તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:બે લૂંટારુઓએ રિક્ષા આંતરી રૂ.24 લાખના સોનાના બિસ્કિટ લૂંટ્યા’તા

રાજકોટ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજકોટ પોલીસે 3 આરોપીનો કબજો મેળવી રિમાન્ડ મેળવ્યા
  • જૂનાગઢના યુવક પાસે આજે લૂંટારુઓની ઓળખપરેડ કરાવાશે

જૂનાગઢની પેઢીના કર્મચારીને રાજકોટમાં ક્રાઇમ બ્રાંચ તરીકેની ઓળખ આપી રૂ.24.25 લાખના સોનાના 5 બિસ્કિટની લૂંટ ચલાવવાના મામલામાં સંડોવાયેલા ચાર પૈકી ત્રણ આરોપીનો રાજકોટ પોલીસે સુરેન્દ્રનગર પોલીસ પાસેથી કબજો મેળવી ત્રણેયને ત્રણ દિવસના રિમાન્ડ પર લીધા હતા. ત્રણેય આરોપીની મંગળવારે ભોગ બનનાર યુવક પાસે ઓળખપરેડ કરાવવામાં આવશે.

ઘટનાને પગલે પોલીસ હરકતમાં આવી હતી અને ઘટનાસ્થળ નજીકના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી હતી. રાજકોટ પોલીસે ઘટનાના તમામ ફૂટેજ રાજ્યભરની પોલીસને મોકલ્યા હતા, દરમિયાન તા.8ની સાંજે જ સુરેન્દ્રનગર પોલીસે કારમાં પસાર થયેલા મહારાષ્ટ્રના શાહજોર સજાદહુશેન સૈયદ (ઉ.વ.24), લાલા સમીર જાફર શેખ (ઉ.વ.44), યુસુફઅલી અજીજઅલી શેખ (ઉ.વ.49) અને મોસીનઅલી નાસીરઅલી જાફરી (ઉ.વ.35)ને ઝડપી લઇ 500 ગ્રામ સોનાના પાંચેય બિસ્કિટ કબજે કર્યા હતા.

રાજકોટ પોલીસે સુરેન્દ્રનગર પોલીસ પાસેથી શાહજોર, લાલા સમીર અને મોસીનનો કબજો મેળવી ત્રણેયને ત્રણ દિવસના રિમાન્ડ પર લીધા હતા, પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, શાહજોર અને લાલા સમીર પોલીસના સ્વાંગમાં રિક્ષા સુધી પહોંચ્યા હતા જ્યારે યુસુફ અને મોસીન અન્ય એક બાઇકમાં ઘટનાસ્થળથી આગળના ચોકમાં ઘટના પર વોચ કરી રહ્યા હતા. જો ભોગ બનનાર કે રાહદારીઓ ઓળખી જાય અને હુમલો કરે તો યુસુફ અને મોસીન તેની મદદે પહોંચે તેવો પ્લાન કરવામાં આવ્યો હતો. યુસુફની સુરેન્દ્રનગરના અગાઉના એક ગુનામાં સંડોવણી હોવાથી સુરેન્દ્રનગર પોલીસના કબજામાં છે તેના રિમાન્ડ પૂરા થયા બાદ રાજકોટ પોલીસ તેને કબજો મેળવશે.

અન્ય સમાચારો પણ છે...