ધરપકડ:મુંબઇથી ડ્રગ્સ મગાવી રાજકોટમાં વેચાણ કરતા બે શખ્સ ઝડપાયા

રાજકોટ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બંને શખ્સ પાસેથી 17.11 ગ્રામ મેફેડ્રોન સહિત 2.46 લાખનો મુદ્ામાલ જપ્ત
  • યુનિવર્સિટી રોડ, હાઉસિંગ બોર્ડ ક્વાર્ટર પાસે એસઓજીની કાર્યવાહી

શહેરમાં વધી રહેલા નશીલા દ્રવ્યોના વેચાણ સામે પોલીસ તંત્રે લાલ આંખ કરી સમયાંતરે વિવિધ નશીલા દ્રવ્યોનું વેચાણ કરતા શખ્સોને પકડી રહી છે. ત્યારે યુનિવર્સિટી રોડ પર આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડ ક્વાર્ટર નજીક બે શખ્સ નશીલા દ્રવ્યો સાથે ઊભા હોવાની માહિતી મળી હતી. જે માહિતીના આધારે પીઆઇ જે.ડી.ઝાલાના માર્ગદર્શન હેઠળ તુરંત ટીમ ત્યાં દોડી ગઇ હતી.

જ્યાંથી પોલીસે ટુ વ્હિલર સાથે ઊભેલા બે શખ્સને સકંજામાં લીધા હતા. બંનેની પૂછપરછમાં મૂળ મોરબી પંથકનો અને રાજકોટમાં પુષ્કરધામ મેઇન રોડ પર રહેતા મેહુલ ચતુર ગામી અને કાલાવડ રોડ, ન્યારી ડેમ પાસે ડેકોરા બ્લોસમ એપાર્ટમેન્ટમાં રહેતા રોનક ગોપાલ કરકર હોવાનું જણાવ્યું હતું. જ્યારે બંને શખ્સની તલાશીમાં મેહુલ પાસેથી 15 ગ્રામ અને રોહન પાસેથી 2.11 ગ્રામ મેફેડ્રોન ડ્રગ મળી આવ્યું હતું.

જેથી બંનેની અટકાયત કરી પ્રાથમિક પૂછપરછ કરતા મેહુલ મેફેડ્રોન મુંબઇથી મગાવતો હતો અને છેલ્લા ત્રણ મહિનાથી વેચાણ કરે છે. મેહુલ રોનકને થોડું થોડું વેચવા માટે આપતો હોવાની કબૂલાત આપી છે. પોલીસે રૂ.1.71 લાખનું 17.11 ગ્રામ મેફેડ્રોન, બે મોબાઇલ, ટુ વ્હિલર મળી કુલ રૂ.2.46 લાખનો મુદ્દામાલ કબજે કરી બંને શખ્સને યુનિવર્સિટી પોલીસ હવાલે કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...