વિકાસ:જિલ્લાના બે ધાર્મિક સ્થાનને યાત્રાધામ તરીકે વિકસાવાશે

રાજકોટ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લાખાજીરાજ-જ્યુબિલી માર્કેટનો વિકાસ કરવા મનપાને કલેકટરનું સૂચન
  • અનળગઢનું મંદિર અને થાણાગાલોલના બૌદ્ધ વિહારનો વિકાસ કરાશે

રાજકોટ જિલ્લા પ્રવાસન સમિતિની બેઠક કલેક્ટરના અધ્યક્ષ સ્થાને મળી હતી જેમાં ગોંડલ તાલુકાના અનળગઢ કિલ્લામાં આવેલા મહાકાળી મંદિર તેમજ થાણાગાલોલના પૌરાણિક બૌદ્ધ વિહારને યાત્રાધામ તરીકે વિકસાવવાની દરખાસ્તને બહાલી અપાઈ છે.

બેઠકમાં જસદણના પ્રાંત અધિકારી રાજેશ આલે ઘેલા સોમનાથ મંદિરની સામે ટેકરી પર આવેલા મીનળદેવી મંદિર તેમજ તેને સંલગ્ન સુવિધાઓના વિકાસ માટે આયોજન જણાવ્યું હતું. જ્યારે કલેક્ટરે મંદિર, પરિસર તેમજ આસપાસના વિસ્તારનો વિકાસ કરવા પર ભાર મુક્યો હતો અને તે અંગે પ્રેઝેન્ટેશન તૈયાર કરવા સૂચના આપી હતી. દર્શનાર્થીઓને અહીં પૂરતી સુવિધા મળી રહે, મંદિરના ઐતિહાસિક વારસાને જાણીને તેના પર ગર્વ લઈ શકે તે માટે ઈતિહાસ-દર્શન ગેલેરી બનાવવા, પાર્કિંગ વ્યવસ્થા કરવા સહિતનું સૂચન કર્યું હતું.

ગોંડલ તાલુકામાં અનળગઢના કિલ્લામાં આવેલા મહાકાળી મંદિર તેમજ જેતપુર તાલુકામાં થાણાગાલોલમાં આવેલા પૌરાણિક બૌદ્ધ વિહારને યાત્રાધામ તરીકે વિકસાવવાની દરખાસ્ત રજૂ કરાઈ હતી. જેને બહાલી આપવામાં આવી હતી. ગોંડલમાં આવેલી શેમળી નદી ખાતે રિવરફ્રન્ટ બનાવવાનું પ્રેઝન્ટેશન સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું જેના પર વિચારણા કરાઇ હતી. કલેક્ટરે રાજકોટ શહેરમાં લાખાજીરાજ માર્કેટ, જ્યુબિલી માર્કેટને વિકસાવવા અંગે રાજકોટ મનપાને સૂચન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...