શહેરમાં અકસ્માતના બનાવો ઘટ્યાના પોકળ દાવા વચ્ચે બુધવારે રાત્રે અકસ્માતના બનાવમાં ત્રણ યુવાનને ઇજા થઇ હતી. જેમાં ગંભીર રીતે ઘવાયેલા એક યુવાનનું મોત નીપજ્યું છે. અકસ્માતના બનાવમાં ઘવાયેલા મૂળ મધ્યપ્રદેશના અને હાલ વીરડા વાજડીમાં ભાડાના મકાનમાં હમવતનીઓ સાથે રહેતા સુનિલ રામફલ બૈગાએ અજાણ્યા ટ્રકચાલક સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, તે અને સાથે રૂમમાં રહેતા બ્રિજમોહન ભોદુ બૈગા, રફિકશા છોટનશા મેટોડામાં આવેલી બાલાજી વેફર્સમાં નોકરી કરતા હોય ગત રાતે આઠ વાગ્યે નોકરી હોવાથી ત્રણેય પગપાળા ઘરેથી નોકરીએ જવા નીકળ્યા હતા.
ગામના પેટ્રોલ પંપ પાસે પહોંચતા સામેથી પૂરઝડપે ટ્રક ધસી આવતા પોતે અને રફિકશા કૂદકો મારી રોડની સાઇડમાં પડ્યા હતા. જ્યારે બ્રિજમોહનને ટ્રકચાલક ઠોકરે ચડાવી નાસી ગયો હતો. અકસ્માતમાં પોતાને અને રફિકશાને સામાન્ય ઇજા જ્યારે બ્રિજમોહનને ગંભીર ઇજા થઇ હોય તુરંત અન્ય સહકર્મચારીઓને ફોન કરી બનાવની જાણ કરી હતી.
જેથી તેઓ ત્યાં આવી ત્રણેયને સારવાર માટે હોસ્પિટલ લઇ ગયા હતા. જ્યાં બ્રિજમોહનનું ગંભીર ઇજાને કારણે મોત નીપજ્યાનું જાહેર કર્યું હતું. 35 વર્ષના બ્રિજમોહનનાં મોતથી ત્રણ સંતાને પિતાની છત્રછાયા ગુમાવી છે. તાલુકા પોલીસમથકના પીએસઆઇ વી.પી.આહીરે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ટ્રક પાછળ કાર ઘૂસી જતા 5 શ્રમિક ઘવાયા
શહેરની ભાગોળે સાત હનુમાન મંદિર પાસે આજે વહેલી સવારે શ્રમિક ભરેલી ઇકો કાર આગળ જઇ રહેલી ટ્રક પાછળ ધડાકાભેર ઘૂસી ગઇ હતી. જેમાં રાજસ્થાનના રૂપનારાયણ મુનિલાલ રાજપૂત, વસંત રામેશ્વર, પ્રદીપ લોહનસિંગ, સિરજુ અને રિન્કુ રામનાથસિંગને ઇજા થતા સારવાર માટે રાજકોટ બાદ વધુ સારવાર માટે પાંચેયને અમદાવાદ હોસ્પિટલ ખસેડાયા છે. અકસ્માતમાં કાર ટ્રક પાછળ ઘૂસી ગયા બાદ અંદરથી ઇજાગ્રસ્તોને બહાર કાઢવા ફાયર બ્રિગેડની મદદ લેવી પડી હતી. ઇજાગ્રસ્તો અમદાવાદથી કારમાં બેસી જામનગર મજૂરીકામ માટે જતા હોવાનું કુવાડવા રોડ પોલીસે જણાવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.