આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સરકારના ઊર્જા અને પેટ્રોકેમિકલ વિભાગ દ્વારા પાવર સેક્ટરની પ્રગતિ અને 2047 સુધીના ભવિષ્યના આયોજનને લઈને ‘ઉજ્જવલ ભારત, ઉજ્જવલ ભવિષ્ય’ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેનો સમાપન સમારોહ આજ રોજ રાજકોટના શાપર-વેરાવળમાં રાખવામાં આવ્યો હતો. આ સમાપન કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે રિવેમ્પડ ડિસ્ટ્રીબ્યુશન સેક્ટર સ્કીમ અને નેશનલ સોલાર રૂફટોપ પોર્ટલ તેમજ ગ્રીન હાઇડ્રોજન પરિયોજનાઓનું ડિજીટલી લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં પ્રધાનમંત્રીએ દેશભરના વિવિધ લાભાર્થીઓ સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સંવાદ કર્યો હતો.
ગુજરાતના ઓદ્યોગિક એકમોને પૂરતી વીજળી મળી
આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપતભાઈ બોદરે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની દીર્ઘ દ્રષ્ટિને કારણે આજે અશક્ય લાગતી વસ્તુઓ શક્ય બની છે. સૌની યોજના તેનું ઉત્તમ ઉદાહરણ છે. તે જ રીતે પ્રધાનમંત્રી ભારતને વિદ્યુત ક્ષેત્રે પણ ખૂબ આગળ લઈ જશે. પહેલાના સમયમાં વીજળીની અછતને કારણે અઠવાડિયામાં બે દિવસ લોકલ ઇન્ડસ્ટ્રીમાં રજા રાખવી પડતી હતી. જેના કારણે કારીગર-મજૂરોને પાંચ જ દિવસ કામ મળે અને તેમના પર આર્થિક બોજ વધતો. પરંતુ આજે ગુજરાતના ઓદ્યોગિક એકમોને પૂરતી વીજળી મળી રહી છે.
કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રના લોકો હાજર રહ્યા
આ સમાપન સમારોહમાં કોટડાસાંગાણી તાલુકા પંચાયત અધ્યક્ષ ધીરુભાઈ કોરાટ, તાલુકા પંચાયત સદસ્યો ગોવિંદભાઈ રાઠોડ, વાલજીભાઈ કોરાટ, અશ્વિનભાઈ ગઢીયા, સરપંચ શાપર તથા સરપંચ વેરાવળ, ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ કિશોરભાઈ ટીલારા તેમજ અન્ય અગ્રણીઓ તથા PGVCLના એમ.ડી. વરૂણ કુમાર બરનવાલ, ડેપ્યુટી કલેક્ટર પ્રજ્ઞાબેન ગોંડલિયા તેમજ PGVCLના એડી ચીફ એન્જિનિયર વી.એલ. ડોબરીયા તેમજ રાજકોટ ગ્રામ્ય તેમજ શહેર સર્કલના PGVCL વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.