રાજકોટના કોઠારિયા રોડ પર મેઘાણીનગરમાં રૂ પીંજવાના મશીનમાં દૂપટ્ટો ફસાતા ગળેફાંસો આવી જતા યુવતીનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. શહેરના દૂધ સાગર રોડ પર રિદ્ધિ સિદ્ધિ સોસાયટીમાં રહેતી રેશ્માબેન કાદરભાઇ પરમાર (ઉં.વ.28) નામની પીંજારા પરિણીતાનું મોત નીપજતાં અરેરાટી વ્યાપી ગઇ છે.
પતિ રિક્ષામાં મશીન ફીટ કરી રૂ પીંજવાનો ધંધો કરે છે
રિદ્ધિ સિદ્ધિ સોસાયટીમાં રહેતી રેશ્માબેન ગઇકાલે પતિ કાદર પરમાર સાથે કોઠારિયા રોડ પર કેદારનાથ સોસાયટી નજીક મેઘાણીનગરમાં રૂ પીંજવાનો ઓર્ડર આવ્યો હોઇ પતિને મદદ કરાવવા સાથે ગઇ હતી. રિક્ષામાં ફીટ કરાયેલા મશીનથી રૂ પીંજવાનું કામ ચાલુ હતું. ત્યારે રેશ્માબેને ગળામાં રાખેલો દૂપટ્ટો ઉડીને મશીનમાં ફસાઇ જતાં ખેંચાઇ જવાને કારણે તેણીને ફાંસો લાગી જતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પરંતુ અહીં દમ તોડી દેતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.
3 અને 5 વર્ષના બે પુત્રએ માતાની છત્રછાંયા ગુમાવી
મૃત્યુ પામનાર રેશ્માબેનને સંતાનમાં બે પુત્ર છે. જેમાં એક ત્રણ વર્ષનો અને બીજો પાંચ વર્ષનો છે. માતા-પિતા પણ તેની સાથે જ બાજુના રૂમમાં રહે છે. આ બનાવથી પરિવારજનોમાં ગમગીની છવાઇ ગઇ હતી. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં ભકિતનગર પોલીસે કાર્યવાહી કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.