રાજકોટની બે દીકરીનો દિલ્હીમાં ડંકો:દિલ્હીમાં નેશનલ લેવલની ‘ખેલો ઇન્ડિયા’ કોમ્પિટિશનમાં અમ્પાયરિંગ કરશે, આખા ગુજરાતમાંથી બન્નેની જ પસંદગી

રાજકોટ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
ખેલો ઇન્ડિયામાં અમ્પાયર તરીકે પસંદગી પામેલી મુસ્કાન કુરેશી (ડાબી બાજુ) અને રૂતુ ધીંગાણી (જમણી બાજુ) - Divya Bhaskar
ખેલો ઇન્ડિયામાં અમ્પાયર તરીકે પસંદગી પામેલી મુસ્કાન કુરેશી (ડાબી બાજુ) અને રૂતુ ધીંગાણી (જમણી બાજુ)

દરેક ખેલાડીનું રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ રમતોમાં દેશનું પ્રતિનિધિત્વ કરવાની અને અમ્પાયરિંગ તેમજ કોચ બનવાનું અંતિમ લક્ષ્ય હોય છે. ત્યારે રાજકોટની બે યુવા મહિલા હોકી ખેલાડી નેશનલ લેવલે રમી ચૂકી છે અને હવે સમગ્ર ગુજરાતમાંથી ‘ખેલો ઇન્ડિયા’ કોમ્પિટિશનમાં અમ્પાયરિંગ માટે પસંદગી પામી છે. આથી બન્ને દીકરીએ રાજકોટ અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.

બન્ને દીકરી પાંચ વર્ષથી હોકીની પ્રેક્ટિસ કરે છે
રાજકોટના મહાનગરપાલિકા સંચાલિત મેજર ધ્યાનચંદ હોકી ગ્રાઉન્ડ ખાતે છેલ્લા પાંચેક વર્ષથી પ્રેક્ટિસ કરતી મુસ્કાન કુરેશી અને રૂતુ ધીંગાણી સામાન્ય પરિવારમાંથી આવે છે. તેઓએ સ્વપ્નેય વિચાર્યું નહોતું કે ભવિષ્યમાં તેઓ ગુજરાતવતી નેશનલ ગેમ્સમાં ભાગ લેશે. એ સ્વપ્ન પૂર્ણ થવાની સાથોસાથ કોચ મહેશ દિવેચાના માર્ગદર્શન હેઠળ તેઓ અમ્પાયરિંગ માટે પણ પ્રેક્ટિસ કરતી હતી. હોકી ફેડરેશન દ્વારા અમ્પાયરિંગ માટે લેવાતી પરીક્ષામાં બન્ને પાસ થતા ‘ખેલો ઇન્ડિયા 2022’માં દિલ્હી ખાતે અમ્પાયરિંગ માટે પસંદગી કરવામાં આવી છે.

રાજ્ય સરકારનો આભાર માન્યો
હાલ રાજકોટ ખાતે આગામી નેશનલ ગેમ્સને અનુલક્ષીને કેમ્પના પ્રારંભ પૂર્વે પ્રેક્ટિસ દરમિયાન મુસ્કાન આંતરરાષ્ટીય કક્ષાએ દેશનું નામ આગળ વધારવાની મહેચ્છા ધરાવે છે. તેના હોકી પ્લેયર બનવાના સ્વપ્નને પૂર્ણ કરવામાં રાજ્ય સરકાર દ્વારા ખેલ મહાકુંભ સહિતની પ્રવૃત્તિને બિરદાવી પ્રધાનમંત્રીનો આભાર માન્યો હતો. અન્ય પસંદગી પામેલી ખેલાડી રૂતુ ધીંગાણી પણ રાજકોટ હોકી ગ્રાઉન્ડ ખાતે પ્રેક્ટિસ કરી આગળ જતા ગુજરાતનું પ્રતિનિધિત્વ કરેલ છે. રાજ્ય સરકારનો આભાર માનતા તેણે જણાવ્યું છે કે, ગુજરાતમાં ક્રિકેટ ઉપરાંત અન્ય રમતો માટે યુવા પ્રતિભાઓ બહાર આવી રહી છે. ખાસ કરીને મહિલા ખેલાડીઓને આગળ વધવા માટે પરિવારમાંથી પ્રોત્સાહન મળી રહ્યું છે. દિલ્હી ખાતે અમ્પાયરિંગ તરીકે પસંદગી પામતા અન્ય મહિલા ખેલાડી માટે રોલ મોડેલ બન્યાનો આત્મસંતોષ તેણે વ્યક્ત કર્યો હતો.

25 વર્ષથી કોચિંગ આપુ છું: કોચ
આ તકે રાજકોટ હોકી ગ્રાઉન્ડ ખાતે કોચિંગ આપતા મહેશભાઈ દિવેચા જણાવ્યું છે કે, હું છેલ્લા 25 વર્ષથી હોકીના ખેલાડીઓને કોચિંગ આપું છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં રાજ્ય સરકારના પ્રયાસોથી રમતગમત ક્ષેત્રે યુવા-વિદ્યાર્થીઓનું આકર્ષણ વધ્યું છે. રાજકોટ ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાનું હોકીનું ટર્ફ ગ્રાઉન્ડ મહાનગરપાલિકા દ્વારા તૈયાર કરતા અનેક રમતોનું આયોજન શક્ય બન્યું છે. સાથે ખેલાડીઓને વિશ્વ કક્ષાના ગ્રાઉન્ડ ખાતે પ્રેક્ટિસ કરવાનો અવસર પ્રાપ્ત થયો છે.

પ્રિ-નેશનલ કેમ્પમાં 30 મહિલા હોકી ખેલાડીઓનું આગમન
10થી 13 સપ્ટેમ્બર સુધી પ્રિ-નેશનલ હોકી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટ, અમદાવાદ, બરોડા, સુરત સહિતના જિલ્લામાંથી હોકી મહિલા ખેલાડીઓ આવી પહોંચ્યા છે. આજ રોજ હોકી ગ્રાઉન્ડ ખાતે તેઓએ પ્રેક્ટિસ કરી હતી. આ કેમ્પ બાદ ગુજરાત હોકી ટીમ માટે 18 ખેલાડીની પસંદગી કરવામાં આવશે, જેઓ નેશનલ ગેમ્સમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે તેમ કોચ મહેશ દિવેચાએ જણાવ્યું છે.

વડોદરાથી આવેલી ખેલાડીએ શું કહ્યું
વડોદરાથી આવેલી પ્રાચી પટેલ જણાવ્યું હતું કે, રાજકોટ એસોસિએશન દ્વારા અહીં રહેવા-જમવાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ એક્સપર્ટ કોચ દ્વારા ટ્રેનિંગ આપવામાં આવશે. જેનો અમે તમામ ખેલાડી લાભ લઈ ગુજરાતનું નામ રોશન કરીશું. વડોદરા એસ.એ.જી. ખાતે પ્રેક્ટિસ કરતી પ્રાચી ફિઝિયોથેરાપીનો અભ્યાસ કરે છે. ભવિષ્યમાં હોકી ટીમમાં કારકિર્દી સાથોસાથ હોકી ફિઝિયોથેરાપીસ્ટ તરીકે પણ તે કામગીરી કરવા માગે છે.

અન્ય સમાચારો પણ છે...