અકસ્માત:કાલાવડ રોડ પર ડિવાઇડર સાથે બાઇક અથડાતાં મામાનું મોત, ભાણેજને ઇજા

રાજકોટ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મેટોડાથી ચશ્મા લઇ બંને પરત જામનગર જતા હતા

રાજકોટ શહેરની ભાગોળે અકસ્માતના બે બનાવમાં બેનાં મોત નીપજ્યાં છે. પ્રથમ બનાવ કાલાવડ રોડ પર રવિવારે બન્યો હતો. જામનગર રણજિતનગરમાં રહેતા અને ખાણીપીણીનો વેપાર કરતા સૂરજ ભાગીરામ ચૌધરી નામનો યુવાન અને તેના મામા રાજગુરુ સોનગુરુ ચૌધરી બંને બાઇક પર મેટોડામાં ચશ્માંની દુકાન ધરાવતા કાકા સૂરજભાઇને ત્યાં ગયા હતા. બપોરે ચશ્માં લઇ મામા-ભાણેજ પરત જામનગર જવા નીકળ્યા હતા. બાઇક રાજગુરુ ચલાવતા હતા.

દરમિયાન કાલાવડ રોડ પર પહોંચતા અચાનક બાઇક પરથી રાજગુરુએ કાબૂ ગુમાવતા રોડ ડિવાઇડર સાથે ધડાકાભેર અથડાયું હતું. જેમાં બંને બાઇક પરથી ફંગોળાઇ રોડ પર પટકાયા હતા. જેમાં મામા રાજગુરુ રોડ પર પટકાયા બાદ ડિવાઇડર સાથે માથું અથડાતાં તેમનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જ્યારે સૂરજને ઇજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. બનાવની જાણ થતા તાલુકા પોલીસ હોસ્પિટલ દોડી ગઇ હતી અને ઇજાગ્રસ્ત સૂરજની ફરિયાદ પરથી ગુનો નોંધી કાર્યવાહી કરી છે. અકસ્માતનો અન્ય એક બનાવ શાપર-વેરાવળમાં બન્યો હતો. જેમાં શાપરના શીતળા માતાના મંદિર પાસે રહેતા રમેશભાઇ નાનજીભાઇ ચાવડા નામના આધેડનું અજાણી કારની ઠોકરે મોત નીપજ્યું છે.

ઓઇલમિલમાં નોકરી કરતા રમેશભાઇ ગત રાતે નોકરી પૂરી કરી પગપાળા તેમના ઘરે જઇ રહ્યાં હતા. ત્યારે રોડ ક્રોસ કરવા જતા પૂરઝડપે ધસી આવેલી કાર ઠોકર મારી નાસી ગઇ હતી. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા રમેશભાઇને સારવાર માટે રાજકોટ સિવલ હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં ટૂ઼ંકી સારવારમાં તેમનું મોત નીપજ્યું હતું. રમેશભાઇનાં મોતથી બે સંતાને પિતાની છત્રછાયા ગુમાવી છે. શાપર પોલીસે જરૂરી કાર્યવાહી કરી છે.

અન્ય સમાચારો પણ છે...