રક્ષાબંધન સ્પેશિયલ:રાજકોટમાં કિડની ડોનેશનના બે અનોખા કિસ્સા, પ્રથમ કિસ્સામાં ભાઈએ કહ્યું- ચામડી ઉતારી આપું તો પણ ઋણ નહીં ચૂકવી શકું, બીજા કિસ્સામાં બહેને કહ્યું- આ જિંદગી જ મારા ભાઈની ભેટ છે

રાજકોટએક વર્ષ પહેલાલેખક: રક્ષિત પંડ્યા
  • આ બન્ને કિસ્સામાં ભાઈ-બહેનના અતુલ્ય પ્રેમના હિંમત અને લાગણી જોઈને તબીબો પણ સ્તબ્ધ થઈ ગયા હતા

જિંદગીની ભેટ કરતાં વધુ મૂલ્યવાન ભેટ બીજી કોઈ ના હોઈ શકે. આજે રક્ષાબંધનના પર્વ પર રાજકોટમાં કિડની ડોનેશનના બે અનોખા એવા કિસ્સા બન્યા છે જેમાં પ્રથમ કિસ્સામાં બહેને ભાઈનો જીવ બચાવવા અને બીજા કિસ્સામાં ભાઈએ બહેનનો જીવ બચાવવા કિડની ડોનેટ કરી હતી. આ એવી ભેટ છે જે આ ભાઈ-બહેન હંમેશા વાગોળશે કારણકે તેમનું બંધન હવે માત્ર લોહી પૂરતું જ નથી રહ્યું, તેઓ કિડનીથી જોડાઈ ગયા છે. આ અંગે પ્રથમ કિસ્સામાં ભાઈએ કહ્યું- ચામડી ઉતારી આપું તો પણ ઋણ નહીં ચૂકવી શકું. તો બીજા કિસ્સામાં બહેને કહ્યું- આ જિંદગી જ મારા ભાઈની ભેટ છે. આ બન્ને કિસ્સામાં ભાઈ-બહેનના અતુલ્ય પ્રેમના હિંમત અને લાગણી જોઈને તબીબો પણ સ્તબ્ધ થઈ ગયા હતા.

પ્રથમ કિસ્સો : સંગીતાબહેનની બંને કિડની ફેલ થઈ ગઈ હતી
સામાન્ય રીતે રક્ષાબંધનમાં બહેન ભાઈનાં કાંડે રાખડી બાંધી તેની સુરક્ષાની પ્રાર્થના કરે છે. અને ભાઈ આજીવન બહેનની રક્ષા કરવાનું વચન આપે છે. ત્યારે પ્રથમ કિસ્સામાં વાત એક એવા ભાઈની કે જેણે સાચા અર્થમાં બહેનની રક્ષા કરવાનું વચન નિભાવ્યું છે. અને બહેને બાંધેલી રાખડીનાં બદલામાં પોતાની કિડની આપીને તેનો જીવ બચાવ્યો છે. રાજકોટનાં સ્પીડવેલ પાર્ટી પ્લોટ નજીક રહેતા સંગીતાબેન દિનેશભાઇ જીવાણીની કે જેમને કિડનીની બીમારી થતા ડાયાલીસીસ કરાવવાનું શરૂ કર્યું હતું. જો કે થોડા દિવસો બાદ ડોક્ટરોએ તેમની બંને કિડની ફેલ થઈ ગઈ હોવાનું જણાવતા તેમના અને પરિવારજનોનાં પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. તાત્કાલિક કિડની બદલવી જરૂરી હતી. પરંતુ તે મળવાના કોઈ એંધાણ દેખાતા નહોતા. અને પોતાનો જીવ બચશે કે કેમ તેની ચિંતા સંગીતાબેનને પણ સતાવી રહી હતી.

ભાઈએ મને કિડની આપવા રીતસરની જીદ પકડી લીધી
4 વર્ષ પહેલાંની આ ઘટના યાદ કરતા સંગીતાબેને દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે, મારા ચાર ભાઈઓ છે. અને આ વાતની ખબર પડતાં જ એક નહીં ચારેય ભાઈ તેમને કિડની આપવા તૈયાર થઈ ગયા હતા. જેમાં પણ અરવિંદભાઈ ભુવનભાઈ અઘેરા કે જેઓ ખેતીકામ કરે છે તેમણે તો મને કિડની આપવા રીતસરની જીદ પકડી લીધી હતી.આજે 4 વર્ષ બાદ મારો જીવ બચાવનારા અરવિંદભાઈની તબિયત બિલકુલ સ્વસ્થ છે. પરંતુ જ્યારે રક્ષાબંધન કે ભાઈબીજનો તહેવાર આવે ત્યારે મને ખુબ રડવું આવે છે. કારણ આ તહેવારોમાં બહેન ભાઈની રક્ષા માટે પ્રાર્થના કરે છે. પણ તેનાથી ઉલટું મારા ભાઈએ કિડની આપીને મારી રક્ષા કરી છે. મને એવા વિચાર આવે છે કે તેનું આ ઋણ હું ક્યારે ચૂકવી શકીશ. જો કે આ જન્મમાં તો ભાઈએ આપેલી આ કુરબાનીનું ઋણ ચૂકવવું અશક્ય છે. પણ ભગવાનને મારી પ્રાર્થના છે કે, મને જન્મોજન્મ આ જ ભાઈ આપે... આટલું બોલતા-બોલતા તેમની આંખો ભીની થઇ ગઇ હતી.

