વિવાદ:લક્ષ્મીનગર નાળા પાસે બે યુવાન પર છરીથી હુમલો

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

શહેરના નાનામવા મેઇન રોડ, લક્ષ્મીનગર-3માં રહેતા રાજેશ પરસોત્તમભાઇ પરમાર નામના યુવાને તેના પર અને મિત્ર વિશાલ પરમાર પર પાડોશમાં જ રહેતા અજય કાળુ ભોજાણી નામના શખ્સે છરીથી હુમલો કરી ઇજા પહોંચાડ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, પોતે મિત્ર વિશાલ સાથે રવિવારે સાંજે લક્ષ્મીનગરના નાળા પાસે બેઠા હતા. ત્યારે ત્રણ દિવસ પહેલા પિતાના નામથી બોલાવવાના મુદ્દે અજય સાથે ઝઘડો થયો હોય તે ત્યાં ધસી આવ્યો હતો અને ઝઘડો કર્યો હતો.

મામલો વધુ વણસતા અજયે નેફામાંથી છરી કાઢી પોતાને તેમજ મિત્ર વિશાલ પર છરીથી હુમલો કરી બંનેને પાંચ ઘા ઝીંકી દઇ નાસી ગયો હતો. હુમલામાં બંનેને ઇજા થતા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે પહોંચ્યા હતા. માલવિયાનગર પોલીસ મથકના પીએસઆઇ બી.બી.રાણાએ ગુનો નોંધી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

જ્યારે શહેરના વધુ બે ગુનેગાર સામે પોલીસ તંત્રએ પાસાનું શસ્ત્ર ઉગામ્યું છે. દોઢસો ફૂટ રોડ, આંબેડકરનગર-5માં રહેતા હિરેન ગોવિંદભાઇ પરમાર અને લોધેશ્વર સોસાયટી-4માં રહેતા દિનેશ ઉર્ફે કાળિયો બાબુ જરિયા નામના બે ગુનેગાર સામે પાસાની દરખાસ્ત તૈયાર કરી હતી. જેને કમિશનરે મંજૂરી આપતા માલવિયાનગર પોલીસે બંનેની અટકાયત કરી જેલમાં ધકેલી દીધા હતા.

અન્ય સમાચારો પણ છે...