રાજકોટ:ખારચીયામાં 2 માસની બાળકીને કોરોના કેવી રીતે લાગ્યો? તે રહસ્ય જાણવા આરોગ્ય વિભાગે કાર્યવાહી શરૂ કરી

રાજકોટ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખારચીયા ગામમાં આરોગ્ય વિભાગના ધામા - Divya Bhaskar
ખારચીયા ગામમાં આરોગ્ય વિભાગના ધામા
  • 15 ઘરોને કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરવા કાર્યવાહી કરાઈ
  • જીયાને તાવ-શરદી થતાં રાજકોટ લાવવામાં આવી હતી

રાજકોટ નજીક સરધારના ખારચીયામાં બે માસની બાળકીનો કોરોના પોઝિટિવ આવતાં જિલ્લા આરોગ્ય તંત્રની ટીમમાં દોડધામ મચી ગઇ હતી. રાતે બાળકીના પરિવારજનોને ક્વોરન્ટીન કરવાની તથા 15 ઘરને કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરવાની કાર્યવાહી શરૂ થઇ હતી. પ્રજાપતિ દંપતીની બે માસની નવજાત બાળકી જીયાને કોરોનો પોઝિટિવ કેવી રીતે આવ્યો તે રહસ્ય શોધવા માટે જિલ્લા આરોગ્ય તંત્રએ કવાયત શરૂ કરી છે કે આ માસુમ બાળકીને કોરોના ક્યાંથી આવ્યો? 

કુટુંબના બીજા ત્રણ લોકોને સમરસ હોસ્ટેલમાં ક્વોરન્ટીન કર્યા

બુધવારે પોઝિટિવ કેસ જાહેર થતાં મોડી રાત સુધી જિલ્લા આરોગ્યની ટીમોએ ખારચીયામાં લોકોને ક્વોરન્ટીન કરવાની અને જ્યાં પોઝિટિવ કેસ જાહેર થયો એ વિસ્તારના 15 ઘરોને કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરવા કાર્યવાહી કરી હતી. આ ઘરોમાં 59 લોકો રહે છે. બાળકીને તેની માતા સાથે રાજકોટ કોવિડ-19માં મોકલવામાં આવી હતી. જ્યારે તેના કુટુંબના બીજા ત્રણ લોકોને સમરસ હોસ્ટેલમાં ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે.

બાળકીને માતા સાથે કોવિડ-19 હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી

મળતી માહિતી અનુસાર રાજકોટ માંડાડુંગર પાસે માવતર અને સાસરૂ ધરાવતા મધુબેન અજયભાઇ ચૌહાણ ચાર મહિના પહેલા ડિલિવરી માટે પોતાના માવતર સરધારના ખારચીયા ગામે આવ્યા હતાં. અહીં તા. 19/3/20ના રોજ તેણીએ દીકરીને જન્મ આપ્યો હતો. આ દીકરીનું નામ જીયા રખાયું છે. બે માસની જીયાને તાવ-શરદી જેવું થતાં ગઇકાલે તેણીને રાજકોટ ગુંદાવાડી હોસ્પિટલમાં બતાવવા માટે લાવવામાં આવી હતી. અહીં તબીબે લક્ષણો શંકાસ્પદ જણાતાં બાળકીનો કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જે સાંજે પોઝિટિવ જાહેર થતાં બાળકીને માતા સાથે કોવિડ-19 હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

ખારચીયામાં દવા છંટકાવની કામગીરી કરવામાં આવી

માસુમ બાળકીને કોરોના કઇ રીતે વળગ્યો તે રહસ્ય શોધવા ડો. ભંડેરી અને ટીમે તપાસ શરૂ કરી છે. એક એવી શકયતા જણાઇ છે કે બાળાની માતા અગાઉ રાજકોટ દવા લેવા માટે બહાર નીકળ્યા હતાં. આ ઉપરાંત બાળાના નાના બોરવેલનું કામ કરતાં હોઇ તેઓ અગાઉ કચ્છ ગયા હતાં અને ઘરે આવ્યા હતાં. હાલમાં તેઓ સુરત ગયા છે. બાળાના માતાનો કોરોના ટેસ્ટ પણ કરાવવામાં આવ્યો છે જેનો રિપોર્ટ સાંજે આવશે. બાળકીના પિતા અજયભાઇ ચૌહાણ મેટોડા જીઆઇડીસીમાં નોકરી કરે છે. જેથી આ બેમાંથી કોરોના આવ્યો હોવાની શકયતા સેવાઈ રહી છે. ખારચીયા ગામમાં સવારે દવા છંટકાવ સહિતની કામગીરી કરવામાં આવી હતી. 

(અહેવાલ અને તસવીર: કરશન બામટા, આટકોટ)

અન્ય સમાચારો પણ છે...