તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વરસાદને કારણે બનેલો બનાવ:માલિયાસણ ગામ પાસે મિલમાં દીવાલ પડતા બે શ્રમિકનાં મોત

રાજકોટ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વેલનાથપરામાં ઘરની દીવાલ તૂટી પડતા યુવાન ઘવાયો

શહેરમાં શનિવારે રાતે પડેલા વરસાદને કારણે બે સ્થળે દીવાલ તૂટી પડવાના બનાવ પ્રકાશમાં આવ્યા છે. જેમાં માલિયાસણના બનાવમાં બે શ્રમિકના ટૂંકી સારવારમાં મોત નીપજ્યા છે. જ્યારે વેલનાથપરામાં યુવાનને ઇજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે.

માલિયાસણ પાસે આવેલા ત્રિમંદિર નજીક નટવરલાલ કલ્યાણજી કોટન નામના કારખાનામાં કામ કરતા શ્રમિકોની ઓરડી પાસે ગઇકાલે રાતે પડેલા વરસાદથી દીવાલ ધસી પડી હતી. દીવાલ ધસી પડતા દિનેશસીંગ રતનસીંગ રાજપૂત (ઉ.વ.48) અને સુખદેવસીંગ ગિરિશસીંગ રાજપૂત (ઉ.વ.60) નામના શ્રમિકો કાટમાળ નીચે દબાઇ ગયા હતા. અન્ય શ્રમિકોને ખબર પડતા તુરંત તૂટેલી દીવાલનો કાટમાળ ખસેડી બંને ઇજાગ્રસ્તને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં ટૂંકી સારવારમાં બંનેના પંદર મિનિટના અંતરે મોત નીપજ્યા હતા. બનાવની જાણ થતા કુવાડવા રોડ પોલીસમથકના હેડ કોન્સ.જયપાલસિંહ ઝાલા સહિતનો સ્ટાફ હોસ્પિટલ દોડી ગયો હતો. પોલીસ તપાસમાં બંને મૃતક મૂળ બિહારના હતા. સુખદેવસીંગ અપરિણીત હતા અને છેલ્લા પંદરેક વર્ષથી અહીં કોટન મિલમાં મજૂરીકામ કરતા હતા. જ્યારે દિનેશસીંગ પાંચ વર્ષથી અહીં પેટિયું રળતા હતા. દિનેશસીંગનાં મોતથી બે સંતાને પિતાની છત્રછાયા ગુમાવી છે.

અન્ય એક બનાવ મોરબી રોડ, વેલનાથપરા-1માં બન્યો હતો. અહીં સુમન નામનો યુવાન ગત રાતે તેના ઘરે હતો. ત્યારે અચાનક દીવાલ તૂટી પડવાથી ઇજા થતા સારવાર માટે હોસ્પિટલ દાખલ કરાયો હતો.

જ્યારે અન્ય એક ઘટનામાં નાનામવા રોડ પર લક્ષ્મીનગર-4માં એક શખ્સ વિદેશી દારૂનું વેચાણ કરતો હોવાની માહિતી પોલીસને મળતા લક્ષ્મીનગર-2માં રહેતા તૌશિફ હનિફ પઠાણ નામના શખ્સને વિદેશી દારૂના 24 પાઉચ સાથે ઝડપી લીધો હતો. જ્યારે મવડી રોડ, જુગાર રમતા હસમુખ ઉર્ફે મુન્નો વાઘેલા, રાજેશ હેરમા, જયેશ વ્યાસ અને દેવેન્દ્ર સોલંકીને રૂ.5160 સાથે પકડી પાડી કાર્યવાહી કરી છે.

અન્ય સમાચારો પણ છે...