‘હર ઘર તિરંગા’ અભિયાન:યુનિવર્સિટી 600થી વધુ તિરંગા ખરીદશે, સ્ટાફ પાસેથી પૈસા લેવા અસમંજસ

રાજકોટ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વક્તૃત્વ, નિબંધ, તિરંગો બનાવવા, નાટક સહિતની સ્પર્ધાઓ યોજાશે

સ્વતંત્રતા દિવસ પર દેશભરમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પણ આગામી દિવસોમાં તમામ ભવનો અને યુનિવર્સિટી સ્ટાફ ક્વાર્ટરમાં રાષ્ટ્રધ્વજ લહેરાવવા યુનિવર્સિટી 600થી વધુ રાષ્ટ્રધ્વજ રાજકોટ મહાનગરપાલિકા પાસેથી ખરીદશે, પરંતુ રાષ્ટ્રધ્વજની રકમ જે યુનિવર્સિટી કોર્પોરેશનને ચૂકવશે તે સ્ટાફ પાસેથી વસૂલવી કે યુનિવર્સિટીએ પોતે જ ચૂકવવી તે અંગે હજુ પણ અસમંજસ પ્રવર્તી રહી છે.

આ ઉપરાંત યુનિવર્સિટી અને કોલેજોમાં હર ઘર તિરંગા અભિયાન હેઠળ વક્તૃત્વ, નિબંધ, તિરંગો બનાવવા, નાટક સહિતની જુદી જુદી સ્પર્ધાઓ પણ યોજવા ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા જણાવાયું છે.યુનિવર્સિટીના પરિપત્રમાં જણાવાયું છે કે, આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત તા.13થી 15 ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા કાર્યક્રમની રાષ્ટ્રવ્યાપી ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ અંતર્ગત રાજ્યના તમામ ઘર, દુકાનો, ઉદ્યોગ અને વેપારી ગૃહો, સરકારી અને ખાનગી કચેરીઓ તમામ જગ્યાએ રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવે અને તે થકી લોકોમાં રાષ્ટ્રધ્વજ અને દેશ માટે ગર્વની ભાવના જાગે તેવો કાર્યક્રમનો હેતુ છે.

યુનિવર્સિટીઓ, કોલેજો અને શાળાઓમાં ‘હર ઘર તિરંગા’ કાર્યક્રમ અંગેનો સંકલ્પપત્રનું વાંચન કરવામાં આવે, સંકલ્પ લેવામાં આવે અને તમામ શાળાઓ, કોલેજો, યુનિવર્સિટીઓ, ઘરો પર રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવશે. યુનિવર્સિટી અને કોલેજોમાં તિરંગાના મહત્ત્વ પર વક્તૃત્વ સ્પર્ધા, નિબંધ લેખન સ્પર્ધા, તિરંગો બનાવવાની સ્પર્ધા, તિરંગાને લગતા ગીતો ગાવાની સ્પર્ધા, ભારતના રાષ્ટ્રધ્વજની વિકાસ યાત્રા- પ્રદર્શન, શેરી નાટક, નુક્કડ નાટક, એકપાત્રિય અભિનયના કાર્યક્રમો, રાષ્ટ્રધ્વજને સંબંધિત સંવાદ પ્રવૃત્તિ યોજવા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...