ક્રાઇમ:10 ટકા લેખે વ્યાજ વસૂલનાર બે વ્યાજખોરની વધુ નાણાં પડાવવા ધમકી

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વ્યાજ, મુદલ ચૂકવવા છતાં બંનેએ 7 અને 9 લાખ માટે ધમકી આપી

શહેરમાં વધુ એક યુવાન બે વ્યાજખોરની ધમકીનો શિકાર બનતા મામલો પોલીસ મથકમાં પહોંચ્યો છે. રેલનગર, મહર્ષિ દયાનંદ સરસ્વતી ટાઉનશિપમાં રહેતા સંદીપસિંહ જગદીશસિંહ પરમાર નામના યુવાને ગંજીવાડાના કુલદીપ ખાચર અને કોઠારિયા રોડ, સ્વાતિ પાર્કના રાહુલ ગોહિલ નામના વ્યાજખોર સામે ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદ મુજબ, ઘરના ઉપયોગમાં નાણાંની જરૂરિયાત ઊભી થતા દોઢેક વર્ષ પહેલા ખાનગી ફાઇનાન્સ પેઢીમાં વીસ તોલા સોનાના ઘરેણાં ગીરવે મૂકી 8 લાખ રૂપિયા લીધા હતા. દરમિયાન ગીરવે મૂકેલા ઘરેણાં છોડાવવા માટે વ્યાજે નાણાં આપતા ગંજીવાડાના કુલદીપને વાત કરી હતી. જેથી તેને ઘરેણાં છોડાવી ખાનગી ફાઇનાન્સ પેઢીમાં નાણાં ચૂકવી દીધા હતા. જે રકમનું પોતે કુલદીપને દસ ટકાના વ્યાજે રૂપિયા ચૂકવતો હતો. કુલદીપને ચાર લાખ રૂપિયા રોકડા આપતા તેને 20 તોલા પૈકી આઠ તોલાના ઘરેણાં પરત આપ્યા હતા. ત્યારે કુલદીપને વ્યાજની રકમ ચૂકવવા માટે મિત્ર રાહુલ કે તે પણ વ્યાજે નાણાં આપતો હોય તેને સોનાનો ચેઇન ગીરવે મૂકી રૂપિયા લીધા હતા.

બંનેને હું દસ ટકાનું વ્યાજ ચૂકવતો હતો. બાદમાં કુલદીપ પાસે રહેલા 12 તોલા સોનાના ઘરેણાં છોડાવવા માટે જતા તેને હજુ વ્યાજ સાથે રૂ.7 લાખ આપવા પડશે. તે ચૂકવીશ પછી જ ઘરેણાં પરત મળશે. આ સમયે રાહુલ પણ પોતાની પાસે વ્યાજ સહિત રૂ.9 લાખની માગણી કરી બંને પઠાણી ઉઘરાણી કરી ધમકી દેવાનું શરૂ કર્યુ હતું. બંને પાસેથી વ્યાજે નાણાં લીધા બાદ અત્યાર સુધીમાં કુલદીપને વ્યાજ સહિત નવ લાખ અને રાહુલને વ્યાજ સહિત રૂ.5.74 ચૂકવી દીધા છે. તેમ છતાં બંને સાત લાખ અને નવ લાખની પઠાણી ઉઘરાણી કરી ધમકી આપે છે.

કુલદીપને આટલી રકમ ચૂકવવા છતાં તેની પાસે રહેલા બાર તોલા સોનાના ઘરેણાં પણ પરત આપતો ન હોય અંતે પોલીસ ફરિયાદ કરવાની ફરજ પડી છે. માલવિયાનગર પોલીસમથકના એએસઆઇ કે.વી.માલવિયાએ ગુનો નોંધી વ્યાજખોરની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...