રાજકોટ જિલ્લામાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, સ્કૂલોમાં કોરોના કેસ વધતા શિક્ષણ વિભાગ દ્વારા પણ પ્રાઇમરી સ્કૂલ બંધ રાખવાના આદેશ અપાયો છે. ત્યારે આવી પરિસ્થિતિમાં પણ વીંછિયા પંથકમાં જાણે કોરોનાનો કોઈ ખતરો ન હોય એ રીતના ત્યાંની એક સ્કૂલની ગંભીર બેદરકારી સામે આવી છે. એમ.બી. અજમેરા હાઈસ્કૂલે ગંભીર બેદરકારીની પોલ છતી કરી છે, સ્થાનિક એબીવીપીના કાર્યકરોએ સ્કૂલના બે શિક્ષકને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા બાદ સ્કૂલ ચાલુ હતી તેવું ધ્યાને આવ્યું હતું.
સ્કૂલ દ્વારા સરકારના નિયમોનો ઉલાળિયો
વીંછિયા ABVPના હોદેદારોએ સ્કૂલ પર આક્ષેપ કર્યો છે કે, સ્કૂલ દ્વારા સરકારના નિયમોનો ઉલાળિયો કરવામાં આવ્યો છે. નિયમ એવો છે કે જો હાઈર સેકન્ડરી સ્કૂલમાં વિદ્યાર્થી કે સ્ટાફમાંથી કોઈ પણ વ્યક્તિ પોઝિટિવ આવે તો તે સ્કૂલને 8 દિવસ સુધી બંધ કરવાની હોય છે, જોકે વીંછિયાની અજમેરા સ્કૂલમાં બે શિક્ષકો પોઝિટિવ આવ્યા હોવા છતાં આ સ્કૂલ શરૂ હતી. આ વાત જિલ્લા શિક્ષણ અધિકારીના ધ્યાને આવતા તેઓએ તાત્કાલિક સ્કૂલ બંધ કરવા આદેશ આપ્યો છે. તેમજ બેદરકારી દાખવનાર જવાબદાર શિક્ષકો સામે પણ પગલાં લેવાની ખાતરી આપી છે.
સ્કૂલ સંચાલકને તુરંત સુચના આપી બંધ કરાવીઃ DEO
રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી બી.એસ. કૈલાએ જણાવ્યું હતું કે, વીંછિયાની એક સ્કૂલમાં બે શિક્ષકો કોરોના સંક્રમિત થયાના સમાચાર હતા. તેમ છતાં સ્કૂલ સંચાલકોએ ધો.10, 11 અને 12ના વર્ગો ચાલુ રાખ્યા હતા. આથી અમે સ્કૂલ સંચાલકને તુરંત સુચના આપી બંધ કરાવી છે. તેમજ પોઝિટિવ શિક્ષકોના સંપર્કમાં આવેલા અન્ય શિક્ષકો અને વિદ્યાર્થીઓનો ટેસ્ટ કરાવી લેવા સુચના આપી દેવામાં આવી છે. કોરોના સંક્રમણ ફેલાય નહીં તે માટે વિદ્યાર્થી કે સ્ટાફમાંથી કોઇ પોઝિટિવ આવે તો અઠવાડિયું સ્કૂલ બંધ કરવાની સુચના પહેલેથી જ છે. તેમ છતાં આ સ્કૂલ ચાલુ રાખી હોવાથી નિયમ અનુસારની કાર્યવાહી કરીશું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.