તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેક ઈન ઇન્ડિયા:રાજકોટમાં યુગાન્ડા હાઈ કમિશન ડેલિગેશન ઇન્ડસ્ટ્રીઝની મુલાકાતે, એમ્બેસેડરે કહ્યું: યુગાન્ડા - ગુજરાત વચ્ચે દ્વિપક્ષીય વેપાર-ઉદ્યોગ માટે ઉજળી તકો

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુગાન્ડા ડેલિગેશને રાજકોટની 12 જેટલી વિવિધ ઇન્ડસ્ટ્રીઝની રૂબરૂ મુલાકત લીધી

રાજકોટમાં આજે ઈન્ડેક્ષ્ટ-બી તેમજ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના સંયુક્ત પ્રયાસો તેમજ વેપાર ઉદ્યોગ મહામંડળના સહયોગથી યુગાન્ડા હાઈ કમિશનનું ડેલિગેશન શહેરની ઇન્ડસ્ટ્રીયલ વિઝીટ તેમજ દ્વિપક્ષીય વેપાર ઉદ્યોગ સંભાવના અર્થે રાજકોટની બે દિવસીય મુલાકાતે આવ્યું હતું. આ ડેલિગેશનના એમ્બેસેડર (ડેપ્યુટી હેડ ઓફ મિશન) કેઝાલા મોહંમદે રાજકોટ ઇન્ડસ્ટ્રીઝની મુલાકાત તેમજ વિવિધ એસોસિસેશનના પ્રતિનિધિ સાથેની બેઠકમાં જણાવ્યું હતું કે, યુગાન્ડા સહીત આફ્રિકન દેશોમાં ગુજરાત સાથે વિવિધ દ્વિપક્ષીય વેપાર ઉદ્યોગ માટે વિશાળ તકો ઉપલબ્ધ બની છે.

યુગાન્ડા સાથે સંબંધ વધુ મજબૂત બને તે માટે આશાવાદ વ્યક્ત કર્યો
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ઇસ્ટ આફ્રિકન 7 દેશોના સમુહની 200 મિલિયનની વસ્તી માટે દ્વિપક્ષીય વેપાર ઉદ્યોગની ભારત અને ખાસ કરીને ગુજરાત માટે વિશાળ તકો કોરોના બાદ ખુલી હોઈ જેનો લાભ ગુજરાત અને સૌરાષ્ટ્રની વિવિધ ઇન્ડસ્ટ્રીઝને લેવો જોઈએ. તેમણે સૌરાષ્ટ્ર અને યુગાન્ડા સાથે ઐતિહાસીક સંબંધો સહીત અહીંના ઉદ્યોગપતિઓનું આફ્રિકન દેશોમાં પ્રદાનથી પ્રભાવિત થઈ આ સંબંધ વધુ મજબૂત બને તે માટે આશાવાદ વ્યક્ત કર્યો હતો.

ઉદ્યોગ ક્ષેત્રે માહિતીની આપ-લે કરી
ડેલિગેશનમાં સાથે આવેલા મિસ બિરુંગી સોફી (કોમર્શિયલ ડ્યુટીઝ ઓફિસર ઇન્ચાર્જ) અને કાઉન્સેલર ઓફીસર મિસ જ્હોન એમોંગ એ આફ્રિકન કન્ટ્રીઝમાં ટુરિઝમ ઉદ્યોગ ક્ષેત્રે પણ વિશાળ તકો હોવાનું જણાવ્યું હતું. રાજકોટ સરકીટ હાઉસ ખાતે આયોજિત બેઠકમાં ચેંબર ઓફ કોમર્સ, એંજિનયિરિંગ એસોસિએશન, શાપર વેરાવળ, લોઠડા, પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રી, મશીન ટૂલ્સ એઓસિએશન, લઘુ ઉદ્યોગ ભરતી તેમજ સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળના પ્રતિનિધિઓએ ઉપસ્થિત રહી રાજકોટ તેમજ સૌરાષ્ટ્ર ઉદ્યોગ ક્ષેત્રે માહિતીની આપ-લે કરી હતી.

એમ્બેસેડરે આફ્રિકન દેશોમાં ઉદ્યોગ સ્થાપવા આમંત્રણ આપ્યું
યુગાન્ડા ડેલિગેશન દ્વારા રાજકોટની 12 જેટલી વિવિધ ઇન્ડસ્ટ્રીઝની રૂબરૂ મુલાકત લઈ વિવિધ ક્ષેત્રે MSME મશીનરીની ખરીદીની પ્રક્રિયા હાથ ધરી છે. રાજકોટ તેમજ સૌરાષ્ટ્રની ફૂડ, એગ્રો, મશીન ટૂલ્સ સહીતની અનેકવિધ ઇન્ડસ્ટ્રીઝની મશીનરીની આફ્રિકન કન્ટ્રીઝમાં મોટા પાયે જરૂરિયાત હોઈ અમે અહીં રૂબરૂ મુલાકાતે આવ્યાનુ કેઝાલાએ જણાવી આફ્રિકન દેશોમાં ઉદ્યોગ સ્થાપવા માટે એમ્બેસેડરે રાજકોટના ઉદ્યોગપતિઓને આમંત્રીત કર્યા હતા.