રાજકોટના ઢેબર રોડ પર એસટી બસપોર્ટ પાસે ભરબપોરે એક મહિલાના હાથમાંથી મોબાઇલ ફોન લૂંટી લેવાનો પ્રયાસ થયો હતો. એક્ટિવા પર આવેલા અજાણ્યા શખસોએ મોબાઇલ ઝૂંટવી લેતાં મહિલાએ મોબાઇલ પાછો ખેંચી લેતાં તેના માથામાં છરી ઝીંકી બંને શખસ ભાગી ગયા હતાં. બનાવને પગલે લોહીલુહાણ મહિલાને સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી.
એસટી બસપોર્ટ પાસેની ઘટના
કોઠારિયા રોડ પર શિયાણીનગરમાં રહેતા હમીદાબેન આસીફભાઇ ઘાંચી (ઉં.વ.31) તેમના સગા બહારગામથી આવી રહ્યા હોઇ તેની રાહ જોઇને એસટી બસ પોર્ટ બહાર બપોરે બે વાગ્યા આસપાસ ઉભા હતાં. આ વખતે અચાનક એક્ટિવા પર બે શખસ આવ્યા હતા અને તે પૈકી એક શખસે હમીદાબેનના હાથમાંથી મોબાઇલ ફોન ઝૂંટવી લીધો હતો. હમીદાબેને હિમ્મત દાખવી પોતાનો મોબાઇલ લૂંટારાના હાથમાંથી પાછો ખેંચી લીધો હતો. તે વખતે એક્ટિવા પાછળ બેઠેલા શખસે છરી ઝીંકી દીધી હતી અને બંને ભાગી ગયા હતાં. પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવવા અને આરોપીઓ કોણ હતાં? ખરેખર ઘટના શું બની? તે જાણવા તપાસ હાથ ધરી છે.
જંક્શન પાસે થયેલી લૂંટનો 1 આરોપી ઝડપાયો
કોડીનારના વતની અને હાલ મેટોડા રહી કોમ્પ્યુટરનું કામ કરતાં મનિષ નાથાભાઇ વાઢેર પર 18 મેની રાતે જંક્શન રેલવે સ્ટેશન પાસે રિક્ષાચાલક સહિત બે શખસે હુમલો કરી રોકડ, કપડાના થેલા અને ફોનની લૂંટ ચલાવી હતી. આ બનાવનો ભેદ ડીસીબીની ટીમે ઉકેલી નાંખી ભગવતીપરા હુશેનીયા મસ્જીદ પાસે રહેતાં આરીફ ઉર્ફ મીનીબાપુ રજાકભાઇ શેખને પકડી લઇ તેની પાસેથી રૂ. 1550ની રોકડ, લોખંડનો પાઇપ કબ્જે કર્યા છે. પોલીસના કહેવા મુજબ આરીફ ઉર્ફ મીનીબાપુ અગાઉ પણ રાજકોટ રેલવે પોલીસ, પ્ર.નગર, એ-ડિવિઝન, જામનગર સિટી બી-ડિવીઝન, ગાંધીનગર ચીલોડા પોલીસમાં મારામારી, રાયોટિંગ, ચોરી, દારૂના છ ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.