કોરોના રાજકોટ LIVE:નવરાત્રિ પહેલા 14 દિવસ બાદ બે પોઝિટિવ કેસ નોંધાયા, આરોગ્ય વિભાગે કોન્ટેક ટ્રેસિંગની કાર્યવાહી હાથ ધરી

રાજકોટ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • પોઝિટિવ કેસ આવે તે વિસ્તારને કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરી ત્યાં નવરાત્રિને મંજૂરી નહીં

રાજકોટમાં કોરોનાએ નવરાત્રિ પહેલા માથુ ઉંચક્યું હોય તેમ ગઇકાલે 14 દિવસ બાદ ફરી 2 કેસ નોંધાતા આરોગ્ય વિભાગે કોન્ટેક્ટ ટ્રેસિંગની કાર્યવાહી હાથ ધરી છે. શહેરના ચંદ્રપાર્ક વિસ્તાર અને પર્ણકુટીર સોસાયટીમાં એક વૃદ્ધ અને એક વૃદ્ધાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ છે. શહેરમાં નવા બે કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા 42826 પર પહોંચી ગઈ છે. રાજકોટ શહેરમાં આજે બપોરે 1 વાગ્યા સુધીમાં 18 વર્ષથી મોટી ઉંમરના કુલ 6308 નાગરિકોએ રસી લીધી હતી.

કન્ટેઈનમેન્ટ વિસ્તારમાં શેરી ગરબાને પણ મંજૂરી નહીં
રાજકોટમાં નવરાત્રિમાં શેરી ગરબાને લઈને મહત્વની જાહેરાત કરવામાં આવી છે. ગઈકાલે મહાનગરપાલિકાના કમિશનર અમિત અરોરાએ જણાવ્યું છે કે, શહેરમાં જ્યાં પણ કોરોના પોઝિટિવ કેસ આવે તે વિસ્તારને કન્ટેઈનટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવશે. આ વિસ્તારમાં લોકોએ જીવન જરૂરિયાતના કામો માટે જ બહાર જવાની મંજૂરી હશે. તે સિવાય કોઈ જ બહાર નીકળી શકશે નહીં. આવા કન્ટેઈનમેન્ટ વિસ્તારમાં શેરી ગરબાને પણ મંજૂરી આપવામાં આવશે નહીં.

નવરાત્રિમાં વેક્સિનનેશન બૂથ અને ટેસ્ટિંગ વધારાશે
વધુમાં જણાવ્યું હતું કે, શહેરમાં નવરાત્રિ સહિતના તહેવારો દરમિયાન કોરોનાના કેસ વધે નહીં અને સંક્રમણ ફેલાય નહીં તે માટે આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારના આદેશ મુજબ આપણે કોરોના ટેસ્ટિંગ ચાલુ છે અને રોજ 1500થી વધુના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.આગામી દિવસોમાં ટેસ્ટિંગ વધારવામાં આવશે. મોટા તહેવારમાં આપણે આગામી દિવસોમાં ટેસ્ટિંગ અને વેક્સિનેશન બૂથ વધારવામાં આવશે. જ્યાં સુધી શક્ય હશે ત્યાં સુધી ડોર ટુ ડોર વેક્સિન આપવામાં આવશે.

શહેરમાં એક્ટિવ કેસની સંખ્યા 3 છે
રાજકોટ શહેરમાં કુલ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 42826 થઈ છે. જોકે નવા જાહેર થયેલા 2 કેસ સહિત એક્ટિવ કેસની સંખ્યા 3 જ છે જે રાહતની વાત છે. બીજી તરફ ધીરે ધીરે વાઇરલ ફ્લૂના કેસ પણ સ્થિર થઈને ઘટી રહ્યા છે જેથી કોરોના ટેસ્ટની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. મંગળવારે 24 કલાકમાં 1963 ટેસ્ટ કરાયા હતા જોકે તેમાંથી એકપણ પોઝિટિવ આવ્યા ન હતા. અત્યાર સુધીમાં શહેરમાં રેપિડ અને આરટીપીસીઆર સહિત કુલ 1406728 ટેસ્ટ થઈ ચૂક્યા છે જેમાંથી 3 ટકા પોઝિટિવ નીકળ્યા છે જ્યારે 98.92 ટકા રિકવરી રેટ મનપાએ નોંધ્યો છે.