ગોંડલ રોડ ચોકડી પાસેના રિદ્ધિસિદ્ધિ પાર્કમાં રહેતા અને પેટ્રોલ પંપમાં નોકરી કરતાં મનોજભાઇ બાબુભાઇ ચાવડા (ઉ.વ.53) રવિવારે નાઇટ ડ્યૂટી પૂરી કરીને સોમવારે વહેલી સવારે પોતાના ઘરે જવા સ્કૂટર પર નીકળ્યા હતા અને કેકેવી ચોકથી ગોંડલ રોડ ચોકડી તરફ આગળ વધ્યા હતા ત્યારે બાઇકમાં બે શખ્સ ધસી આવ્યા હતા અને મનોજભાઇ કંઇ સમજે તે પૂર્વે તેમના પર પાઇપથી હુમલો કરી દીધો હતો.
અચાનક જ હુમલો થતાં પ્રૌઢે દેકારો કર્યો હતો પરંતુ બંને શખ્સ હુમલો કરી નાસી ગયા હતા. મનોજભાઇના હાથમાં ફ્રેક્ચર જેવી ગંભીર ઇજા હોવાનું તબીબોએ જણાવ્યું હતું, બંને હુમલાખોરે માથે શાલ ઓઢી હોવાથી હુમલાખોર કોણ હતા અને શા માટે હુમલો કર્યો તે અંગે અજાણ હોવાનું પ્રૌઢે કહ્યું હતું.
અન્ય એક બનાવમાં કોઠારિયા રોડ પરના હુડકો ક્વાર્ટરમાં રહેતા સરોજબેન ધીરૂભાઇ ચાવડા (ઉ.વ.60) અને તેમની પુત્રી વૈશાલી ધીરૂભાઇ ચાવડા (ઉ.વ.34) રવિવારે સાંજે હોસ્પિટલમાં દાખલ થયા હતા, સરોજબેને પોલીસ સમક્ષ કહ્યું હતું કે, તેમની એક પુત્રી વૈરાગી વિધવા છે, તેની સાથે અગાઉ ઉમંગ કિરીટ ચાવડાનો પરિચય થયો હતો.
ઉમંગ પરિણીત હોવાથી તેના ઘરે જઇ વૈરાગી સાથે વાતચીત નહીં કરવા તેને સમજાવ્યો હતો, જે બાબતનો ખાર રાખી ઉમંગ તેના પિતરાઇ રોહિત જયેશને લઇને ધસી આવ્યો હતો અને બંને શખ્સે સરોજબેન અને તેની અન્ય એક પુત્રી વૈશાલીને ઢીકાપાટુનો માર મારી કમરપટ્ટાથી પણ ફટકાર્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.