દ.આફ્રિકામાં ગુજરાતીની હત્યા:બે હબસીએ રાજકોટના વેપારીને છાતીમાં ગોળી ધરબી 75 લાખની રોકડ અને લેપટોપની લૂંટ કરી, પિતરાઈ ભાઈ બચી ગયો

રાજકોટ14 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજકોટના વેપારી હરેશ નેભાણી 5 વર્ષથી દક્ષિણ આફ્રિકાના મડાગાસ્કર ટાપુ ખાતે સ્થાયી થયા હતા. ત્યારે ગત શનિવારે માડાગાસ્કરથી ધંધાના સ્થળેથી કારમાં હરેશ અને પિતરાઈ ભાઈ સાગર ઘર તરફ જતા હતા ત્યારે રસ્તામાં બે હબસીએ હરેશની છાતીમાં ગોળી ધરબી 75 લાખની રોકડ અને લેપટોપની લૂંટ ચલાવી હતી. આ બનાવમાં હરેશના પિતરાઈ સાગરનો બચાવ થયો હતો. બાદમાં બન્ને હબસી નાસી છૂટ્યા હતા. આ બનાવની જાણ થતાં હરેશના પિતા રોહિતભાઈ રાતોરાત દક્ષિણ આફ્રિકા પહોંચી ગયા હતા.

લૂંટના ઇરાદે બે હબસીએ કાર આંતરી
આ ઘટના અંગેની સુત્રોમાંથી મળતી માહિતી મુજબ મૂળ રાજકોટના અને છેલ્લા 5 વર્ષથી સાઉથ આફ્રિકાના મડાગાસ્કર ટાપુ ખાતે સ્થાયી થયેલા અને જથ્થાબંધ અનાજ-ખાંડનો વેપાર કરતા હરેશ રોહિતભાઈ નેભાણી (ઉં.વ.35) ગત શનિવારે પોતાના પિતરાઈ ભાઈ સાગર નેભાણી (ઉં.વ.30) સાથે કારમાં ઘર તરફ જવા નિકળ્યા હતા. ત્યારે રસ્તામાં બે બાઈક સવાર હબસી દ્વારા લૂંટના ઈરાદે કાર આંતરી હરેશ પર ફાયરિંગ કરી કારમાંથી રૂ.75 લાખની રોકડ અને લેપટોપની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા.

હરેશે ધંધામાં પ્રગતિ થતા પત્ની સહિત પરિવારને સાઉથ આફ્રિકા બોલાવી લીધો હતો (ફાઈલ તસવીર)
હરેશે ધંધામાં પ્રગતિ થતા પત્ની સહિત પરિવારને સાઉથ આફ્રિકા બોલાવી લીધો હતો (ફાઈલ તસવીર)

5 વર્ષમાં હરેશે આફ્રિકામાં ધંધો જમાવી દીધો
આ ઘટના સમયે હરેશની સાથે રહેલા સાગરનો ચમત્કારિક બચાવ થયો હતો. મૃતક યુવાનના પરિવારજનોમાંથી મળતી વિગત મુજબ હરેશનું નાનપણ રાજકોટના ઝુલેલાલનગરમાં વિત્યુ હતું. ત્યારબાદ હરેશનો પરિવાર શહેરના કાલાવડ રોડ પર રાણી ટાવર પાસે આવેલ આર.કે. નગરમાં રહેવા ગયો હતો. અનાજ-કરિયાણાનો વેપાર કરતા હરેશને તક મળતા ધંધાર્થે સાઉથ આફ્રિકામાં સ્થાયી થયો હતો. 5 વર્ષમાં આફ્રિકામાં પોતાનો બહોળો ધંધો જમાવી દીધો હતો.

હરેશ માડાગાસ્કરમાં અનાજ-કરિયાણાનો ધંધો કરતો (ફાઈલ તસવીર)
હરેશ માડાગાસ્કરમાં અનાજ-કરિયાણાનો ધંધો કરતો (ફાઈલ તસવીર)

પ્રગતિ થતા હરેશે પરિવારને પણ બોલાવી લીધો
ટૂંકા ગાળામાં વેપારમાં પ્રગતિ કરનાર હરેશે પોતાની પત્ની, પુત્ર, માતા-પિતાને પણ સાઉથ આફ્રિકા તેડાવી લીધા હતા અને પરિવાર સાથે સ્થાયી થઈ વેપારમાં પોતાનું સામ્રાજ્ય સ્થાપી દીધું હતું. ધંધામાં ઉત્તરોતર વિકાસ થયા બાદ હરેશે પોતાને મદદરૂપ થવા માટે રાજકોટ રહેતા કાકાના દીકરા સાગરને પણ સાઉથ આફ્રિકા બોલાવી લીધો હતો. 15 દિવસ પહેલા જ સાગર સાઉથ આફ્રિકા ગયો હતો.

હરેશ 5 વર્ષથી સાઉથ આફ્રિકામાં સ્થાયી હતો (ફાઈલ તસવીર)
હરેશ 5 વર્ષથી સાઉથ આફ્રિકામાં સ્થાયી હતો (ફાઈલ તસવીર)

કરિયાણાનો જથ્થો મગાવી આફ્રિકામાં વેપાર કરતો
ભારતમાંથી અનાજ-ખાંડ સહિતનો કરિયાણાનો જથ્થો કન્ટેનર દ્વારા સાઉથ આફ્રિકા મંગાવીને હરેશ વેપાર કરતો હતો. બનાવના દિવસે હરેશ અને તેનો પિતરાઈ સાગર ધંધાના સ્થળેથી કારમાં ઘર તરફ જવા નિકળ્યા હતા. ત્યારે જ બે આફ્રિકન શખસે લૂંટના ઈરાદે હુમલો કરી ફાયરિંગ કર્યું હતું. જેમાં હરેશ મોતને ભેટ્યો હતો.

હરેશની હત્યાથી પરિવાર આઘાતમાં (ફાઈલ તસવીર)
હરેશની હત્યાથી પરિવાર આઘાતમાં (ફાઈલ તસવીર)

આફ્રિકામાં જ અંતિમવિધિ કરવામાં આવી
આ બનાવની કરૂણતા એ છે કે, બનાવના દિવસે શનિવારે મૃતક હરેશના પિતા રોહિતભાઈ વતન રાજકોટમાં આવ્યા હતા. જેઓને પુત્રના સમાચાર મળતા રાતોરાત આફ્રિકા પહોંચી ગયા હતા અને આફ્રિકામાં જ પુત્રની અંતિમવિધી કરાવી હતી. 5 વર્ષ પહેલા સાઉથ આફ્રિકા સ્થાયી થયેલા બિઝનેસમેન હરેશના પરિવારજનો હજુ રાજકોટમાં જ રહે છે. હરેશભાઈના ત્રણ કાકા પોતાના પરિવાર સાથે રાજકોટમાં રહીને કેબલ, કન્ટ્રક્શન સહિતના ધંધા સાથે સંકળાયેલા હોવાનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...