ધરપકડ:શાપરમાંથી બે ઉડિયા શખ્સ નવ કિલો ગાંજા સાથે પકડાયા, 1 ફરાર

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હિરેન પોલિમર્સ કારખાનાની ઓરડીમાં પોલીસનો દરોડો

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાંથી ગાંજો, અફીણ જેવા નશીલા દ્વવ્યો ઓરિસ્સાથી આવતો હોવાની અગાઉ અનેક વખત આરોપીઓની પૂછપરછમાં ખુલ્યું છે. ત્યારે હવે ખુદ ઓરિસ્સાના શખ્સો જ નશીલા દ્રવ્યો લઇ આવી વેચાણ કરતા હોવાના બનાવનો પર્દાફાશ થયો છે.

વેરાવળ (શાપર)માં આવેલા હિરેન પોલિમર્સ નામના કારખાનાની ઓરડીમાં રહેતા પરપ્રાંતીય શખ્સો પાસે ગાંજાનો જથ્થો હોવાની અને તેઓ વેચાણ કરતા હોવાની શાપર પોલીસને ચોક્કસ માહિતી મળી હતી. જે માહિતીના આધારે શાપર પોલીસમથકના પીએસઆઇ કે.એ.ગોહિલ સહિતના સ્ટાફે ગત મોડી રાતે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન કારખાનાની ઓરડીમાંથી મૂળ ઓરિસ્સાના કુમાર મણિનાથ રબીનાગ અને મહેન્દ્ર સુના સુભાષ સુના મળી આવ્યા હતા.

જ્યારે પોલીસે બંને શખ્સની ઓરડીમાં તપાસ કરતા અંદરથી એક પ્લાસ્ટિકનો કોથળો મળી આવ્યો હતો. જેમાં નશીલી વનસ્પિત મળી આવી હતી. જેથી બનાવ સ્થળે એફએસએલ ટીમને બોલાવી તેની ખરાઇ કરાવતા તે ગાંજો હોવાનું અને તેનું વજન કરાવતા તે 8 કિલો 935 ગ્રામ ગાંજો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે 89,350ના કિંમતનો ગાંજાનો જથ્થો કબજે કરી બંનેની વિશેષ પૂછપરછ કરતા તેમની સાથે અન્ય એક હમવતની ગણેશબીભાર કલેન્દ્રબીભાર હોવાનું અને ત્રણેય વતનમાંથી ગાંજો લઇ આવી શાપરમાં વેચાણ કરતા હોવાની કબૂલાત આપી છે.

આ ગાંજાનો જથ્થો છ દિવસ પહેલા જ ગણેશબીભાર વતનથી લઇ આવ્યો હોવાનું પણ બંને આરોપીએ જણાવ્યું છે. શાપર પોલીસે ત્રણેય સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી બે શખ્સની ધરપકડ કરી છે. બનાવની તપાસ કોટડાસાંગાણી પોલીસને સોંપાતા ફરાર આરોપીને પકડવા અને વિશેષ પૂછપરછ કરવા રિમાન્ડની તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...