુધી ઈન્ટરવ્યૂ કર્યા હતા. જેમાં પ્રેઝન્ટેશન બતાવાયા હતા. નિષ્ણાતોએ રાજકોટ મહાનગરપાલિકાના સેક્રેટરી ડૉ.એચ.પી રૂપારેલિયાનું નામ ફાઈનલ કર્યું હતું. સરકારની મંજૂરી માટે મોકલ્યું પરંતુ ત્યાંથી આજે છ મહિનાનો સમય વીતી જવા છતાં નિમણૂક થઇ નથી.

અન્ય સમાચારો પણ છે...