શાહી લગ્નોત્સવ:પુત્રના લગ્ન માટે રાજકોટના ઉદ્યોગપતિ પરિવાર સાથે રાજસ્થાનની ઉમેદભવન પેલેસ હોટલમાં, ભાવિ દંપતીનું મિલન થયું

રાજકોટ2 મહિનો પહેલા
  • ત્રિ-દિવસીય લગ્નોત્સવનો આજથી પ્રારંભ, પ્રથમ દિવસે મહેંદી અને રાસ-ગરબાનું આયોજન

રાજકોટ-સૌરાષ્ટ્ર સહિત દેશ-વિદેશમાં જાણીતા એવા ઉદ્યોગપતિ મૌલેશ ઉકાણી અને સોનલબેન ઉકાણીના પુત્ર જયના જાજરમાન લગ્ન મોરબીની જાણીતી એવી આજવીટો ટાઈલ્સના માલિક અરવિંદભાઈ પટેલ અને શીતલબેન પટેલની પુત્રી હિમાંશી સાથે આજથી ત્રણ દિવસ સુધી રાજસ્થાનના જોધપુર મુકામે ઉમેદભવન પેલેસ ખાતે યોજાઇ રહ્યા છે. ગઈકાલે ઉકાણી પરિવાર અને આમંત્રિત મહેમાનો રાજસ્થાનના ઉમેદભવન પેલેસ હોટલ પહોંચ્યા હતા. અહીં તેમનું રાજસ્થાનના ભાતીગળ નૃત્યથી વાજતે ગાજતે સ્વાગત કરવામાં આવ્યું હતું. સાથે મહેમાનોને પેલેસ ખાતે ફૂલડે વધાવી આવકાર આપવામાં આવ્યો હતો.

ગઇકાલે રાજકોટથી ચાર્ટર પ્લેનથી પરિવાર ઉમેદભવન પેલેસ પહોંચ્યો હતો
ગઈકાલે સવારે રાજકોટ એરપોર્ટ પરથી ચાર્ટર પ્લેન મારફત જય પરિવાર અને આમંત્રિત મહેમાનો રાજસ્થાન જવા રવાના થયા હતા. અહીં પહોંચતા ઉમેદભવન પેલેસ ખાતે તમામનું સ્વાગત કરવામાં આવ્યું હતું. રાજસ્થાનના જોધપુર ખાતે યોજાય રહેલા ત્રિ-દિવસીય લગ્નોત્સવની પૂર્વ સંધ્યાએ વર-કન્યા અને તમામ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સમયે હોટેલના પ્રવેશ દ્વાર પર ફૂલડે વધાવી બાદમાં હોટેલના પટાંગણમાં એક મહિલા રાજસ્થાનનો ભાતીગળ ડાન્સ રજૂ કરી સૌ કોઈનું ધ્યા પોતાના તરફ કેન્દ્રિત કર્યું હતું.

રાજકોટના ઉદ્યોગપતિ મૌલેશ પટેલ પરિવાર સાથે હોટલમાં પ્રવેશ્યા ત્યારે ફૂલડાનો વરસાદ થયો.
રાજકોટના ઉદ્યોગપતિ મૌલેશ પટેલ પરિવાર સાથે હોટલમાં પ્રવેશ્યા ત્યારે ફૂલડાનો વરસાદ થયો.

આજે મહેંદી અને રાસ-ગરબાનું આયોજન
લગ્નોત્સવ શરૂ થાય તે પૂર્વે જ જય ઉકાણી અને હિમાંશી પટેલ એકબીજાને મળ્યા હતા. જય ઉકાણીએ રાજકોટ એરપોર્ટના વેઇટિંગ લોંજમાં હિમાંશી પટેલને ફ્લાવર બુકે આપી સ્વાગત કર્યું હતું. જાજરમાન લગ્નોત્સવમાં આજે પ્રથમ દિવસે સાંજે મહેંદી અને સંગીત સેરેમની યોજાનાર છે. આજે 3.15થી 6.15 વાગ્યા સુધી ઉમેદભવન પેલેસના લાન્સર લોન્સ ખાતે મહેંદી રસમ યોજાનાર છે. બાદમાં સાંજના 6.15 વાગ્યે ફ્રન્ટ લોન્સ ખાતે દ્વારિકાધીશની આરતી અને બાદમાં રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતની જાણીતી ગાયિકા ઐશ્વર્યા મજમુદાર પોતાના સૂર રેલાવશે.

હોટલમાં મહેમાનોનું રજવાડી સ્વાગત કરવામાં આવ્યું.
હોટલમાં મહેમાનોનું રજવાડી સ્વાગત કરવામાં આવ્યું.

