ગુજરાત યુનિવર્સિટીમાં તાજેતરમાં જ સિન્ડિકેટની મિટિંગમાં નવા શૈક્ષણિક સત્રથી ગ્રેજ્યુએશન કોર્સ ચાર વર્ષ અને પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સ એક વર્ષનો કરવા નિર્ણય કરાયો છે. આ ઉપરાંત રાજ્યની મોટાભાગની સ્ટેટ યુનિવર્સિટીઓમાં વર્ષ 2023-24થી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અમલના ભાગરૂપે આ જ સિસ્ટમ લાગુ કરવામાં આવનાર છે, પરંતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આ મુદ્દે હજુ સુધી કોઈ મિટિંગ પણ મળી નથી કે કોઈ નિર્ણય પણ લેવાયો નથી.
બીજી બાજુ છેલ્લા કેટલાક સમયથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સેનેટની ચૂંટણી, પેપરકાંડ, ટીચિંગ-નોન ટીચિંગની ભરતી, બોગસ કોલેજ સહિતના જુદા જુદા મુદ્દે રાજકારણ જ ચાલી રહ્યું હોય તેવી સ્થિતિ નિર્માણ પામી છે. સત્તામંડળના સભ્યો અને અધિકારીઓ પણ રાજનીતિમાં વ્યસ્ત હોવાને લીધે વિદ્યાર્થી હિત ભુલાયું હોય તેમ શિક્ષણ સંબંધિત ચર્ચાઓને બદલે આંતરિક ખેંચતાણ મુદ્દે વધુ ચર્ચા કરવામાં આવી રહી છે.
હજુ સુધી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત ગ્રેજ્યુએશન કોર્સ ચાર વર્ષ અને પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સ એક વર્ષ કરવા મુદ્દે કોઈપણ નિર્ણય લીધો નથી. યુનિવર્સિટીમાં મળેલી અગાઉની સિન્ડિકેટની બેઠકમાં આ મુદ્દે ચર્ચા થઇ હતી પરંતુ કોઈ નક્કર નિર્ણય લઇ શકાયો ન હતો. હવે સંભવત આગામી સિન્ડિકેટની બેઠકમાં આ બાબતે ચર્ચા થઇ શકે છે.
વિદ્યાર્થીઓને આ ફાયદો થશે : સ્નાતકમાં ઓનર્સની ડિગ્રી : વિદેશમાં માસ્ટર ડિગ્રીમાં સરળતાથી પ્રવેશ મળશે
અત્યારે વિદ્યાર્થીઓમાં વિદેશ જવાનો ટ્રેન્ડ વધારે છે ત્યારે ગ્રેજ્યુએશનના અભ્યાસમાં ઓનર્સની ડિગ્રી હશે તો વિદેશ જવામાં સરળતા રહેશે. ખાસ કરીને યુરોપિયન દેશોમાં આ 4 વર્ષના અભ્યાસ બાદ ઓનર્સની ડિગ્રી આપવામાં આવે છે. જેથી વિદ્યાર્થી ગુજરાતની યુનિવર્સિટીઓની ઓનર્સની ડિગ્રી લઈને વિદેશ જશે તો તેને માસ્ટર ડિગ્રીમાં સરળતાથી પ્રવેશ મળી શકશે. અત્યારસુધી ગુજરાતની યુનિવર્સિટીમાં વિવિધ સ્નાતકકક્ષાના કોર્સ 3 વર્ષના હતા અને આ કારણે જ વિદેશ ઉચ્ચ અભ્યાસ કરવા માટે જનારા વિદ્યાર્થીઓને માન્યતામાં તકલીફ પડતી હતી.
1 વર્ષે સર્ટિફિકેટ, 2 વર્ષે ડિપ્લોમા, 3 વર્ષે સ્નાતક, 4 વર્ષે ઓનર્સ ડિગ્રી મળશે : વિદ્યાર્થી વચ્ચેથી બ્રેક લઇ શકશે
રાષ્ટ્રીય શિક્ષણ નીતિની સિસ્ટમ પ્રમાણે વિદ્યાર્થી ચાલુ વર્ષે અભ્યાસમાંથી બ્રેક લઈ શકે છે. 4 વર્ષના અભ્યાસમાં 1 વર્ષ પૂરું થતા વિદ્યાર્થીને તે કોર્સનું સર્ટિફિકેટ આપવામાં આવશે. જ્યારે 2 વર્ષ પૂરા થતા તે કોર્સની ડિપ્લોમાની ડિગ્રી આપવામાં આવશે. 3 વર્ષ પૂરા થતા સ્નાતકની ડિગ્રી આપવામાં આવશે અને 4 વર્ષ પૂરા થશે ત્યારે ઓનર્સની ડિગ્રી આપવામાં આવશે. આમ 4 વર્ષમાં ગ્રેજ્યુએશન પૂરું થશે અને આ 4 વર્ષની ડિગ્રી મળી હશે તે વિદ્યાર્થીને 1 વર્ષની માસ્ટ ડિગ્રી પણ અભ્યાસ કરવાથી મળી શકશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.