આજથી અંદાજે ત્રણેક મહિના પહેલાં રાજકોટના વેલનાથપરા પાસે આવેલી નંદનવન સોસાયટીમાં રહેતી બે સગી બહેનો માતાને માથામાં કૂકર મારી ફરાર થઈ જવાની ઘટનામાં નવો જ વળાંક સામે આવ્યો છે. જ્યારે આ બનાવ બન્યો ત્યારે એવી અટકળો વહેતી થઈ હતી કે બન્ને બહેનોને ભણવાનું ગમતું ન હોય તે બાબતે માતા-પિતા દ્વારા વારંવાર ઠપકો અપાતો હોવાથી કંટાળીને ઘર છોડી દીધું હતું. જો કે પોલીસે બન્ને બહેનોને પકડીને પૂછપરછ કરતાં નવો જ ખુલાસો થયો છે. મુંબઈથી પકડાયેલી બન્ને બહેનોએ પોલીસ પૂછપરછમાં કહ્યું કે તેનો પિતા બૂટલેગર હોય તેમને પોલીસ આવી ન જાય તે માટે ‘રખેવાળી’ કરવાનું કહ્યું હતું. જો કે એક વખત પોલીસ આવી જતાં પિતાની ધરપકડ થઈ ગઈ હતી. આ પછી છૂટ્યા બાદ બન્ને બહેનોને માર માર્યો હોય કંટાળીને ઘર છોડી દીધું હતું.
નવો મોબાઈલ ખરીદતા બન્ને ઝડપાઇ
બન્ને પુત્રીઓ ઘરમાંથી પૈસા લઈને ત્રણેક મહિના પહેલાં ટ્રેન મારફતે ચેન્નાઈ પહોંચી ગઈ હતી. આ પછી ત્યાં જ આસપાસમાં આશરો મેળવી જીવન પસાર કરી રહી હતી ત્યારે જ એનજીઓના સંચાલિકાના ધ્યાન પર આ બન્ને બાળકીઓ આવી જતાં તેમણે સમગ્ર ઘટનાની જાણકારી મેળવીને બન્નેને મુંબઈના બોઈશરમાં આવેલા ફ્લેટમાં રાખી હતી. નાસી છૂટેલી બહેનોમાં નાની બહેનની ઉંમર 12 વર્ષની હતી અને મોટી બહેનની ઉંમર18 વર્ષની હતી. જ્યાં મોટી બહેને પોતાની પાસે રહેલું સીમકાર્ડ પણ ફેંકી દીધું હતું જેથી પોલીસ તેના સુધી પહોંચી ન શકે. જો કે તાજેતરમાં જ બન્નેએ નવો મોબાઈલ ખરીદ્યો હોય તેના આધારે પોલીસ તેના સુધી પહોંચી ગઈ હતી અને બન્નેને પકડી પાડી હતી.
માતાને માથામાં કૂકર ફટકારીને નાસી ગઈ
બન્નેને પકડ્યા બાદ આજે DCP સમક્ષ પૂછપરછ માટે લાવવામાં આવી હતી જ્યાં બન્નેએ એવી કબૂલાત આપી હતી કે, તેના પિતા મનોજ સોલંકી લિસ્ટેડ બૂટલેગર છે અને ઘરમાંથી જ દારૂનું વેચાણ કરી રહ્યા હતા. આ બન્નેને દરરોજ છત ઉપર ઉભી રાખીને પોલીસ આવે એટલે તેની જાણ કરવાનું કામ સોંપ્યું હતું. એક વખત પુત્રીઓના ધ્યાન બહાર પોલીસે ધસી આવી પિતાની ધરપકડ કરતાં તે રોષે ભરાયો હતો અને છૂટ્યા બાદ ઘેર આવીને બન્ને બહેનોને બેફામ માર માર્યો હતો જેથી પિતાના મારથી કંટાળીને બન્નેએ ઘર છોડી દેવાનો નિર્ણય લીધો હતો.ત્યારબાદ બન્નેએ મળીને ઘરમાંથી પૈસા લઈને ભાગી રહી હતી ત્યારે માતા વસંત મનોજભાઈ સોલંકી જોઈ જતાં બન્નેને અટકાવી હતી પરંતુ બન્નેને નાસી જ જવું હોવાથી માતાને માથામાં કૂકર ફટકારીને ભાગી ગઈ હતી.
ત્રણ મહિના સુધી મુંબઈ અને ચેન્નાઈ જેવા મહાનગરોમાં રહી
ત્રણ મહિના સુધી મુંબઈ અને ચેન્નાઈ જેવા મોટા શહેરોમાં ત્રણ મહિના સુધી રહેનારી બે સગી બહેનો સાથે કશું અજુગતું તો નથી બની ગયું ને તે વિશે પણ બી ડિવિઝન પોલીસે ઉંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે. જો કે અત્યાર સુધી તપાસમાં આવું કશું બન્યાનું બહાર આવી રહ્યું નથી આમ છતાં ઝીણવટપૂર્વકની તપાસ ચાલી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.