મોનસૂન ઈફેક્ટ:ઢાંઢણીમાં બે યુવક તણાયા, એક લાપતા, નાના માંડવા, પાળમાં 8 લોકોને બચાવાયા

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
નાના માંડવા ગામે છ વ્યક્તિને બચાવાયા. - Divya Bhaskar
નાના માંડવા ગામે છ વ્યક્તિને બચાવાયા.

રવિવાર વહેલી સવારથી રાજકોટ જિલ્લામાં ભારે વરસાદને કારણે અનેક નદીઓમાં પૂર આવ્યા હતા. રાજકોટ તાલુકાના ઢાંઢણી ગામે રહેતા જયંતીભાઇ સામતભાઇ રાઠોડ (ઉ.વ.37) અને તેનો મિત્ર રવિવારે બપોરે 2 વાગ્યે ગામમાં આવેલા કોઝવે પરથી ચાલીને જઇ રહ્યા હતા ત્યારે પૂર આવ્યું હતું અને બંને યુવક નદીમાં તણાવા લાગ્યા હતા. એક યુવકને ગ્રામજનોએ દોરડાના રસ્સાથી બચાવી લીધો હતો જ્યારે જયંતીભાઇ તણાઇ ગયા હતા. ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડની ટીમ દોડી ગઇ હતી અને પાણીમાં લાપતા થયેલા જયંતીભાઇની શોધખોળ શરૂ કરી હતી.

કોટડાસાંગાણીના નાના માંડવા ગામની સીમમાં રહેતા જોરૂભાઇ મોહનભાઇ ચૌહાણ (ઉ.વ.48) અને તેના પરિવારના સભ્યો સોનલબેન (ઉ.વ.46), શ્રદ્ધાબેન હરપાલભાઇ ચૌહાણ (ઉ.વ.22), દિપાલીબેન ચૌહાણ (ઉ.વ.16) હિરવા ચૌહાણ (ઉ.વ14) અને મીતરાજ ચૌહાણ (ઉ.વ.11) પાણીમાં ફસાયા હતા, આ અંગે જોરૂભાઇએ ગામના સરપંચ પ્રવીણસિંહ ચૌહાણને જાણ કરી હતી અને સરપંચે જાણ કરતા મામલતદાર પરખિયા સહિતની ટીમ દોડી ગઇ હતી. ગ્રામજનોએ પાણી વચ્ચે જઇ દોરડાની મદદથી ચૌહાણ પરિવારના છ સભ્યનો જીવ બચાવ્યો હતો, આ ઉપરાંત લોધિકાના પાળ ગામે જખરાપીરની દરગાહ પાસે કોઝવે પર પાણીના પ્રવાહમાં ટ્રેક્ટર ફસાયું હતું, જાણ થતાં જ ફાયરબ્રિગેડની ટીમ પહોંચી હતી અને ટ્રેક્ટર પર રહેલા બંને લોકોને બચાવી લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...