આજે મહેમાનો સાથે બે પ્લેને રાજકોટથી ઉડાન ભરી
ઉલ્લેખનીય છે કે રાજકોટના ઉદ્યોગપતિ મૌલેશભાઇ ગઇકાલે પરિવાર સાથે ચાર્ટર પ્લેનમાં જોધપુર જવા રવાના થયા હતા. આ ઉપરાંત અન્ય મહેમાનો માટે પણ ઈન્ડિગો અને સ્પાઈસજેટનાં બે ચાર્ટર પ્લેન અને એક એર બસ બુક કરવામાં આવી છે. ગઇકાલે શનિવારે સવારે 8:30 વાગ્યે ઈન્ડિગોનું 78 સીટર ચાર્ટર પ્લેન રાજકોટથી જોધપુર માટે ટેકઓફ થયું હતું. જ્યારે આજે બીજા દિવસે સવારે 9 વાગ્યે સ્પાઇસજેટની 78 સીટની કેપેસિટી સાથેનું ચાર્ટર અને 186 સીટની ક્ષમતા ધરાવતી એરબસ મહેમાનોને લઈને ઉડાન ભરી છે.

મૌલેશ ઉકાણી પુત્ર અને પરિવાર સાથે ખુશખુશાલ જોવા મળ્યા.
મૌલેશ ઉકાણી પુત્ર અને પરિવાર સાથે ખુશખુશાલ જોવા મળ્યા.

રાજસ્થાનના જોધપુરમાં ઉમેદભવન પેલેસમાં લગ્ન
આ લગ્ન સમારંભની ખાસ બાબત એ છે કે એ એક ડેસ્ટિનેશન વેડિંગ છે અને એનું આયોજન જોધપુરની હોટલ ‘ઉમેદભવન પેલેસ’ ખાતે કરાયું છે. હોટલ ઉમેદભવન પેલેસ હાલ ‘તાજ હોટલ’ દ્વારા સંચાલિત છે અને એની ગણના ભારતની ત્રણ સર્વોત્તમ અને સૌથી મોંઘી હોટલ્સમાં થાય છે, જેમાં એક થાળીની કિંમત રૂ.18 હજાર છે તો પ્રતિ નાઈટ રૂમની કિંમત રૂ.7,50,000 છે. ઉલ્લેખનીય છે કે બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી પ્રિયંકા ચોપરા અને નિક જોનસનાં લગ્ન પણ આ જ પેલેસમાં થયાં હતાં.

જય ઉકાણીએ રાજકોટ એરપોર્ટ પર હિમાંશી પટેલને બુકે આપી સ્વાગત કર્યું હતું અને રાજસ્થાનના ઉમેદભવન પેલેસમાં ભાવિ દંપતી ખુશખુશાલ જોવા મળ્યું.
જય ઉકાણીએ રાજકોટ એરપોર્ટ પર હિમાંશી પટેલને બુકે આપી સ્વાગત કર્યું હતું અને રાજસ્થાનના ઉમેદભવન પેલેસમાં ભાવિ દંપતી ખુશખુશાલ જોવા મળ્યું.

જાજરમાન લગ્નની રજવાડી કંકોત્રી
આ શાહી લગ્નની કંકોત્રી પણ રજવાડી સ્ટાઈલથી બનાવવામાં આવી છે. આ કંકોત્રીનું વજન 4 કિલો 280 ગ્રામ છે. આ એક કંકોત્રી બનાવવા પાછળ મૌલેશભાઇએ 7 હજાર રૂપિયાનો ખર્ચ કર્યો છે, જેમાં 7 પાનાંમાં ત્રણ દિવસના લગ્નના કાર્યક્રમની ઝાંખી દર્શાવવામાં આવી છે. કંકોત્રીની સાથોસાથ કાજુ, બદામ, કિસમિસ અને ચોકલેટ પણ રાખવામાં આવ્યાં છે. કંકોત્રી ખોલો એ પહેલાં રજવાડી પટારા પર શ્રીનાથજીનાં દર્શન થાય છે. બાદમાં એક બાદ એક લગ્નના કાર્યક્રમો સાથેનાં પાનાં રાખવામાં આવ્યાં છે. કંકોત્રીમાં કાપડ અને ધાતુનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

આખી હોટલના તમામ 70 રૂમ બુક કરી દેવાયા છે
તારીખ 16 નવેમ્બરના દિવસે જોધપુર ખાતે યોજાનારા આ લગ્ન માટે તારીખ 13 નવેમ્બરથી જ આખી હોટલના તમામ 70 રૂમ બુક કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત અહીંના એવા જ રજવાડી ગણાતા અજિતભવન પેલેસના તમામ 67 રૂમ પણ ચાર દિવસ માટે બુક કરી દેવામાં આવ્યા છે. લક્ઝરીથી લથબથ એવા આ લગ્ન રાજસ્થાનના જોધપુર ખાતે થઈ રહ્યા છે.

કુલ 300 લોકોને આમંત્રણ અપાયું છે
લગ્નમાં કન્યા-વર પક્ષના 150-150 લોકો મળીને કુલ 300 લોકોને આમંત્રણ અપાયું છે, કારણ કે રાજસ્થાનમાં કોવિડને કારણે હાલ લગ્ન વગેરે સમારંભો માટે સંખ્યા પર સરકારી નિયંત્રણો છે. આવા શાહી લગ્ન ઉદ્યોગપતિના પુત્રના થવાના છે. આ લગ્નમાં મુખ્ય ભોજન સમારંભમાં મહેમાનોને જે થાળી પીરસવામાં આવશે એનો ચાર્જ 18 હજાર રૂપિયા છે.

અન્ય સમાચારો પણ છે...