રાજકોટ ક્રાઈમ ન્યૂઝ:સસ્તુ સોનુ આપવાની લાલચ આપી સોની વેપારી પાસેથી 20 લાખ પડાવનાર બે શખસ ઝડપાયા

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
સોની વેપારીને છેતરનાર બે આરોપી વાલજી મકવાણા અને ઇનાયત શેખની ધરપકડ. - Divya Bhaskar
સોની વેપારીને છેતરનાર બે આરોપી વાલજી મકવાણા અને ઇનાયત શેખની ધરપકડ.
  • પડધરીમાં આયુર્વેદિક શીરપના નામે દારૂ વેચતો શખ ઝડપાયો

રાજકોટ રૂરલ LCB પોલીસ દ્વારા ગત 21 માર્ચના રોજ પડધરી ખાતે આવેલ કિસ્મત પાન એન્ડ કોલ્ડ્રીંક્સ નામની દુકાનમાંથી શંકાસ્પદ આયુર્વેદિક શીરપના 450 બોટલનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જે બાદ તેને FSLમાં મોકલાતા આજ રોજ તેનો FSL રિપોર્ટ જાહેર થતા તેમાં આલ્કોહોલનું પ્રમાણ 6 ટકાથી વધુ જણાઇ આવતા આયુર્વેદિક શીરપના નામે વિદેશી દારૂ વેચતા દુકાન માલિક રફીક સુલેમાન ગલેરીયાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ રાજકોટમાં સસ્તામાં સોનુ આપવાની લાલચ આપી વેપારી સાથે 20 લાખની છેતરપિંડી કરનાર બે શખસની રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. પોલીસે વાલજી મકવાણા અને ઇનાયત શેખની ધરપકડ કરી તેની પાસેથી રોકડ રકમ 7 લાખ 60 હજાર કબ્જે કરી ફરાર આરોપી મોબીના હિતેષ મકવાણા અને દ્વારકાના હસુની શોધખોળ હાથ ધરી છે.

સોની વેપારીએ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી
રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદી જનકભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું મારા ઘર પાસે શ્રી કૃષ્ણા જવેલર્સ નામની દુકાન ચલાવું છું. અમે સોના-ચાંદીના આભૂષણ બનાવી વેચાણ કરીએ છીએ અને હું તથા મારા મોટાભાઇ ચંદ્રશેખર બંન્ને સંયુક્ત કુટુંબમા રહીએ છીએ. આજથી આશરે એકાદ મહિના પહેલા મારા ગામના મારો કોલેજનો મિત્ર રવિકુલસિંહ ચૌધરીએ મને વાત કરેલ કે, તું જ્વેલર્સ કામ કરે છે અને મારા મિત્ર ટેક્સ વગરનુ સોનુ લાવે છે અને 20 ટકા ઓછી કિંમતમા સોનુ વેચે છે. જો તારી ઇચ્છા હોય તો વાત કરૂ. જેથી મેં હા પાડી હતી. બાદમાં રૂ.20 લાખનો થેલો વેગેનાર કારમાં રહેવા દીધો હતો અને અમારો સામાન વર્ના કારમા લઇ લીધો હતો. વર્ના કાર ધર્મેન્દ્રભાઇ ચલાવતા હતા. જેમાં હું તથા મારા મિત્ર રવિકુલસીંહ ચૌધરી તથા જયેશભાઇ બેઠા હતા.

અમદાવાદમાં અલગ અલગ જગ્યાએ ફેરવ્યા
રૂપિયાના થેલા બાબતે જયેશભાઇને પૂછતા જણાવેલ કે, અમો તમારી સાથે છીએ અને માલ આવી જાય એટલે આ ગાડી તમને જોધપુર સુધી મુકી આવશે અને રાત્રિના બે-અઢી જેવો સમય થઇ ગયેલ હોય જેથી જયેશભાઇએ કહેલ કે રાત્રીના મોડુ થઇ ગયેલ છે, રાત્રિ રોકાણ કરી સવારે અમદાવાદ માલ લઇ જોધપુર જતા રહેજો. આથી હું તથા મારા મિત્ર રવિકુલસિંહ ચૌધરી તથા જયેશભાઇ તથા ધર્મેન્દ્રભાઇ અમદાવાદ હાઇવે પર આવેલ સહયોગ હોટલમા રોકાયેલ હતા અને જયેશભાઇએ ઉતરી સોનુ લેવાનું કહી જતા રહેલ હતા. સમય વીતતા તે પરત આવેલ નહીં અને જયેશભાઇએ ધર્મેન્દ્રભાઇને ફોન પર જણાવેલ કે જગન્નાથ શોભાયાત્રા હોય જેથી ગાડી લઇ અમદાવાદ બહાર જતા રહો. આથી અમે અમદાવાદની બહાર જતા રહ્યા હતા અને અલગ અલગ બહાના બતાવી આ શખસોએ આજદિન સુધી અમોને અમારા રૂ.20 લાખની રોકડ કે સોનુ પરત મળેલ ના હોય જેથી આરોપીઓએ છેતરપિંડી આચરી હોવાનું જણાવ્યું હતું.

