તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કરુણાંતિકા:ડેમમાં નહાવા પડેલી ફઇની પુત્રીને બચાવવા પડેલી મામાની પુત્રી પણ ડૂબી, બંનેનાં મોત

રાજકોટ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • ખાંભા ગીરથી આવેલી તરુણી ડેમમાં નહાવા પડી અને ઘટના ઘટી
  • બે બહેનોને ડૂબતા જોઇ સગર્ભા મોટી બહેને પણ ડેમમાં કુદાવ્યું, લોકોએ બચાવી લીધી

શહેરની ભાગોળે માંડાડુંગર પાસે રહેતા પરિવારની પુત્રીઓ આજી ડેમે કપડાં ધોવા ગયા બાદ ખાંભા ગીરથી આવેલી ફઇની દીકરી ડેમમાં નહાવા પડતાં ડૂબવા લાગી હતી. ફઇની પુત્રીને બચાવવા જતાં મામાની પુત્રી પણ ડૂબી હતી, ડૂબી જવાથી બંને સગીરાનાં મોત નીપજ્યા હતા, જ્યારે તેને બચાવવાનો પ્રયાસ કરનાર સગર્ભાને આસપાસના લોકોએ બચાવી લીધી હતી.

માંડાડુંગર પાસેની ઝૂંપડપટ્ટીમાં રહેતા ભીમાભાઇ સાપરિયાને ત્યાં ખાંભા ગીરમાં રહેતા તેમના બહેનની પુત્રી રાજલ સોમાભાઇ ધાનૈયા (ઉ.વ.13) અઠવાડિયાથી રોકાવા આવી હતી. રાજલ અને ભીમાભાઇની બે પુત્રી સુમી (ઉ.વ.16) તથા પરિણીત પુત્રી સોનલ અમરાભાઇ (ઉ.વ.22) બુધવારે બપોરે 3.30 વાગ્યે આજી ડેમે કપડાં ધોવા ગયા હતા. કપડાં ધોયા બાદ રાજલ ધાનૈયા ડેમમાં નહાવા પડી હતી, નહાતા નહાતા રાજલ ડૂબવા લાગી હતી. રાજલને ડૂબતા જોઇ તેના મામાની પુત્રી સુમીએ પણ ડેમમાં ઝંપલાવ્યું હતું, જોકે થોડીવારમાં તે પણ ડૂબવા લાગી હતી.

ડેમના કાંઠે રહેલી સગર્ભા સોનલ અમરાભાઇ ગઢવી બે બહેનોને નજર સામે ડૂબતી જોઇ અસ્વસ્થ બની હતી અને તેણે પણ બંને બહેનોને બચાવવા માટે ડેમમાં કુદાવ્યું હતું, એક સાથે ત્રણ ત્રણ બહેનો ડૂબવા લાગી હતી અને બચાવો બચાવોની બૂમ પાડતાં આસપાસમાંથી લોકો દોડી ગયા હતા. તરવૈયાઓએ સગર્ભા સોનલને બચાવી લીધી હતી, પરંતુ રાજલ અને સુમીના ડૂબી જવાથી મોત નીપજ્યા હતા. બંનેના મૃતદેહ જ તરવૈયાઓને હાથ આવ્યા હતા.

એક સાથે બબ્બે સગીરા ડૂબી ગયાની ઘટનાની જાણ થતાં આજી ડેમ પોલીસ દોડી ગઇ હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, માંડાડુંગર પાસે રહેતા ભીમાભાઇ સાપરિયાને સંતાનમાં ત્રણ પુત્રી અને ત્રણ પુત્ર છે. સોનલના લગ્ન ખાંભા ગીરના અમરા ગઢવી સાથે થયા હતા અને તે સગર્ભા હોય પ્રસૂતિ માટે પિયર આવી હતી. સગર્ભા સોનલે બે બહેનોના જીવ બચાવવા માટે પળનો વિલંબ કર્યો નહોતો અને સગર્ભા હોવા છતાં હિમ્મતભેર ડેમમાં પડતું મુક્યું હતું, બે બહેનોને બચાવવામાં તેને સફળતા મળી નહોતી. બનાવ અંગે પોલીસે કાર્યવાહી કરી છે.

અન્ય સમાચારો પણ છે...