સોશિયલ મીડિયા ઉપર અવનવા વીડિયો મૂકવાની ઘેલછામાં જોખમી સ્ટંટ કરતા તરૂણો જીવને કેવી રીતે જોખમમાં મૂકે છે તે દર્શાવતો વધુ એક વીડિયો સામે આવ્યો છે. જેમાં બે તરૂણો આજીડેમની પ્રતિબંધિત જાળીની ઉપર ચડી વીડિયો ઉતારે છે. આ વીડિયો વાઇરલ થતા આજીડેમ પોલીસે તપાસ હાથ ધરી છે. આજીડેમ પર બપોરના સમય દરમિયાન બે તરૂણોએ જીવને જોખમમાં મૂકી આજીડેમની જાળી પર ચડી સેલ્ફી લેતા હોય તેવા વીડિયો બનાવી વાઇરલ કર્યા હતા.
બંને કોલેજિયન હોવાની શક્યતાઃ PI
બનાવને પગલે આજી ડેમ પોલીસ મથકના પીઆઈ વિક્રમસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, બે તરૂણોએ પ્રતિબંધિત વિસ્તારમાં જાળી ઉપર ચડી સેલ્ફી સાથે સ્ટંટ કર્યા હોવાથી તપાસનો ધમધમાટ શરુ કર્યો છે. વીડિયોમાં જોતા બંને તરૂણોના હાથમાં બેગ છે અને કોલેજિયન હોય તેવી શંકા સેવાઈ રહી છે.
આ પહેલા પણ બે યુવાન બાઇકમાં સ્ટંટ કરતા જોવા મળ્યા હતા
આ પહેલા પણ મોરબી હાઈવે પર ધૂમ બાઈક સવારે સૂતા સૂતા બેફામ બાઈક ચલાવતો હોવાનો વીડિયો વાઇરલ થતા પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. ત્યારે વધુ એક જોખમી સ્ટંટનો વીડિયો વાઇરલ થતા પોલીસ ફરી દોડતી થઈ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.