પોલીસ CCTVના આધારે આરોપીઓ સુધી પહોંચી
ફરિયાદવા આધારે તપાસ કરી અલગ અલગ વિસ્તારના CCTV ફૂટેજ તપાસી પોલીસે તપાસ કરતા ચોક્કસ બાતમી મળતા આજ રોજ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમે આજીડેમ ચોક નજીક આવેલ ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પમ્પ નજીક છેતરપિંડી આચરનાર ટોળકીના બે સભ્યોને પકડી પાડી 7 લાખ 60 હજાર રોકડ રકમ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે વાલજી મકવાણા અને ઇનાયત શેખની ધરપકડ કરી ફરાર આરોપી મોબીના હિતેષ મકવાણા અને દ્વારકાના હસુની શોધખોળ હાથ ધરી છે.

શું છે આરોપીઓની મોડેસ ઓપરેન્ડી?
આરોપીઓ દ્વારા સસ્તા ભાવમાં બે નંબરનું ઓરિજનલ સોનુ ખરીદ કરવાની સોની વેપારીને અગાઉથી ઘડેલા પ્લાન મુજબ લાલચ આપી હતી. બાદમાં વિશ્વાસમાં લઇ ભરોસો કેળવી એકબીજાની સાથે ફોનથી સતત સંર્કમાં રહી વેપારીને રાજકોટ બોલાવ્યા હતા. આરોપીઓ દ્વારા પોતાના ખોટા નામોની સોની વેપારીને ઓળખ આપી હોટેલમાં રૂમ રખાવી એક કિલો સોનાનો ભાવ રૂ.40 લાખ જેમાં 20 લાખ પહેલા અને 20 લાખ સોનું મળી ગયા બાદ આપવાના તેમ કહ્યું હતું. બાદમાં સોની વેપારી પાસેથી અગાઉથી રૂ.20 લાખ લઇ તમને અમદાવાદથી સોનું મળી જશે તેમ કહી સહ આરોપીઓ દ્વારા પોતાની કારમાં સોની વેપારીને બેસાડી અમદાવાદ લઇ જઇ ત્યાં બે ત્રણ કલાક કારમાં રખડાવી કાર ઉભી રાખતા સોની વેપારી કારમાંથી નીચે ઉતરી થોડા ચાલીને આગળ જતા આરોપીઓ વેપારીને અમદાવાદમાં મુકી કાર લઇને નાસી જતા હતા બાદ મળેલ રૂપીયાના ભાગ પાડી લેતા.

મેટાડા GIDCમાં બળદે ઢીંક મારતા યુવાનનું મોત
મેટોડા GIDCમાં આવેલા સત્‍યા ટેકનોકાસ્‍ટ કંપનીની ઓરડીમાં રહેતા પ્રમોદકુમાર રામઅયોધ્‍યા ચૌહાણ (ઉં.વ.40) ગઇકાલે GIDCના ગેઇટ પાસે ચાલીને જતા હતાં. ત્‍યારે બળદે અચાનક ઢીંક મારતા તેને શરીરે મુંઢ ઇજા થતા સારવાર માટે ખાનગી હોસ્‍પિટલમાં ખસેડાયા હતા. અહીં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે માલવીયાનગર પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ યશપાલસિંહે પ્રાથમિક કાગળો કરી લોધીકા પોલીસને મોકલવા તજવીજ હાથ ધરી છે.

