કાર્યવાહી:રાજકોટમાં 57 શાળાને નકલી સર્ટિફિકેટ ધાબડનાર બે શખ્સની ધરપકડ

રાજકોટ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દિલ્હી બોર્ડ હોવાનો દાવો કરી છેતરપિંડી આચરી’તી
  • મહિલા સહિત ત્રણ આરોપીઓની શોધખોળ શરૂ કરાઈ

રાજકોટમાં કોઇપણ પ્રકારનો અભ્યાસ કર્યા વગર ડિપ્લોમા કોર્સની ડિગ્રી વેચવાના કૌભાંડનો ક્રાઇમ બ્રાંચે પર્દાફાશ કર્યા બાદ તપાસ કરતા તેમાંથી વધુ એક રેકેટ બહાર આવ્યું હતું. ગઠિયાઓએ દિલ્હીમાં બોર્ડ ઓફ હાયર સેકન્ડરી એજ્યુકેશન દિલ્હી નામની સંસ્થા રજિસ્ટર કરાવ્યા બાદ તે દિલ્હી બોર્ડ હોવાનો દાવો કરી 57 શાળા ચલાવી શાળા સંચાલકો અને વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી આચર્યાનું ખુલ્યું હતું. પોલીસે બે આરોપીની ધરપકડ કરી અન્ય ત્રણની શોધખોળ શરૂ કરી હતી.

નાનામવા રોડ પરના માધવ કોમ્પ્લેક્સમાં ચાલતી એસઇઆઇટી એજ્યુકેશન નામની સંસ્થામાં રૂ.15 હજારમાં ડિપ્લોમા સર્ટિફિકેટ વેચાતા હોવાનો પોલીસે પર્દાફાશ કરી એ સંસ્થાના પ્રિન્સિપાલ જયંતીલાલ લાલજી સુદાણીને ઝડપી લીધો હતો, પોલીસે તેની ઓફિસમાંથી કેટલુંક સાહિત્ય કબજે કર્યું હતું, જે સાહિત્ય પર પોલીસે તપાસ કેન્દ્રિત કરતા વધુએક કૌભાંડ બહાર આવ્યું હતું.

પોલીસ તપાસમાં ધડાકો થયો હતો કે, રાજકોટના અશોક લાખાણી અને જયંતી સુદાણી તેમજ પાંડે નામના શખ્સે દિલ્હીમાં એક સંસ્થા રજિસ્ટર કરાવી હતી જેનું નામ બોર્ડ ઓફ હાયર સેકન્ડરી એજ્યુકેશન દિલ્હી રાખ્યું હતું, આ સંસ્થા પાસે સરકારી શિક્ષા વિભાગ કે અન્ય કોઇ સરકાર માન્ય શૈક્ષણિક બોર્ડની માન્યતા ન હોવા છતાં શાળાઓને એફિલેશન આપી આ સંસ્થાની નીચે 57 શાળા કાર્યરત કરી દીધી હતી.

અશોક લાખાણીનું મૃત્યુ થતાં ખાંભાના કેતન હરકાંત જોશીએ સંસ્થાનો વહીવટ સંભાળી લીધો હતો, રાજકોટની એસઇઆઇટી એજ્યુકેશન સહિતની સંસ્થાઓ વિદ્યાર્થીઓના એડમિશન કરતી પૈસા પડાવતી આ સંસ્થામાં ફોર્મ ભરાયા બાદ તે ફોર્મ દિલ્હી જતાં, પરીક્ષાના નાટક થતાં, પેપર ચેક કરવાના ખેલ થતાં અને વિદ્યાર્થીને સર્ટિફિકેટ અને માર્કશીટ પહોંચાડી દેવામાં આવતા હતા.

પોલીસે આ મામલામાં શનિવારે જયંતીલાલ સુદાણી અને ખાંભાના કેતન જોશીની ધરપકડ કરી બંનેને રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રવિવારે રજૂ કરવામાં આવશે. પોલીસે અન્ય ત્રણ આરોપી જિતેન્દ્ર અમૃતલાલ પીઠડિયા, તનુજા સીંગ અને પરેશ પ્રાણશંકર વ્યાસની શોધખોળ શરૂ કરી હતી. પોલીસસૂત્રોએ જણાવ્યું હતું કે, દિલ્હીની તનુજા છેલ્લા કેટલાક સમયથી સમગ્ર રેકેટની મુખ્ય કડી હતી. તનુજા હાથ આવ્યા બાદ વધુ વિગતો બહાર આવશે.

અન્ય સમાચારો પણ છે...