સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ચાર યુવા સંશોધકોએ કોટન કપડાં, લાકડાં અને સિમેન્ટ બ્લોકને પાણી અને ફૂગથી બચાવવા માટે નેનો ટેક્નોલોજી વિકસાવી છે. આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કરતા ‘મેકર ફેસ્ટ-2022’માં ભૌતિકશાસ્ત્ર ભવનના ચાર સંશોધકની પસંદગી થઇ છે. નેનો કોટિંગ ટેક્નોલોજી મેડિકલ અને ઉદ્યોગ ક્ષેત્રમાં ક્રાંતિ લાવશે. ભૌતિકશાસ્ત્ર ભવનની ફંક્શન લેબોરેટરીમાં કોટિંગ વિકસાવાયું અને સ્ટાર્ટઅપ મારફત ભાવિ પ્રોડક્ટ પણ વિકસાવાશે. વડોદરા ખાતે આગામી તારીખ 26 અને 27 ફેબ્રુઆરીના રોજ બે દિવસ માટે મેકર ફેસ્ટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સંશોધકો લાઈવ ડેમો આપશે. યુનિવર્સિટીના કુલપતિ ડૉ. ગિરીશ ભીમાણીએ આ સંશોધન પ્રત્યક્ષ નિહાળી ટીમને શુભેચ્છા પાઠવી હતી.
નયા ભારત (મેક ઈન ઈન્ડિયા)ના ભારત સરકારના સ્વદેશી ટેક્નોલોજી અને લોકલ પ્રોડક્ટ ‘આત્મનિર્ભર ભારત’ના અનુસંધાને દેશનાં યુવા વૈજ્ઞાનિકો અને ટેક્નો બ્રેઈન મારફત વિકસાવાયેલ “નવી પ્રોડક્ટ’ને સ્ટાર્ટઅપ તરીકે પ્રોજેક્ટ કરી શકાય તે માટે તા.26 અને 27 ફેબ્રુઆરીના રોજ વડોદરા ઈજનેરી અને ટેક્નોલોજી વિદ્યાશાખામાં “મેકર ફેસ્ટ- 2022’નું આયોજન કરાયું છે. જેમાં ભૌતિકશાસ્ત્ર વિષયના યુવા સંશોધકો ડો. દેવિત ધ્રુવ (ટીમ લીડર), પાયલ જોશી (એમ.એસ.સી. સ્ટુડન્ટ), વૈશાલી ચાંદેગરા (પીએચ.ડી. સ્ટુડન્ટ) અને નિસર્ગ રાવલ (પીએચ.ડી. સ્ટુડન્ટ)ની પસંદગી થઇ છે. પાણી અને જીવાણુથી કપડાં, લાકડાં અને સિમેન્ટના પથ્થરને બચાવતું સ્વદેશી ઓર્ગેનિક “સુપર હાઈડ્રોફોલિક અને એન્ટિ માઈક્રોબિસીલ’ કોટિંગ કેમિકલ મેકર ફેસ્ટ–2022 માટે પસંદ થયું છે.
આ કોટિંગ કરવાથી કાપડ ભીનું થતું નથી. ઉપરાંત સિલ્વર નેનો પાર્ટિકલ્સનો ઉપયોગ થયેલ હોવાથી આ કાપડ એન્ટિમાઈક્રોબિયલ ગુણધર્મ ધરાવે છે એટલે કે કાપડ ઉપર પાણી કે અન્ય કોઈ ડાઘ નહીં લાગે તથા બેક્ટેરિયા, વાઈરસ, ફૂગ કે અન્ય જીવાણુઓનો નાશ થઈ જશે. હોસ્પિટલમાં ઓછાળ, પિલો કવર, પેશન્ટ ગાઉન, ડોક્ટરના એપ્રોન વગેરે વસ્તુઓ ઉપર લોહી કે અન્ય પદાર્થો દ્વારા જીવાણુઓ ફેલાવવાનો ભય હોય છે. જ્યારે આ કેમિકલના કોટિંગ તે વસ્તુઓ ઉપર કરવાથી જીવાણુઓ નષ્ટ થઈ જાય છે અને રોગો ફેલાવવાથી બચી શકાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.