રાજકોટનું શિક્ષણ લજવાયું:સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બે પ્રોફેસરનું ઇલુ-ઇલુ, શરમ આવતાં બે વિદ્યાર્થી એડમિશન રદ કરાવી જતા રહ્યા

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • સિન્ડિકેટ સભ્યની કોલેજમાં ચાલતી ઘટનાની કુલપતિ સુધી ફરિયાદ
  • કોલેજના વિદ્યાર્થીઓએ કહ્યું, અમને જે ભણાવે છે તેને પ્રોફેસર કહેતા પણ શરમ આવે છે

યુનિવર્સિટી અને સિન્ડિકેટ સભ્યોના વિવાદ સમયાંતરે બહાર આવતા રહે છે, ત્યારે તાજેતરમાં જ સરકાર નિયુક્ત સિન્ડિકેટ સભ્યની કોલેજમાં બે પ્રોફેસર વચ્ચેના પ્રેમપ્રકરણે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના શિક્ષણજગતમાં ચર્ચા જગાવી છે. આ સમગ્ર મામલે કોલેજના વિદ્યાર્થીઓએ કોલેજના બીએસસી વિભાગના હેડ, પ્રિન્સિપાલ, કોલેજના ડાયરેક્ટર સહિત તમામને ફરિયાદ કરી હતી, પરંતુ તમામે વિદ્યાર્થીઓની ફરિયાદ નજરઅંદાજ કરતાં અંતે વિદ્યાર્થીઓએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિને પણ પત્ર લખીને કોલેજના પ્રોફેસરો વચ્ચે ચાલતા પ્રેમપ્રકરણને કારણે અભ્યાસ પર ખરાબ અસર પડતી હોવાની ફરિયાદ કરી હતી.

સમગ્ર પ્રકરણથી કંટાળીને એડમિશન રદ કરાવી લીધા
બંને પ્રોફેસર વિદ્યાર્થીઓને પરેશાન કરતા હોવાની, ભણાવતા નહીં હોવાની અને લેબમાં બેસવા નહીં દેતા હોવાની ફરિયાદ કરી હતી, પરંતુ કુલપતિએ પણ આ અંગે કોઈપણ પ્રકારનાં પગલાં નહીં લેતાં આખરે સિન્ડિકેટ સભ્યની કોલેજમાંથી બે વિદ્યાર્થીએ આ સમગ્ર પ્રકરણથી કંટાળીને એડમિશન રદ કરાવી લીધા હતા અને અન્ય કોલેજમાં જતા રહ્યા હતા. આ ઘટના સૌરાષ્ટ્રના શિક્ષણજગતમાં ચર્ચાસ્પદ બની છે.

આ રહ્યો પુરાવો: વિદ્યાર્થીઓએ કુલપતિને લખેલો પત્ર, આ રહ્યો શબ્દશઃ
આ રહ્યો પુરાવો: વિદ્યાર્થીઓએ કુલપતિને લખેલો પત્ર, આ રહ્યો શબ્દશઃ

વિદ્યાર્થીઓને વ્યક્તિગત પૂછ્યું’તું, સમસ્યા ન હતી
એક મહિના પહેલાં આવો ઇસ્યુ હોવાની વાત આવી હતી, જેને પગલે અમે દરેક વિદ્યાર્થીને વ્યક્તિગત પૂછ્યું હતું, પરંતુ કોઈ વિદ્યાર્થી આ અંગે કશું બોલ્યા નહોતા અને આવી કોઈ સમસ્યા પણ નહીં હોવાનું બહાર આવ્યું હતું. એક મહિના પહેલાંની આ વાત છે, પરંતુ આ મુદ્દે વિદ્યાર્થીઓને પણ પૂછ્યું હતું, પરંતુ કશું તથ્ય જણાયું નહોતું. એક મહિના પહેલાં બીએસસીના વિદ્યાર્થીઓ ઉપરાંત પ્રોફેસરોની પણ પૂછપરછ કરી હતી. - મહેશ ચૌહાણ, સિન્ડિકેટ સભ્ય અને કોલેજ-સંચાલક

વિદ્યાર્થીઓનો પત્ર મળ્યો નથી, મળ્યા બાદ કશું થઈ શકે
હરિવંદના કોલેજના વિદ્યાર્થીઓનો પ્રોફેસરો સામેની ફરિયાદનો કોઈ પત્ર હજુ સુધી મને મળ્યો નથી. પત્ર મળે પછી તેના પર શું કાર્યવાહી થઈ શકે એ કહી શકાય. હાલ આવી કોઈ બાબત ધ્યાનમાં નથી. હરિવંદના કોલેજના સંચાલક કે પ્રિન્સિપાલ સાથે પણ યુનિવર્સિટીમાં કોઈ મીટિંગ કરી નથી. - ડૉ. ગિરીશ ભીમાણી, કુલપતિ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી

અન્ય સમાચારો પણ છે...