મારા ભાઈએ કિડની આપીને મારી રક્ષા કરી છે : સંગીતાબહેન જીવાણી
મારા ભાઈએ કિડની આપીને મારી રક્ષા કરી છે : સંગીતાબહેન જીવાણી

બીજો કિસ્સો : રસિકભાઈ સોલંકીને તાત્કાલિક કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવવાની ડોકટરે સૂચના આપી
બીજા કિસ્સામાં સંતકબીર રોડ નજીક રહેતા મંજુલાબેન પરમારે ભાઈ સોલંકી રસિકભાઈ હરિભાઈનો જીવ બચાવવા માટે પોતાની કિડની આપી હતી. ત્રણેક વર્ષ પૂર્વે હાઈ બ્લડપ્રેશરનાં કારણે તેમની બંને કિડની ફેલ થઈ ગઈ હતી. અને તાત્કાલિક કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવી જરૂરી હોવાનું ડોક્ટરોએ જણાવ્યું હતું. ત્યારે પળનો વિલંબ કર્યા વિના ભાઈની રક્ષા કરવા માટે મંજુલાબેન આગળ આવ્યા હતા. અને તેના ભાઈને કિડનીની અનમોલ ભેંટ આપી નવજીવન પ્રદાન કર્યું હતું.

ભગવાનની કૃપાથી આજે હું પણ બિલકુલ સ્વસ્થ છું
આ અંગે દિવ્યભાસ્કર સાથે વાત કરતા મંજુલાબહેને જણાવ્યું હતું કે, મારો ભાઈ બેઠો છે તો દુનિયામાં બધું છે. કિડની આપ્યા વિના તેને બચાવવાનો કોઈ રસ્તો જ નહોતો. અને ભાઈ વિનાનાં જીવનનો કોઈ મતલબ નહીં હોવાથી હું તેઓને તરત મારી કિડની આપવા તૈયાર થઈ ગઈ હતી. ડોક્ટરને મેં સ્પષ્ટ કહી દીધું હતું કે, મારા શરીરનું કોઈપણ અંગ આપી દેવાથી મારા ભાઈનો જીવ બચતો હોય તો એ માટે હું તૈયાર છું. ત્યારે ડોક્ટરોએ તેને માત્ર કિડનીની જરૂર હોવાનું અને તેનાથી મને પણ કોઈ નુકસાન નહીં હોવાનું જણાવ્યું હતું. અને ભગવાનની કૃપાથી આજે હું પણ બિલકુલ સ્વસ્થ છું. રોજના 3-4 કલાક ચાલતા હોવા છતાં તેમને આજ સુધી કોઈ તકલીફ થઈ નહીં હોવાનું પણ તેમણે કહ્યું હતું.

મારી બહેનને કારણે મને નવજીવન મળ્યું છે : રસિકભાઈ સોલંકી
મારી બહેનને કારણે મને નવજીવન મળ્યું છે : રસિકભાઈ સોલંકી

મારી જિંદગી મૃત્યુને સમીપ પહોંચી ગઈ હતી
આ અંગે રસિકભાઈ સોલંકીએ જણવ્યું હતું કે, મારી જિંદગી મૃત્યુને સમીપ પહોંચી ગઈ હતી. પરંતુ બહેનને કારણે મને નવજીવન મળ્યું છે. હાલમાં કોઈપણ બીમારી વિનાનું મારુ જીવન બહેનને આભારી છે. મારા પત્નીની કિડની ચાલે તેમ નહોતી. અને બીજું કોઈ મને કિડની આપવા તૈયાર નહોતું ત્યારે ભગવાન બનીને મારી બહેને મને કિડની આપી હતી. રક્ષાબંધન આવે ત્યારે ખાસ વિચાર આવે છે કે, મારે બહેનની રક્ષા કરવી જોઈએ તેના બદલે બહેને મારો જીવ બચાવ્યો છે. તેનો આ ઉપકાર હું જીવનભર નહીં ભૂલી શકું.

અન્ય સમાચારો પણ છે...