આવાસમાં ફ્લેટ અપાવવાની લાલચ આપી સિક્યોરિટી ગાર્ડ સાથે છેતરપિંડી
રાજકોટ શહેરના ભક્તિનગર સોસાયટી રોડ ધારેશ્વર મંદિર પાસે રહેતા મિલનભાઇ કિશોરભાઇ મારૂ (ઉ.વ .25) એ ફરિયાદમાં અમદાવાદના તૃપ્તિ રણછોડભાઈ પરમાર અને મોહિત પટેલનું નામ આપતા IPC કલમ 406,420 અને 114ની કલમ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. બંનેએ સરકારી પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ક્વાર્ટર લગાડી આપવા અંગે સેટિંગ કરવાના રૂ.3.48 લાખ પડાવી છેતરપીંડી આચરી હોવાની ફરિયાદ તાલુકા પોલીસમાં નોંધાઈ છે.

માતા-પુત્રને પાંચ શખ્સોએ ઢીકાપાટુનો માર માર્યો
રાજકોટ શહેરના કુવાડવા રોડ પર આવેલી સિદ્ધિ વિનાયક સોસાયટીમાં રહેતા રમાબેન કિશોરભાઈ મુલીયા અને પુત્ર વિશાલ કિશોરભાઈ મુલીયા બે દિવસ પહેલા વિશાલની પત્નિ દ્રષ્ટી સાથે માથાકૂટ થતા દ્રષ્ટી તેના માવતરે જતી રહી હતી. ત્યારે ગઈકાલે રાત્રે દ્રષ્ટીને તેડવા માટે તેના પતિ સાસુ અને સસરા ગયેલ હતા. ત્યારે દ્રષ્ટીના પિતાએ કહ્યું હતું કે અમે કહીએ એમ કરજો તો અમારી દીકરીને મોકલશું. આ વાતમાં પતિ અને સાસુ-સસરા સહમત ન હોવાથી પરત વિશાલ અને તેના માતા-પિતા પોતાના ઘેર આવ્યાને પાછળથી તેના સાળા પ્રતિક, ભોલો, કિશન પરમાર અન્ય અજાણ્યા શખ્સોએ ઢીકા પાટુનો મુંઢ માર મારતા ઘવાયેલા માતા-પુત્રને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. બનાવનની જાણ થતા બી. ડિવિઝન પોલીસ મથકના સ્ટાફે તપાસ હાથ ધરી હતી.

આમ્રપાલી ફાટક પાસે વૃધ્ધાના ગળામાંથી સોનાના ચેઇનની ચીલઝડપ

રાજકોટ શહેરના અમ્રપાલી ફાટક પાસેથી ચાલીને જઈ રહેલા ભગવતીબેન નામના વૃધ્ધાના ગળામાંથી સોનાના ચેઇનની ચીલઝડપ કરી નાસી છૂટેલા શખ્સને પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી સકંજામાં લીધો હતો. રજનીકાંતભાઇ ભોજાણી (ઉ.વ.46) જણાવ્યું હતું કે હું મારી પત્ની ભાવીકાબેન અને મારા માતા ભગવતીબેન (ઉ.વ.82) સાથે રહીએ છીએ અને મારે શાપરમાં લોખંડના કાસ્ટીંગનુ કારખાનું ધરાવું છું. મારી માતા રોજ યોગા માટે સમતા યોગ સેન્ટર ગીત ગુર્જરી સોસાયટી મેઇન રોડ ખાતે સાંજના સાડા ચારેક વાગ્યા થી છ વાગ્યા સુધીમા જાઇ છે. ગઇકાલે સાંજના છ વાગ્યાની આસપાસ હુ ઘરે હતો ત્યારે મારા માતા ભગવતીબેન રાડા રાડી કરતા હતા જેથી હું બારે નિકળી જોતા મને જણાવેલ કે યોગ સેન્ટરથી હું અને પાડોસી જયા બેન ઠકકર બન્ને યોગા પુર્ણ કરીને ઘરે આવતા હતા ત્યારે ઘરના પાર્કીંગના દરવાજા આગળ પહોંચી હતી ત્યારે અચાનક મારા ગળામાંથી સોનાનો ચેઈન ઝૂંટવીને કોઈ અજાણ્યો શખ્શ નાસી છૂટયો હતો. જે અંગે સોનાનો ચેઇન 15 ગ્રામ રૂ.35 હજારની ચિલઝડપની ફરિયાદ ગાંધીગ્રામ પોલીસમાં નોંધાતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ આરોપીને સકંજામાં લઈ પૂછપરછ હાથ ધરી છે.